આયાતુલ્લાહ અલી ખામેનેઇને મોતના 3 મહિના બાદ દફનાવવામાં આવશે, અનેક શહેરોમાંથી અંતિમ યાત્રા પસાર થશે
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઇને આજે દફનાવવામાં આવશે. ખામેનેઇનું મોત ત્રણ મહિના પહેલા 28 ફેબ્રુઆરીએ થયું હતું.

Published : June 3, 2026 at 9:42 AM IST
તેહરાન: ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઇને આજે દફનાવવામાં આવશે. ખામેનેઇનું મોત ત્રણ મહિના પહેલા 28 ફેબ્રુઆરીએ થયું હતું. 3 મહિના કરતા વધુ સમય વીતી ગયા બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઇરાન સરકાર તરફથી જાહેર નિવેદન અનુસાર, ખામેનેઇના જનાજા માટે સમગ્ર દેશમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે સાર્વજનિક અંતિમ સંસ્કારની પણ વાત કરવામાં આવી છે.
તેહરાનના ડેપ્યુટી મેયર, મોહમ્મદ અમીન તવાકોલી-ઝાદેહે, અનેક શહેરોમાં યોજાનારા યાદગાર કાર્યક્રમ માટે વહીવટીતંત્રની વ્યવસ્થા વિશે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેહરાન સહિત અનેક મુખ્ય શહેરી કેન્દ્રો તેમજ કોમ અને મશહદના ધાર્મિક સેન્ટરમાં સરઘસ કાઢવામાં આવશે. ઈરાનના
સરકારી બ્રોડકાસ્ટર IRIB સાથે વાત કરતા, તવાકોલી-ઝાદેહે સમજાવ્યું હતું કે ખામેનેઇની અંતિમયાત્રા દેશના અનેક મુખ્ય શહેરોમાંથી પસાર થશે.
અધિકારીના જણાવ્યા અનુસાર, ખામેનેઇની અંતિમયાત્રા ઈરાનની રાજધાની તેહરાનમાં યોજાશે. તેમણે જણાવ્યું હતું કે મુખ્ય સમારોહ ફક્ત તેહરાનમાં જ 24 કલાક ચાલશે. મ્યુનિસિપલ અધિકારીઓ હાલમાં રાજધાનીમાં યોજાનાર કાર્યક્રમમાં 2 કરોડ લોકોની ભારે ભીડને સમાવવા માટે તૈયારી કરી રહ્યા છે. આ ઔપચારિક જાહેરાત તેમના મૃત્યુના ઘણા મહિનાઓ પછી કરવામાં આવી છે, જ્યારે પરંપરાગત ઇસ્લામિક પ્રથાઓ અનુસાર સામાન્ય રીતે મૃત્યુના થોડા દિવસોમાં દફનવિધિ યોજવી જરૂરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે, ખામેનેઇ 28 ફેબ્રુઆરીએ તેમના ઘર પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા અને અધિકારીઓએ માર્ચની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે અંતિમ સંસ્કાર તરત કરવામાં નહીં આવે કારણ કે તેમાં સામેલ થનારી ભારે ભીડને કંટ્રોલ કરવામાં તકલીફ પડી શકે છે. ઇરાનના અન્ય એક સરકારી મીડિયા આઉટલેટ IRNAએ જણાવ્યું કે સરકારી અંતિમ સંસ્કાર સમારોહ જૂનના મધ્યમાં યોજાશે, જોકે ચોક્કસ તારીખ અને સમય હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
ખામેનેઇ 86 વર્ષના હતા જ્યારે તેમના ઘરની અંદર ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી, તેમના મોતની સાથે જ ઇરાનના સુપ્રીમ લીડર તરીકે તેમનો ત્રણ દાયકા કરતા વધુના શાસનનો અંત આવ્યો હતો. આ પદે તેમણે દેશના સૌથી તાકાતવર રાજકીય અને ધાર્મિક વ્યક્તિ બનાવી દીધા હતા. ઘટના સમયે તેહરાન પાસેથી મળતા અહેવાલોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. તેમના મોતના સમાચાર બાદ, શહેરના વિવિધ ભાગોમાં શોક અને ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ખામેનેઇના મોત બાદ તેમના પુત્ર આયાતુલ્લાહ મોજતબા ખામેનેઇને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા હતા. જોકે, રિપોર્ટસ અનુસાર, આ પદભાર સંભાળ્યા બાદ તે સાર્વજનિક રીતે જાહેરમાં આવ્યા નથી.
આ પણ વાંચો:

