અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ખામેનીનું મોત, ઈરાની મીડિયાએ મોતની પુષ્ટિ કરી, લોકો રસ્તા પર ઉતર્યા

Published : February 28, 2026 at 3:13 PM IST
|Updated : February 28, 2026 at 10:51 PM IST
તેહરાન: ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો છે. સૂત્રો કહે છે કે ઇરાન પરના હુમલાઓ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંયુક્ત લશ્કરી કાર્યવાહીનો ભાગ છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ ઇરાન પરના હુમલાને "પ્રિવેન્ટિવ એટેક" ગણાવ્યો હતો. તેહરાન સહિત અનેક શહેરોમાં વિસ્ફોટો સંભળાયા હતા અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે.
ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા છે. તેહરાનમાં AFP પત્રકારોએ શનિવારે સવારે બે મોટા વિસ્ફોટો સાંભળ્યા હતા અને ઇરાની રાજધાનીના મધ્ય અને પૂર્વમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાર્સ ન્યૂઝ એજન્સીએ તાત્કાલિક અહેવાલ આપ્યો હતો કે, "વિસ્ફોટનો પ્રકાર સૂચવે છે કે તે મિસાઇલ હુમલો હતો."
અહેવાલો અનુસાર, ઈરાનના મીનાબમાં એક કન્યા શાળા પર ઇઝરાયલી હુમલો થયો છે. શનિવારના હુમલામાં મૃત્યુઆંક વધીને 85 થયો છે. ન્યાયતંત્રની મિઝાન ઓનલાઈન વેબસાઇટે પ્રોસિક્યુટર ઓફિસને ટાંકીને જણાવ્યું હતું કે, "મીનાબમાં કન્યા શાળામાં મૃત્યુઆંક વધીને 85 થયો છે."
ઇઝરાયલે શનિવારે ઇરાન પર "પ્રિવેન્ટિવ એટેક" કરવાની જાહેરાત કર્યા પછી અને જેરુસલેમમાં સાયરન વગાડ્યા પછી નાગરિક ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. મંત્રી મીરી રેગેવે જાહેરાત કરી હતી કે, "સુરક્ષા ઘટનાક્રમ બાદ, પરિવહન મંત્રીએ ઇઝરાયલ નાગરિક ઉડ્ડયન સત્તામંડળના ડિરેક્ટરને ઇઝરાયલ રાજ્યના હવાઈ ક્ષેત્રને સામાન્ય લોકોની ફ્લાઇટ્સ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે."
LIVE FEED
અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ખામેનીનું મોત, ઈરાની મીડિયાએ મોતની પુષ્ટિ કરી, લોકો રસ્તા પર ઉતર્યા
ઇઝરાયલ અને અમેરિકા ઇરાન પર હુમલા ચાલુ રાખે છે. ઇરાન પણ બદલો લઈ રહ્યું છે. યુદ્ધના બીજા દિવસે રવિવારે ઇરાનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો સંભળાયા હતા. અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની એક હુમલામાં માર્યા ગયા છે. તેમની પુત્રી, જમાઈ અને પૌત્રી પણ આ હુમલામાં માર્યા ગયા છે. આજે, ઇરાની મીડિયાએ પણ ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ હુમલામાં ઇરાનના સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મોહમ્મદ પાકપુર પણ માર્યા ગયા છે. દરમિયાન, ઇરાનમાં ઘણી જગ્યાએ લોકો રસ્તાઓ પર પોસ્ટરો સાથે જોવા મળ્યા હતા.
ઈરાનમાં 2000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, સરકારને મદદની કરી પોકાર
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ઈરાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે, એક વિદ્યાર્થી સંગઠને તેમને રેસ્ક્યૂ કરવા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો છે.
ETV ભારતના રિપોર્ટર મોઝૂમ મોહમ્મદના અહેવાલ મુજબ, તેહરાનની એક ભારતીય વિદ્યાર્થિનીએ મિસાઇલ હુમલાથી થયેલા જોરદાર વિસ્ફોટો વચ્ચે વિડીયો રેકોર્ડ કરતી વખતે ઉદાસ અવાજમાં કહ્યું કે, "પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને અનિશ્ચિત છે. અમને ખબર નથી કે આગળ શું થવાનું છે. કૃપા કરીને, અમારા માટે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની રાહ ન જુઓ. અમે ફક્ત શક્ય તેટલી વહેલી તકે રેસ્ક્યૂ કરાય તેવી વિનંતી કરીએ છીએ. મદદ કરો અને અમને શક્ય તેટલી વહેલી તકે અહીંથી બહાર કાઢો."
જમ્મુ અને કાશ્મીરના વતની અને ઈરાનના અન્ય MBBS વિદ્યાર્થી મહેક હુસૈને જણાવ્યું હતું કે, સવારથી દેશમાં અનેક સ્થળોએ વિસ્ફોટ થયા બાદ તેઓ ભયના માહોલમાં જીવી રહ્યા છે.
ઈરાનમાં ઉર્મિયા યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સની ચોથા વર્ષની વિદ્યાર્થીનીએ કહ્યું કે, "હુમલાએ વિદ્યાર્થીઓમાં ગભરાટ અને ભય ફેલાવ્યો હતો. ભારતીય દૂતાવાસની સલાહ છતાં, અમારી યુનિવર્સિટીએ અમને નિર્ધારિત પરીક્ષાઓને કારણે દેશ છોડવાની મંજૂરી આપી ન હતી. અમે અહીં રોકાયા કારણ કે અમે અમારી કારકિર્દીને દાવ પર નહોતા લગાવી શકતા. અમે સ્થળાંતરની વિનંતી કરી રહ્યા છીએ કારણ કે અમને ખબર નથી કે યુદ્ધ બંધ થશે કે ચાલુ રહેશે."
23 ફેબ્રુઆરીના રોજ, તેહરાનમાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ, યાત્રાળુઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સહિત ભારતીય નાગરિકોને ઈરાનમાં તણાવ અને વિરોધને કારણે, વાણિજ્યિક ફ્લાઇટ્સ સહિત પરિવહનના ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને વિલંબ કર્યા વિના ઈરાન છોડવાની સલાહ આપી હતી.
જમ્મુ અને કાશ્મીરથી 2,000 થી વધુ વિદ્યાર્થીઓ, મુખ્યત્વે MBBS અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા, તે દેશમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને ફાઈનલ મહત્વની પરીક્ષાઓને કારણ ત્યાં રોકવામાં આવ્યા હતા કારણ કે અધિકારીઓએ પરીક્ષાને મુલતવી રાખવાનો ઇનકાર કર્યો હતો.
ઈરાની મિસાઈલના ટુકડાથી ઈઝરાયલમાં તબાહી, જુઓ વીડિયો
ANI એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઈઝરાયલના રોશ હાયનમાં ઈરાની મિસાઈલના ક્રેશ સ્થળના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જ્યાં મિસાઈલના ટુકડા પડતા આ વિસ્તાર પ્રભાવિત થયો હતો. આ વીડિયોમાં રહેણાંક વિસ્તારની તસવીરો બતાવવામાં આવી છે - તૂટેલી બારીઓ, તિરાડવાળી દિવાલો, શેરીઓ અને બગીચાઓમાં ફેલાયેલો કાટમાળ, સળગતી કાર, ધુમાડો અને આગ. ફૂટેજમાં ઈરાનના બદલો લેવાના હુમલાનો એક ભાગ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ઈઝરાયલી એર ડિફેન્સે મોટાભાગની મિસાઈલોને અટકાવી હતી, પરંતુ રોશ હાયનમાં ક્રેશ સ્થળ સહિત કેટલાક સ્થળોએ મર્યાદિત નુકસાન થયું હતું.
ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ ટ્રમ્પ અને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
યુએસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે શનિવારે જણાવ્યું હતું કે, ઈરાન પર હુમલા બાદ યુએસ રાષ્ટ્રપતિ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના નિવેદનમાં, લેવિટે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સભ્યો સાથે માર-એ-લાગો ખાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. રાષ્ટ્રપતિએ વડા પ્રધાન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. હુમલાઓ પહેલાં, સેક્રેટરી રુબિયોએ કોંગ્રેસને બ્રીફ કરવા માટે ગેંગ ઓફ એઈટના તમામ સભ્યોને ફોન કર્યો, અને આઠમાંથી સાત સભ્યો સુધી પહોંચવામાં સફળ રહ્યા. રાષ્ટ્રપતિ અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ દિવસભર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે."
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈરાન અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક ઇમરજન્સી બેઠક બોલાવી
ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-નોએલ બૈરોટે શનિવારે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈરાન અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે રાત્રે 10 વાગ્યે CET પર એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. X પર એક પોસ્ટમાં, જીન-નોએલ બૈરોટે કહ્યું, "ફ્રાન્સની વિનંતી પર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આજે રાત્રે 10 વાગ્યે પેરિસના સમય મુજબ ઈરાન અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે મળશે."
ઈરાને આગામી સૂચના સુધી બધી યુનિવર્સિટીઓ બંધ કરી: સ્ટેટ મીડિયા
ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઇસ્લામિક રિપબ્લિક પર હુમલા બાદ ઈરાને શનિવારે જાહેરાત કરી હતી કે બધી યુનિવર્સિટીઓ આગામી સૂચના સુધી બંધ રહેશે. રાજ્ય સંચાલિત IRNA ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, "વિજ્ઞાન મંત્રીએ આગામી સૂચના સુધી દેશભરની યુનિવર્સિટીઓ બંધ રાખવાની જાહેરાત કરી છે."
ઇઝરાયલી હુમલામાં ઈરાની સંરક્ષણ પ્રધાન અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરનું મોત: મીડિયા સ્ત્રોતો
ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીથી પરિચિત સૂત્રો અને અન્ય પ્રાદેશિક સ્ત્રોતે રોઇટર્સને જણાવ્યું હતું કે, આ તેહરાન માટે એક મોટો ફટકો છે, કારણ કે ઈરાની સંરક્ષણ પ્રધાન અમીર નાસિરઝાદેહ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મોહમ્મદ પાકપુર ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.
ઈરાન અને ગલ્ફ ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમથી ભારત ખૂબ ચિંતિત
ઈરાન અને ગલ્ફ ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમથી ભારત ખૂબ ચિંતિત છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ટાળવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. તણાવ ઓછો કરવા અને આંતરિક મુદ્દાઓ ઉકેલવા માટે સંવાદ અને રાજદ્વારી માર્ગ અપનાવવો જોઈએ. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. પ્રદેશમાં અમારા ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમને સતર્ક રહેવા, તેમના મિશન સાથે સંપર્કમાં રહેવા અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સલાહ જાહેર કરી છે.
દુબઈ ફરી એક વિસ્ફોટથી હચમચી ગયું; બહેરીનમાં યુએસ એમ્બેસીની પરિસ્થિતિ વિશે જાણો
દુબઈમાં નવા વિસ્ફોટો સંભળાયા. દરમિયાન, ઈરાની મિસાઈલો દ્વારા મનામા પર હુમલો કરવામાં આવ્યા બાદ રવિવારે બહેરીનમાં યુએસ એમ્બેસી બંધ રહેશે. અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ તેહરાને બદલો લેવા ખાડીમાં મોટા પાયે હુમલા શરૂ કર્યા છે.
મેક્રો: આ તણાવને રોકવો જરૂરી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ અને તેહરાનના બદલાની કાર્યવાહી બાદ યુએન સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું, "આ તણાવ બંધ થવો જોઈએ."
મૃત્યુઆંક વધ્યો, 51 વિદ્યાર્થિનીઓના મોત
દક્ષિણ ઈરાનમાં એક શાળા પર થયેલા હુમલામાં 51 વિદ્યાર્થિનીઓના મોત થયા, સ્ટેટ લિવિઝને શનિવારે સ્થાનિક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો, જેમણે નવો મૃત્યુઆંક આપ્યો.
કાઉન્ટી ગવર્નરે જણાવ્યું કે, "આજે સવારે (મીનાબ) કાઉન્ટીમાં કન્યા પ્રાથમિક શાળા પર ઇઝરાયલી મિસાઇલ હુમલામાં અત્યાર સુધીમાં 51 વિદ્યાર્થિનીઓના મોત થાય અને 60 ઘાયલ થઈ."
ઇરાનની શાળા પર થયેલા હુમલામાં મૃત્યુઆંક 40 પર પહોંચ્યો
ઇરાનના સ્ટેટ મીડિયાના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલાઓ શરૂ કર્યા પછી, શનિવારે દક્ષિણ ઇરાનમાં એક કન્યા શાળામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા. સમાચાર એજન્સી AFPએ સ્થાનિક સ્ટેટ મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
સ્ટેટ ટેલિવિઝને જણાવ્યું હતું કે, "મીનાબ કન્યા પ્રાથમિક શાળામાં મૃત્યુઆંક 40 પર પહોંચી ગયો છે." હોર્મોઝગન પ્રાંતમાં થયેલા કથિત હુમલામાં 45 વધુ લોકો ઘાયલ થયા હોવાનું ઉમેર્યું હતું.
ઇરાનના હોર્મોઝગનમાં ઇઝરાયલી હુમલામાં 24 વિદ્યાર્થીઓના મોત: ઇરાની અધિકારી
AFPના રિપોર્ટ મુજબ, ઇઝરાયલી હુમલામાં દક્ષિણ ઇરાની પ્રાંત હોર્મોઝગનમાં એક શાળા પર હુમલો થયો, જેમાં 24 વિદ્યાર્થીઓ માર્યા ગયા, એમ એક પ્રાંતીય અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય ટેલિવિઝન અનુસાર, કાઉન્ટી ગવર્નરે જણાવ્યું હતું કે, "હોર્મોઝગનના મીનાબમાં શજારે તૈયબેહ પ્રાથમિક શાળામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે." અન્ય એક પ્રાંતીય અધિકારીએ જણાવ્યું હતું કે, મૃત્યુ ઇઝરાયલી હુમલાઓને કારણે થયા છે.
અત્યંત સાવધાની રાખો, તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનમાં લશ્કરી હુમલા શરૂ કર્યા હોવાથી, તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરીને ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સતર્ક રહેવા વિનંતી કરી છે.
X પરની એક પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે લખ્યું, "બધા ભારતીય નાગરિકોએ નિયુક્ત સુરક્ષિત જગ્યાની નજીક રહેવું જોઈએ અને તેમના નિવાસસ્થાન અથવા કામના સ્થળની નજીકના સુરક્ષિત જગ્યાની જાણ હોવી જોઈએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી સૂચના સુધી ઇઝરાયલમાં બધી બિન-આવશ્યક અને બિન-જરૂરી મુસાફરી ટાળે. નાગરિકોને સ્થાનિક સમાચાર, સત્તાવાર જાહેરાતો અને ઇમરજન્સી ચેતવણીઓ પર નજર રાખવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં, નાગરિકો 24x7 હેલ્પલાઇન દ્વારા તેલ અવીવના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે: ટેલિફોન: +972-54-7520711; ઇમેઇલ: cons1.telaviv@mea.gov.in." એડવાઈઝરીમાં જણાવાયું છે કે, દૂતાવાસ સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જરૂર પડ્યે અપડેટ્સ પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
સલાહ:
1. પ્રદેશમાં હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખે અને હંમેશા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.
2. ભારતીય નાગરિકોને સલામતી માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
મધ્ય પૂર્વમાં વિસ્ફોટ: ખાડી દેશોએ હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, રશિયાએ અમેરિકાને નિશાન સાધ્યું
અબુ ધાબી, યુએઈ, મનામા, બહેરીન, કુવૈત અને કતારમાંથી વિસ્ફોટ થયાના અહેવાલો મળ્યા છે. આ દરમિયાન, રશિયા કહે છે કે અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને પોતાનો અસલી રંગ બતાવ્યો છે. બહેરીનમાં એક અમેરિકન બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને ઈરાક પર પણ મિસાઈલ હુમલો કર્યો છે. કુવૈતે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. અહેવાલો સૂચવે છે કે ઈરાને કુવૈતમાં એક અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. વધુમાં, અહેવાલો સૂચવે છે કે ઈરાને રિયાધમાં એક અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી અને હાલમાં રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે અમેરિકા પર લશ્કરી કાર્યવાહી માટે ઈરાન સાથે પરમાણુ વાટાઘાટોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મેદવેદેવે ટેલિગ્રામ પર કહ્યું, "શાંતિ કાયમ કરનારાઓએ ફરી એકવાર પોતાનો અસલી રંગ બતાવ્યો છે." તેમણે કહ્યું, "ઈરાન સાથેની બધી વાટાઘાટો એક કવર ઓપરેશન છે... કોઈને આ અંગે શંકા નહોતી. કોઈપણ હકીકતમાં કોઈ વાત પર સહમત થવા નથી ઈચ્છતું."
ટ્રમ્પે ઈરાની અધિકારીઓને શરણાગતિ સ્વીકારવા અથવા મોતનો સામનો કરવા કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાઓને એક ઉમદા મિશન ગણાવ્યું. તેમણે કહ્યું કે, ઈરાન પર હુમલો કરવો જરૂરી હતો. તેમણે કહ્યું કે, ઈરાન એવા પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ સિસ્ટમ વિકસાવવા માંગે છે જે યુનાઇટેડ સ્ટેટ્સ સુધી પહોંચી શકે. તેમણે ઈરાની અધિકારીઓને શરણાગતિ સ્વીકારવા અથવા મોતનો સામનો કરવા કહ્યું. ટ્રમ્પે ઈરાની લોકોને એમ પણ કહ્યું કે, તેઓ તેમની સરકારનો હવાલો સંભાળે... તે તમારી રહેશે.
કતાર ઉપર ઈરાની મિસાઈલ તોડી પાડવામાં આવી, બહેરીનમાં વિસ્ફોટ
કતારના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, તેની પેટ્રિયટ ડિફેન્સ સિસ્ટમે ઈરાની મિસાઈલને અટકાવી હતી. અહેવાલો દર્શાવે છે કે બહેરીનમાં વિસ્ફોટ થયો છે. અગાઉ, બહેરીનના ગૃહ મંત્રાલયે કટોકટી ચેતવણી જારી કરી હતી અને નાગરિકોને નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરી હતી.
ઈરાને પણ મિસાઈલ હુમલા કર્યા, ખામેનેઇના નિવાસસ્થાનની આસપાસના રસ્તાઓ બંધ
અહેવાલો સૂચવે છે કે ઈરાને શનિવારે પણ ઈઝરાયલને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે, તેને ઈરાનથી છોડવામાં આવેલી મિસાઈલોની જાણ થઈ. દેશના અનેક વિસ્તારોમાં સાયરન વાગ્યું. અગાઉ, ઈઝરાયલે તેના કટ્ટર દુશ્મન સામે હુમલા શરૂ કર્યા હતા. સૈન્યએ એક નિવેદનમાં કહ્યું, "થોડા સમય પહેલા, ઈરાનથી ઈઝરાયલ તરફ છોડવામાં આવેલી મિસાઈલો મળી આવ્યા બાદ દેશભરના અનેક વિસ્તારોમાં સાયરન વાગ્યું." દરમિયાન, તેહરાનમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ખામેનેઇના નિવાસસ્થાનની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
નેતન્યાહૂએ કહ્યું કે, આ હુમલાઓનો હેતુ અસ્તિત્વના ખતરાને દૂર કરવાનો
ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ઈરાન પરના હુમલાઓનો હેતુ અસ્તિત્વના ખતરાને દૂર કરવાનો હતો. નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સંયુક્ત કાર્યવાહીથી બહાદુર ઈરાની લોકો માટે પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લેવાની પરિસ્થિતિઓ બનશે અને ટ્રમ્પના ઐતિહાસિક નેતૃત્વની પ્રશંસા કરી હતી.
અમેરિકા અને ઇઝરાયલ ઉત્તરી ઇરાન પર હુમલો કરે છે
અહેવાલ મુજબ, ઇઝરાયલ અને અમેરિકાએ ઉત્તરી ઇરાનમાં હુમલા શરૂ કર્યા છે. મિસાઇલ હુમલો થયો હોવાના અહેવાલ છે. આ દરમિયાન, ટ્રમ્પે કહ્યું છે કે ઇરાનને પરમાણુ શક્તિ બનવા દેવામાં આવશે નહીં. ઇઝરાયલે દેશભરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જેમાં ઇરાન પર પ્રિવેન્ટિવ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે શનિવારે આ જાહેરાત કરી હતી. ઇઝરાયલના પ્રિવેન્ટિવ હુમલા બાદ, સમગ્ર દેશમાં સાયરન વાગ્યા હતા. કાત્ઝે જણાવ્યું હતું કે, ઇઝરાયલે તેના પ્રદેશ પરના ખતરાને દૂર કરવા માટે ઇરાન પર પ્રિવેન્ટિવ હુમલો શરૂ કર્યો છે.
એર ઇન્ડિયા
આ દરમિયાન, તેલ અવીવથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-140 માં ચઢવાની રાહ જોઈ રહેલા મુસાફરોને પોતાનો સામાન છોડીને બોમ્બ શેલ્ટરમાં દોડવાની ફરજ પડી હતી. એક મુસાફરે PTIને જણાવ્યું હતું કે, તેમને બધું છોડીને તાત્કાલિક બોમ્બ શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતીય એરલાઇન્સે અધિકારીઓને જાણ કરી છે કે પરિસ્થિતિ પર નજર રાખવા માટે તે આવતીકાલ, રવિવારથી શરૂ થતાં એક અઠવાડિયા માટે આ રૂટ પર તેની ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરશે.

