જે લોકો સ્મોકિંગ નથી કરતા, તેમને ફેફ્સાંનું કેન્સર કેમ થાય છે? ડૉક્ટર પાસે જાણો જવાબ
ધૂમ્રપાનએ તેનું સૌથી મોટું અને અટકાવી શકાય તેવું કારણ છે, પરંતુ ધૂમ્રપાન ન કરવાનો અર્થ આ રોગ સામે રક્ષણ નથી...

Published : August 29, 2026 at 11:03 AM IST
ફેફ્સાનું કેન્સર ફક્ત ધૂમ્રપાન કરનારાઓ સુધી મર્યાદિત નથી; જે લોકો ધૂમ્રપાન નથી કરતા (ખાસ કરીને મહિલાઓ) પણ તેની ઝપેટમાં આવી રહી છે. સામાન્ય ગેરસમજને દૂર કરવી મહત્ત્વપૂર્ણ છે કે ફેફ્સાનું કેન્સર ફક્ત ધૂમ્રપાન કરનારાઓને જ અસર કરે છે. જયપુરની સીકે બિરલા હોસ્પિટલના પલ્મોનરી, ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિનના એડિશનલ ડાયરેક્ટર અને ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાકેશ ગોદારાનું કહેવું છે કે ધૂમ્રપાન સૌથી સામાન્ય અને અટકાવી શકાય તેવું કારણ હોવા છતાં, ધૂમ્રપાન ન કરવાથી રોગથી રક્ષણની ખાતરી મળતી નથી. અન્ય મુખ્ય કારણોમાં રેડોન ગેસનો સંપર્ક, નિષ્ક્રિય ધૂમ્રપાન, વાયુ પ્રદૂષણ, એસ્બેસ્ટોસ અને આનુવંશિક પરિવર્તનનો સમાવેશ થાય છે.
આ પરિબળો ફેફ્સાંના કેન્સરનું કારણ બની શકે છે
ભારતમાં, સેકન્ડ હેન્ડ ધુમાડાના સંપર્કમાં, ખરાબ વેન્ટિલેટેડ રસોડામાં બાયોમાસ ઇંધણનો ઉપયોગ, બહારનું વાયુ પ્રદૂષણ, ડીઝલનો ધુમાડો, જંતુનાશકો, કંસ્ટ્રક્શનની ધૂળ, એસ્બેસ્ટોસ અને કામની જગ્યાએ અન્ય કેન્સર પેદા કરતા પદાર્થો જોખમ વધારી શકે છે. પરિવારનો ઇતિહાસ અને ફેફ્સાંની જૂની બીમારીઓ (જેમ કે ક્રોનિક પલ્મોનરી ટીબી અથવા ફેફ્સાના ફાઇબ્રોસિસ) પણ ભૂમિકા ભજવી શકે છે.
આ લક્ષણોને ના અવગણો
ડૉ. રાકેશ ગોદારા કહે છે કે ભારતમાં ફેફસાંના કેન્સરનો બોજ વધી રહ્યો છે. GLOBOCANનો અંદાજ છે કે 2022માં દેશમાં આશરે 81,700 નવા કેસ અને 75,000 મૃત્યુ થયા હતા. એડેનોકાર્સિનોમા (Adenocarcinoma) સૌથી સામાન્ય પ્રકાર તરીકે ઉભરી આવ્યો છે, ખાસ કરીને ધૂમ્રપાન ન કરનારાઓ અને સ્ત્રીઓમાં. કમનસીબે, ઘણા દર્દીઓ રોગના એડવાન્સ સ્ટેજ (ગંભીર અવસ્થા)માં ડૉક્ટર પાસે પહોંચે છે કારણ કે સતત ઉધરસ, છાતીમાં દુખાવો અથવા વજન ઘટાડા જેવા લક્ષણોને ઘણીવાર અવગણવામાં આવે છે અથવા વારંવાર સંક્રમણ અથવા ટીબી સમજીને સારવાર કરવામાં આવે છે.
બીમારી શોધવી હવે આસાન
સારી વાત એ છે કે બીમારી શોધવી હવે વધારે સચોટ અને ઓછી પીડાદાયક બની છે. એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ (EBUS)ની મદદથી આપણે શ્વાસની નળીઓ દ્વારા છાતીની અંદર રહેલી લસિકા ગાંઠોના સેમ્પલ લઇ શકીએ છીએ. આ ઘણીવાર ઓપન સર્જરી વગર એક જ પ્રક્રિયામાં બીમારી શોધવા અને તેની સ્ટેજિંગ કરવામાં મદદ મળે છે. રેડિયલ EBUS અને ગાઇડેડ બાયોપ્સી જેવી એડવાન્સ બ્રોંકોસ્કોપિક ટેકનિકને કારણે આપણે ફેફ્સાના નાના અને બાહ્ય નોડ્યુલ્સ સુધી પણ પહોંચી શકીએ છીએ જેના સુધી પહેલા સામાન્ય બ્રોંકોસ્કોપીથી પહોંચવું મુશ્કેલ હતું.
યોગ્ય ટિશ્યૂ સેમ્પલ લેવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે આપણે હવે ગાંઠને ફક્ત ફેફ્સાના કેન્સર કહીને રોકાઇ જતા નથી. ઇમ્યુનોહિસ્ટોકેમેસ્ટ્રીએ નક્કી કરવામાં મદદ કરે છે કે તે એડેનોકાર્સિનોમા, સ્કવામસ-સેલ કાર્સિનોમા કે અન્ય પ્રકારનું કેન્સર છે. EGFR,ALK અને ROS1 જેવા પરિવર્તનો માટે મોલિક્યૂલર ટેસ્ટિંગ અને PD-L1 ટેસ્ટિંગથી તે દર્દીઓની ઓળખ કરવામાં મદદ મળે છે જેમણે ટાર્ગેટેડ થેરેપી અથવા ઇમ્યુનોથેરેપીથી ફાયદો થઇ શકે છે.
સામાન્ય લોકો માટે મેસેજ સ્પષ્ટ છે કે જો તમને સતત શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો ક્યારેય તેને નજરઅંદાજ ના કરો. ભલે તમે ધૂમ્રપાન ના કરતા હોવ. પ્રાથમિક તપાસ અને ટિશ્યૂ પરીક્ષણ સારવારની રીત અને પરિણામ બદલી શકે છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી અને સૂચન માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે. અમે આ જાણકારી વૈજ્ઞાનિક શોધ, સંશોધન, અભ્યાસો અને તબીબી અને આરોગ્ય નિષ્ણાતોની ભલામણોના આધારે આ માહિતી આપી રહ્યા છીએ. આ સૂચનનું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.)
આ પણ વાંચો:

