એક સમયે બસ ચલાવતા માદુરો કેવી રીતે બની ગયા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ? શરૂઆતથી જ અમેરિકાના વિરોધી રહ્યા
અમેરિકા દ્વારા પકડાયેલા માદુરો કોણ છે? અહીં તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.

Published : January 4, 2026 at 5:26 PM IST
કારાકાસ: નિકોલસ માદુરો એક સમયે બસ ડ્રાઇવર હતા. ત્યાંથી રાષ્ટ્રપતિ પદ સુધીની તેમની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. હ્યુગો ચાવેઝના નિધન પછી તેમણે સત્તા સંભાળી અને મુશ્કેલ દાયકા દરમિયાન તેને સતત મજબૂત બનાવી. જોકે, તેમના નેતૃત્વમાં વેનેઝુએલાનું સંકટ પણ વધુ ઘેરું બન્યું. એવો દાવો કરવામાં આવે છે કે તેમની નીતિઓએ લાખો લોકોને ગરીબીમાં ધકેલી દીધા અને વિશ્વના સૌથી મોટા સ્થળાંતરની અહીં શરૂઆત થઇ. તે સતત આંતરરાષ્ટ્રીય એકલતા અને અમેરિકાના નેતૃત્ત્વ હેઠળ પ્રતિબંધોનો સામનો કરતા રહ્યાં.
છેલ્લા કેટલાક દિવસોથી, તેઓ અમેરિકાના હુમલાને લઇને વધુને વધુ ચિંતિંત હતા, તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા તેમને ઉથલાવી પાડવા માંગે છે જેથી 1999માં હ્યુગો ચાવેઝ દ્વારા શરૂ કરાયેલી સમાજવાદી ક્રાંતિનો અંત લાવી શકાય. ચાવેઝને તેમના ગુરુ માનવામાં આવે છે. ચાવેઝ પણ અમેરિકા વિરોધી હતા.

માદુરોએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 40 વર્ષ પહેલાં કરી હતી. 1986માં તેઓ એક વર્ષની આઇડિયોલોજિકલ ટ્રેનિંગ મેળવવા ક્યૂબા ગયા હતા. તેમણે વેનેઝુએલામાં હાઇસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું, ત્યારબાદ તે ક્યૂબા જતા રહ્યા. પાછા ફર્યા બાદ તેમણે થોડા સમય માટે બસ ડ્રાઇવર તરીકે કામ કર્યું. તેઓ ટૂંક સમયમાં ત્યાં બસ યૂનિયનના લીડર બની ગયા. 1990માં તે વેનેઝુએલાની ઇન્ટેલિજન્સ એજન્સીની નજરમાં આવ્યા, તેમને ક્યૂબાની સરકારની સહાનુભૂતિ ધરાવતા અને કટ્ટર ડાબેરી તરીકે ઓળખવામાં આવ્યા.
આ સમયે માદુરોએ ડ્રાઇવર તરીકેની નોકરી છોડી દીધી અને રાજકારણી બની ગયા. તેઓ 1994માં હ્યૂગો ચાવેઝને મળ્યા, ચાવેઝે આ વર્ષે રાજકીય આંદોલન શરૂ કર્યું હતું.તત્કાલિન રાષ્ટ્રપતિએ ચાવેઝને માફ કરી દીધા જેમના પર બળવો કરવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે ચાવેઝ સત્તામાં આવ્યા, ત્યારે માદુરોનું રાજકીય કદ સતત વધતું ગયું. પહેલા તે નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ બન્યા અને પછી વિદેશ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા.
વર્ષ 2013માં અંતિમ ભાષણમાં ચાવેઝે માદુરોને તેમના રાજકીય ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. ચાવેઝે કહ્યું કે જો તેમને કંઇ થયું તો માદુરો તેમના ઉત્તરાધિકારી હશે. તે સમયે માદુરો વિદેશ મંત્રી હતા. કહેવામાં આવે છે કે તેમના આ સંબોધનથી તેમના સમર્થક અને વિરોધી, બન્નેને આશ્ચર્ય થયું હતું. માદુરો તે વર્ષે ચૂંટણી જીતી ગયા પરંતુ ખૂબ જ ઓછા અંતરથી. ચાવેઝના નિધન બાદ માદુરો રાષ્ટ્રપતિ બન્યા. માદુરોએ તે વર્ષે જ ફ્લોરેસ સાથે લગ્ન કર્યા, તેમને ફર્સ્ટ લેડી કહેવાની જગ્યાએ 'પ્રથમ યોદ્ધા'તરીકે ઓળખવામાં આવ્યા અને એક મહત્ત્વપૂર્ણ સલાહકાર માનવામાં આવ્યા.

એક અહેવાલ અનુસાર, માદુરોનો કાર્યકાળ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન, દેશનું આર્થિક સંકટ વધુ ખરાબ થયું. સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વધુ જટિલ બની. 77 લાખ કરતા વધારે લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા. વિરોધીઓને જેલમાં પુરવામાં આવ્યા. કેટલાક લોકોને ત્રાસ આપવામાં આવ્યો તો કેટલાક લોકોને હેરાન કરવામાં આવ્યા.
એક અહેવાલ અનુસાર, જે કોઇ માદુરાનો વિરોધ કરી શકતા હતા તેમણે ક્યાંક સત્તા પરથી ઉતારી દેવામાં આવ્યા અથવા જેલમાં ધકેલી દેવામાં આવ્યા. વેનેઝુએલાનું સંકટ માદુરોના સત્તામાં આવ્યાના પ્રથમ વર્ષમાં જ શરૂ થઇ ગયું હતું.
માદુરોના મુખ્ય રાજકીય વિરોધી મારિયા મચાડો છે, જેમને તાજેતરમાં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ માદુરોના વિરોધમાં એક અગ્રણી વ્યક્તિ રહ્યા છે, તેમણે કારાકાસ અને અન્ય શહેરોમાં રસ્તા પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. એવો આરોપ છે કે આ વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે 43થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
તેમના પર 2017માં સરકાર તરફી બંધારણ સભાની રચના કરીને વિપક્ષ-નિયંત્રિત વિધાનસભાને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે, જેના કારણે મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા જેને સુરક્ષા દળો અને સૈન્ય દ્વારા હિંસક રીતે દબાવવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. સેંકડોની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે માદુરો અને તેમની સરકારના સભ્યો સામે માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે તપાસ શરૂ કરી હતી. આ તપાસ 2025માં પણ ચાલુ હતી. 2018માં, માદુરો રાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝન લશ્કરી પરેડ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની નજીક વિસ્ફોટકોથી ભરેલું ડ્રોન ફાટી જતા લગભગ જીવલેણ હુમલામાં બચી ગયા હતા.
પોતાના શાસનકાળ દરમિયાન, માદુરો આર્થિક પતનને રોકવામાં નિષ્ફળ ગયા.મોંઘવારી અને ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થઇ ગઇ. દવાઓની ભારે અછતે લોકોને પ્રભાવિત કર્યા. આખા પરિવારો ભૂખ્યા રહ્યા અને પાડોશી દેશોમાં પગપાળા જ જવા લાગ્યા. જે લોકો ત્યા જ રહ્યા તે ચોખા, કઠોળ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે કલાકો સુધી લાઇનોમાં ઉભા રહ્યા.કેટલાક લોકો લોટ માટે રસ્તા પર ઝઘડવા લાગ્યા. સત્તાધારી પક્ષના વફાદાર લોકોએ ડિસેમ્બર 2018ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી લડતા રોકી દીધા. કેટલાક વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા તો કેટલાક દેશ છોડીને ભાગી ગયા. માદુરો લગભગ કોઇ વિરોધ વગર ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીતી ગયા પરંતુ ડઝનબંધ દેશોએ તેમને માન્યતા ના આપી. માદુરોના શાસનમાં, 2012 અને 2020 વચ્ચે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા 71% ઘટી ગઇ જ્યારે મોંઘવારી 130,000% વટાવી ગઇ, તેલનું ઉત્પાદન પણ ઘટી ગયું.
ટ્રમ્પના વહીવટીતંત્રએ પોતાના પ્રથમ કાર્યકાળમાં તેમના પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. જેમાં અમેરિકામાં વેનેઝુએલાની તમામ સરકારી સંપત્તિઓ ફ્રીઝ કરવી અને અમેરિકન નાગરિકો અને આંતરરાષ્ટ્રીય પાટર્નર્સને વેનેઝુએલાની સરકારી સંસ્થાઓ, જેમાં સરકારી તેલ કંપનીઓ પણ સામેલ છે, તેમની સાથે બિઝનેસ કરતા રોકવાનું સામેલ હતું. માદુરોએ 2021માં અનેક આર્થિક પગલાં અમલમાં મુકવાનું શરૂ કર્યું, જેનાથી આખરે વેનેઝુએલાના અતિ ફુગાવાનો અંત આવ્યો, તેમણે આર્થિક બદલાવ સાથે અમેરિકા સમર્થિક રાજકીય વિપક્ષને છૂટછાટ આપી જેની સાથે તેમણે વાતચીત ફરી શરૂ કરી. કેટલાક લોકોને આશા હતી કે 2024માં એક સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. માદુરોએ આ વાતચીતનો ઉપયોગ અમેરિકન સરકાર પાસેથી છૂટછાટ મેળવવા માટે કર્યો, જેમાં તેમના નજીકના સહયોગીઓમાંના એકને માફી આપવા અને જેલમાંથી છોડવા, પ્રતિબંધોનો લાઇસન્સ સામેલ હતો જેનાથી તેલ કંપની શેવરોનને વેનેઝુએલાના તેલ પંપ કરવા અને નિકાસ કરવાની પરવાનગી મળી. આ લાઇસન્સ તેમની સરકાર માટે ફાઇનાન્સિયલ લાઇફલાઇન બની ગયું.
પરંતુ 2023માં, સરકારે માચાડો, જે માદુરોના સૌથી મજબૂત વિરોધી હતા તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકી દીધો. વિપક્ષી નેતાઓ અને માનવાધિકાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. સરકારે માચાડોના અભિયાનના મુખ્ય સભ્યોને પણ કારાકાસમાં એક ડિપ્લોમેટિક કમ્પાઉન્ડમાં આશ્રય લેવા મજબૂર કર્યા, જ્યાં તેઓ ધરપકડથી બચવા માટે એક વર્ષ કરતા વધુ સમય સુધી રહ્યા. 2024ની ચૂંટણીમાં મતદાન બંધ થયાના કલાકો પછી, રાષ્ટ્રીય ચૂંટણી પરિષદે માદુરોને વિજેતા જાહેર કર્યા હતા.
આ પણ વાંચો:

