જન્મદિવસે મોટી ભેટ: સૌરવ ગાંગુલીની બાયોપિક 'દાદા'ની જાહેરાત, રાજકુમાર રાવનો ફર્સ્ટ લુક રિલીઝ
સૌરવ ગાંગુલીના 54મા જન્મદિવસ પર લાંબા સમયથી ચર્ચામાં રહેલી તેમની બાયોપિક 'દાદા'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને રાજકુમાર રાવનો ફર્સ્ટ લુક સામે આવ્યો.

Published : July 8, 2026 at 2:56 PM IST
હૈદરાબાદ : ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના 54મા જન્મદિવસે ચાહકો માટે સૌથી મોટી ભેટ સામે આવી છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલી ગાંગુલીની બાયોપિક ‘દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ની 7 જુલાઈના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પૂર્વ કેપ્ટનનો રોલ રાજકુમાર રાવ ભજવશે અને તેનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. જોકે, આ ફિલ્મ માટે હજી થોડી રાહ જોવી પડસે, કારણ કે તે આ વર્ષે નહીં, પરંતુ 2027માં રિલીઝ થશે.
બાયોપિક ‘દાદા’માંથી રાજકુમાર રાવનો સૌરવ ગાંગુલી તરીકેનો ફર્સ્ટ લુક અત્યંત શાનદાર છે. ફર્સ્ટ લુકમાં રાજકુમાર રાવ લોર્ડ્સના પેવેલિયનમાં ટી-શર્ટ ઉતારીને લહેરાવતા જોવા મળે છે, જેવી રીતે ગાંગુલીએ 13 જુલાઈ 2002ના રોજ નેટવેસ્ટ ટ્રાઈ સીરિઝની ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ કરી હતી.
ગાંગુલીના આ વિજયી હાવભાવ પર તે સમયે ઘણો હંગામો થયો હતો અને ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતની આજે પણ ચર્ચા થાય છે. ફિલ્મ 14 મે 2027ના રોજ રિલીઝ થશે અને તેને ઈદના પ્રસંગે લાંબો હોલિડે વીકએન્ડ મળવાનો છે.
પોતાની બાયોપિકના ફર્સ્ટ લુક પર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. દાદાએ પોસ્ટર શેર કરીને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, ‘અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ભેટ, હવે મને મારો કવર ડ્રાઈવ શોટ જોવાની રાહ જોઈ શકાતી નથી.’
The Best Gift Ever! Can’t wait to see you play my cover drive! #RajkummarRao#Dada #DadaTheSouravGangulyStory #DadaFirstLook pic.twitter.com/TqHsWn2Eg8
— Sourav Ganguly (@SGanguly99) July 8, 2026
‘દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાનેએ કર્યું છે અને તેને લવ રંજન તથા અંકુર ગર્ગે પ્રોડ્યુસ કરી છે. ગુલશન કુમાર, ભૂષણ કુમાર, ટી-સિરીઝ અને DBL તેને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ લવ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે.
ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલીએ 2021માં પોતાની બાયોપિકની જાહેરાત કરી હતી. આ બાયોપિકમાં તેમના શરૂઆતના જીવનથી લઈને BCCIના અધ્યક્ષ બનવા સુધીની કહાની દર્શાવવામાં આવશે. બાયોપિકનું બજેટ મોટું હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘દાદા’ ઉર્ફે સૌરવ ગાંગુલીની બાયોપિક માટે સૌથી પહેલા રણબીર કપૂર અને આયુષ્માન ખુરાનાના નામ સામે આવ્યા હતા. રણબીરે ના પાડ્યા બાદ આયુષ્માનને રોલ ઓફર થયો અને તેમણે ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી પરંતુ, તેઓ પણ ફિલ્મમાંથી બહાર થઈ ગયા. બાદમાં ખુદ સૌરવ ગાંગુલીએ રાજકુમાર રાવના નામ પર મહોર લગાવી હતી.
આ પણ વાંચો...

