ETV Bharat / international

આફ્રિકામાં જીબુટી નજીક બોટ પલટી જવાનો મામલો, 139 લોકોનાં મોત; વધુ 30 મૃતદેહો મળી આવ્યા, 84 લોકો હજુ પણ ગુમ

અકસ્માત સમયે બોટમાં 305 લોકો સવાર હતા. તેમાંથી 84 લોકો હજુ પણ ગુમ છે.

જીબુટી નજીક બોટ પલટી
જીબુટી નજીક બોટ પલટી (AFP)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 12, 2026 at 9:50 AM IST

2 Min Read
Choose ETV Bharat

જીનીવા: પૂર્વ આફ્રિકાના જીબુટી કિનારે 305 લોકોને લઈ જતી બોટ પલટી જવાની ઘટનામાં વધુ 30 મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક વધીને 139 થયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ રવિવારે આ માહિતી આપી હતી.

જોકે, આ દુર્ઘટના બાદ હજુ પણ 84 લોકો ગુમ છે. IOM અનુસાર, આ બોટ જીબુટીથી યમન જઈ રહી હતી, ત્યારે ગુરુવારે મોડી રાત્રે અથવા શુક્રવારે વહેલી સવારે ઓબોક (Obock)ની ઉત્તરે આવેલા ગુહેરે (Guhere) નજીક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 52 પુરુષો, 42 મહિલાઓ અને 15 બાળકોએ જીવ ગુમાવ્યો હતો.

IOM ઓબોકમાં આવેલા તેના 'માઇગ્રન્ટ રિસ્પોન્સ સેન્ટર' (MRC) ખાતે બચી ગયેલા 64 લોકોને મદદ કરી રહ્યું છે. તેઓને સ્વાસ્થ્ય સેવા, મનોવૈજ્ઞાનિક સહાયતા, સુરક્ષા સેવાઓ, અસ્થાયી આશ્રય, ભોજન અને તેમના પરિવારો સાથે પુનઃમિલન માટે મદદ મળી રહી છે.

જીબુટીમાં IOMના મિશન ચીફ એલેક્ઝાન્ડર કોઇસેકે કહ્યું, "આ જાનહાનિનું ખૂબ જ મોટું નુકસાન છે. અમારી સંવેદનાઓ બચી ગયેલા લોકો અને એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા જેમને તેમના સંબંધીઓ વિશે કોઈ સમાચાર મળ્યા નથી."

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમારી ટીમો સ્થાનિક અધિકારીઓ સાથે મળીને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે. આ દુર્ઘટના એ વાતની યાદ અપાવે છે, કે આર્થિક તકોની શોધમાં આ માઈગ્રેશન કૉરિડોરમાંથી પસાર થતા મુસાફરોએ કયા જોખમોનો સામનો કરવો પડે છે."

હજુ પણ ગુમ થયેલા લોકો અંગે વધતી જતી ચિંતા વચ્ચે, જીબુટીના અધિકારીઓ શોધ અને બચાવ કામગીરી ચાલુ રાખી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ બચી ગયેલા લોકોને તબીબી સારવાર પણ આપી રહ્યા છે અને મૃતકોના સન્માનજનક અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 10 સપ્ટેમ્બરથી IOMએ ઇથોપિયાથી જીબુટી આવતા 20,000થી વધુ લોકોની નોંધ લીધી છે. સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે 2025માં, યમન જવાના દરિયાઈ માર્ગ પર 900થી વધુ સ્થળાંતર કરનારા લોકોના મોત થયા અથવા તેઓ ગુમ થયા, અને આ મુસાફરીનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ

રશિયા અને યુક્રેન ઉર્જા સ્થાનો પર હુમલા રોકવા માટે સહમત થયા છે: ટ્રમ્પ

નેપાળમાં ફરી એકવાર વિનાશક પૂરથી તબાહી, ગોરખામાં ડઝનબદ્ધ ઘર અને પુલ વહી ગયા