પાકિસ્તાનની અફઘાનિસ્તાનના કાબુલ-કંદહાર સહિતના શહેરો પર એરસ્ટ્રાઇક, 130 તાલિબાનીઓને મારવાનો દાવો
પાકિસ્તાને દાવો કર્યો છે કે સરહદ પર થયેલા હુમલાના જવાબમાં તેણે કરેલી કાર્યવાહીમાં 130થી વધુ અફઘાનીઓને ઠાર માર્યા.

Published : February 27, 2026 at 12:30 PM IST
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર બંને પડોશી દેશોના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. બંને પક્ષોએ એકબીજાના સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે સરહદ પર અફઘાન તાલિબાન દ્વારા કરવામાં આવેલા કથિત હુમલાના જવાબમાં તેની સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 130થી વધુ તાલિબાનીઓ માર્યા ગયા હતા.
અફઘાન તાલિબાન દ્વારા સરહદ પર આવેલી અનેક લશ્કરી ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યાના અહેવાલ બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે 'ઓપરેશન ગઝબ-એ-લિલ-હક' શરૂ કર્યું હતું. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઓપરેશન શરૂ થવાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે સેના અફઘાન તાલિબાનના હુમલાનો કડક જવાબ આપી રહી છે.
કાર્યવાહી અંગે માહિતી આપતાં પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તારદારે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 133 અફઘાન તાલિબાનીઓ માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, "કાબુલ, પક્તિયા અને કંદહારમાં આવેલા અફઘાન તાલિબાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ત્યાં વધુ જાનહાનિ થવાની સંભાવના છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓછામાં ઓછી 27 અફઘાન દળોની ચોકીઓ નાશ પામી હતી અને નવ અન્ય ચોકીઓ કબજે કરવામાં આવી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની હુમલામાં 2 કોર્પ્સ હેડક્વાટર, 3 બ્રિગેડ હેડક્વાટર, 2 એમ્યૂનિટિ ડેપો, 1 લોજિસ્ટિક્સ બેઝ, 3 બટાલિયન હેડક્વાટર, બે સેક્ટર હેડક્વાટર તેમજ 80થી વધુ ટેન્ક, તોપો અને આર્મર્ડ વાહનોનો નાશ થયો હતો.
સરકારી PTV ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંદહાર અને પક્તિયામા આવેલા અફઘાન તાલિબાનના મુખ્ય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં કાબુલમાં બે બ્રિગેડ મુખ્યાલય તેમજ કંદહારમાં એક કોર્પ્સ હેડક્વાટર અને એક બ્રિગેડ હેડક્વાટરનો નાશ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
એક નિવેદનમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ નાગરિકોને નિશાન બનાવવા બદલ અફઘાન તાલિબાનની નિંદા કરી હતી. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ અફઘાન તાલિબાન દ્વારા કરવામાં આવેલા ખુલ્લા હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, "કાયર દુશ્મને રાતના અંધારામાં હુમલો કર્યો. અફઘાન તાલિબાને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો."
નકવીએ વધુમાં જણાવ્યું હતું કે, "આખો દેશ સેના સાથે ખભે ખભો મિલાવીને ઉભો છે. અફઘાન તાલિબાને આ હુમલો કરીને મોટી ભૂલ કરી છે. તેમને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમે અમારી સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરીએ."
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું, "આપણી સેનાનો પ્રતિભાવ સંપૂર્ણ અને નિર્ણાયક છે. જેઓ આપણી શાંતિને કમજોરી સમજે છે, તેમને કડક જવાબ આપવામાં આવશે - અને કોઈને છોડવામાં નહીં આવે."
વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું છે કે દેશની જનતા અને સેના પાકિસ્તાનની સુરક્ષા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે હંમેશા તૈયાર છે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, વડા પ્રધાન શાહબાઝે દેશની સુરક્ષા અને શાંતિને કોઈપણ નુકસાનથી બચાવવા માટે સશસ્ત્ર દળોની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું, "આપણી સેના કોઈપણ આક્રમક મનસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે."
તેમણે વધુમાં જણાવ્યું, "આપણી પ્રિય માતૃભૂમિની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને દરેક હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે."
તેમણે ઉમેર્યું, "પાકિસ્તાની સેના વ્યાવસાયિક ક્ષમતાઓ, ઉચ્ચ તાલીમ અને અસરકારક લશ્કરી વ્યૂહરચનાથી સજ્જ છે અને કોઈપણ આંતરિક કે બાહ્ય પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે."
આ પણ વાંચો:

