ETV Bharat / entertainment

Exclusive ઈન્ટરવ્યૂ: કોમેડી કરતો કલાકાર કેવી રીતે ગુજરાતી સિનેમાનો ડરામણો ચહેરો બન્યો ?

અભિનેતા ચેતન દૈયા, અભિનય કરવાની શરૂઆત કેવી રીતે થઈ, તેમને પ્રેરણા ક્યાંથી મળે છે, ચાલો જાણીએ આ અહેવાલમાં...

કોમેડી કરતો કલાકાર કેવી રીતે ગુજરાતી સિનેમાનો ડરાવનો ચહેરો બન્યો?
કોમેડી કરતો કલાકાર કેવી રીતે ગુજરાતી સિનેમાનો ડરાવનો ચહેરો બન્યો? (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 3, 2026 at 1:11 PM IST

|

Updated : January 4, 2026 at 12:36 PM IST

7 Min Read
Choose ETV Bharat

તુષાર ચૌહાણ, હૈદરાબાદ : ગુજરાતી નાટક અને સિનેમામાં પોતાની મહેનતથી અલગ ઓળખ બનાવનાર આ અભિનેતાની સફર સહેલી નથી. એક સમય એવો પણ હતો જ્યારે 700 રૂપિયાની ફી ન ભરાઈ શકવાને કારણે ભણવાનું છોડવાનું મન બનાવી લીધું હતું. સ્કૂલના મંચ પરથી શરૂ થયેલો અભિનયનો શોખ ધીમે ધીમે રંગભૂમિ અને પછી ફિલ્મી પરદે પહોંચ્યો.

શરૂઆતમાં કોમેડીથી લોકોનું મનોરંજન કરનાર આ કલાકાર આજે ગુજરાતી સિનેમામાં ડરાવવા જેવી નેગેટિવ ભૂમિકાઓ માટે ઓળખાય છે. જેમણે અનેક ફિલ્મો અને નાટકો લખ્યા છે, એવા ગુજરાતી ફિલ્મના અભિનેતા ચેતન દૈયાના જીવનના શરુઆતના પડકારો અને તેમની સફર વિશે જાણીએ.

શાળા જીવન અને અભિનય તરફનો ઝુકાવ

ETV ભારત સાથે વાત કરતા ચેતન દૈયાએ જણાવ્યું કે, હું ચાંદખેડાની હાઇસ્કૂલમાં ભણ્યો, 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે યુવક મહોત્સવની સ્પર્ધા હતી. એ વખતે ચાંદખેડા ગાંધીનગર જિલ્લામાં આવતું હતું. મને સ્કૂલમાં ગાવાનો બહુ શોખ હતો. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ દેશભક્તિના ગીતો ગાવા મને ગમતા. ઘણીવાર નાની મોટી મિમિક્રી પણ કરી લેતો. સ્કૂલની કોઈપણ ઇવેન્ટમાં હું અભિનય કરતો.

યુવક મહોત્સવથી એકપાત્રિય અભિનયની શરૂઆત

તેમણે કહ્યું, અમારા ગુજરાતીના સાહેબ રાજુભાઈ પટેલ હતા. યુવક મહોત્સવની જાહેરાત આવી ત્યારે તેમણે મને પૂછ્યા વગર એકપાત્રિય અભિનયમાં મારું નામ લખી નાખ્યું. મેં કહ્યું કે મને એકપાત્રિય અભિનય નથી આવડતો, ગાવાનું કહો તો જઈને ગાઈ નાખીશ. પણ સાહેબે કહ્યું કે નામ લખાઈ ગયું છે એટલે હવે કરવું જ પડશે.

મને સમજ નહોતી પડતી કે એકપાત્રિય અભિનય કેમ કરવો. ત્યારબાદ ખબર પડી કે અમારી સોસાયટીમાં દશરથભાઈ સુતરિયા નામના નાટ્ય કલાકાર રહે છે. હું તેમના ઘરે ગયો. તેમણે સમજાવ્યું કે એકપાત્રિય અભિનયમાં એક વ્યક્તિ જ અલગ અલગ પાત્રો ભજવે છે અને સમાજને સંદેશો આપવાનું માધ્યમ છે.

શિક્ષિત બેરોજગારી પર અભિનય કર્યો

દશરથભાઈએ મને પૂછ્યું કે તારે સમાજને શું કહેવું છે. મેં કહ્યું કે અમારી સોસાયટીમાં ઘણા ભણેલા યુવકો બેરોજગાર છે, તેમની વાત લોકો સુધી પહોંચવી જોઈએ. તેમના માર્ગદર્શન હેઠળ આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ત્યારબાદ એ અભિનયમાં દીકરો, મા, સાહેબ, ઇન્ટરવ્યુ લેનાર – બધા પાત્રો મેં ભજવ્યા. જ્યારે હું અભિનય કરતો ત્યારે લોકો તાળીઓ પાડતા. એ તાળીઓથી મને મજા આવી અને લાગ્યું કે આપણે જે કરીએ છીએ એ લોકોને ગમે છે.

700 રૂપિયા ફી ભરવી મુશ્કેલ હતી એટલે ભણવાનું છોડવાનું વિચાર્યું

તેમણે કહ્યું, શરૂઆતમાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. અમે ભાડાના મકાનમાં રહેતો હતા, પિતા છૂટક મજૂરી કરતા. ગુજરાત કોલેજના નાટ્ય વિભાગમાં વાયવા આપ્યો અને સિલેક્ટ થયો, પણ 750 રૂપિયાની ફી ભરવી મુશ્કેલ હતી એટલે મેં મનમાં નક્કી કરી લીધું કે આ આપડું કામ નથી.

અમારી જોડે ફોન પણ નહોતો એટલે એડમિશન ફોર્મમાં મિત્ર જગદીશભાઈના ઘરનો ટેલિફોન નંબર લખેલો. નાટ્ય વિભાગના HOD શ્રીકાંત બિરજુ સાહેબનો ફોન આવ્યો અને કહ્યું કે ફી ભરવાનો છેલ્લો દિવસ છે. મેં કહ્યું કે મારે જોડાવું નથી, બીજા દિવસે સાહેબે મને કોલેજ બોલાવ્યો. મેં કહ્યું કે ઘરની પરિસ્થિતિ સારી નથી અને ફી ભરવાની વ્યવસ્થા નથી. સાહેબે પોતાના ખિસ્સામાંથી 700 રૂપિયા આપીને કહ્યું કે બહાર કેન્ટિનમાં ચા પી અને પાછો આવીને પૈસા આપી દે એટલે ફી ભરાઈ જશે.

પછી મેં કહ્યું કે બસ ભાડાની પણ વ્યવસ્થા નથી. મેં કહ્યું કે સાહેબ નાનું મોટું કામ કર નોકરીનું કરીશ એટલે હું મારુ સાચવી શકું એમ એટલે સાહેબે કહ્યું, સારુ પણ, કોલેજનો ટાઈમ સાચવી રાખજે. પછી હું એક NGO સાથે જોડાયો અને સ્ટાઈપેન્ડ મળવા લાગ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, બે ત્રણ મહિનાનો પગાર મળ્યા બાદ હું સાહેબને પૈસા પાછા આપવા ગયો. સાહેબે કહ્યું કે જો તને આસપાસ કોઈ વિદ્યાર્થી પૈસાના કારણે ભણી ન શકે તો તેની મદદ કરજે, એ પૈસા મારા સુધી પહોંચી ગયા એમ માનીશ.

જેન્ટ્સ વોશરુમમાંથી લોકો અમને જોઈને ભાગ્યા...

ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમીની સ્પર્ધા હતી. આ નાટકના લેખક અને ડિરેક્ટર રફીક પઠાણ વડનગરી હતા. નાટક ફાઈનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ એક કલાકારે અચાનક કહી દીધું કે મારે આ રોલ નથી કરવો. ત્યારબાદ બિરજુ સાહેબને કહેવામાં આવ્યું કે નાટક માટે કોઈ છોકરો જોઈએ છે. ત્યારે તેમણે કહ્યું કે હા, એક છોકરો છે – ચેતન.

પછી હું તેમને મળ્યો. નાટકનું નામ હતું ‘અંતરાલ’. આ નાટક સાત માસીબાની વાર્તા પર આધારિત હતું, જે પોતાની દીકરીને મોટી કરે છે. ખૂબ જ સરસ અને ઇમોશનલ મેસેજ આપતી વાર્તા હતી. એમાં એક માસીબનું પાત્ર મને ભજવવાનું હતું, જેનું નામ શકુંબાઈ હતું.

રીપ્લેસમેન્ટ તરીકે નાટકની તૈયારીઓ શરૂ થઈ. નાટકની કોમ્પિટિશન સુરતમાં હતી. પાત્ર પ્રમાણે ચણિયા-ચોળી અને બ્લાઉજ પહેરવાનું હતું. નાટક શરૂ થાય એ પહેલા હું અને બીજો એક એક્ટર બાથરૂમ માટે ગયા. આ પહેરવેશમાં અમે જેન્ટ્સ વોશરૂમમાં ગયા. અંદર કોઈ ન હતું, પછી કેટલાક છોકરાઓ આવ્યા અને અમને જોઈને બહાર ભાગી ગયા. તેમને એવું લાગ્યું કે અંદર બે બહેનો છે. અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેઓ બહાર ઊભા હતા અને આખો પ્રસંગ કોમેડી બની ગયો.

આ સાથે એક લાગણી પણ હતી કે સ્ત્રીનો પહેરવેશ હોય ત્યારે એક સ્ત્રી તરીકે કેટલું બધું મેનેજ કરવું પડે છે, એ બધું આ પહેરવેશના કારણે સમજાયું. અંતે આ નાટક માટે મને 2004માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો.

"કોમેડી કરવી એ સૌથી ચેલેન્જિંગ હોય છે. તેમાં ટાઈમિંગ, ફ્લેશિંગ અને નેચરલ અભિનય જરૂરી છે. અભિનય બોલવાની કલા નહીં પરંતુ સાંભળવાની પણ કલા છે, એવું હું માનું છું." - ચેતન દૈયા, અભિનેતા

અમુક પાત્રો એવા ભજવ્યા કે ઈચ્છો નહી છતાં આંખ ભીની થઈ જાય: ચેતન દૈયા

તેમણે જણાવ્યું કે, હું ‘શુભરાત્રી’ નામનું નાટક કરું છું. સવા કલાકનું આ નાટક છે, જેમાં એવું પાત્ર આવેછે કે તમે ઇચ્છો નહી તો પણ ઈમોશનલ થઈ જવાય. અભિનય દરમિયાન અનેક વખત લાગણી ઉપર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે. બીજું નાટક છે ‘જયશ્રી કૃષ્ણ ડાર્લિંગ’, જેમાં હું કૃષ્ણકાંત મહેતાનું પાત્ર ભજવું છું. આ પાત્ર પણ એવું છે કે ઇમોશનલ ન થવું હોય તો પણ થઈ જવાય છે.

આ ઉપરાંત ‘દીવાસ્વપ્ન’ ફિલ્મમાં મેં કચરાભાઈ નામના ખેડૂતનું પાત્ર ભજવ્યું હતું. એ ખૂબ જ ઈમોશનલ કેરેક્ટર હતું. આ પાત્ર માટે મને ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આવા ઘણા પાત્રો છે, જે અભિનય કરતા કરતાં મનથી અને ભાવથી તોડી નાખે છે.

'કરશનદાસ પે એન્ડ યુઝ'માં તમને કેવી રીતે તક મળી?

તેમણે કહ્યું, 2015માં ‘છેલ્લો દિવસ’ ફિલ્મ આવી અને ત્યારબાદ ગુજરાતી સિનેમામાં એક નવો યુગ શરૂ થયો. ઓડિયન્સ પણ ગુજરાતી સિનેમાની વધુ નજીક આવી. એ સમય દરમિયાન હું થિયેટર સાથે વધારે જોડાયો હતો. હું માસ્ટર ઓફ ડ્રામેટિક્સ ગોલ્ડ મેડલિસ્ટ છું. નાટકો પણ મેં ઘણાં કર્યા, ખાસ કરીને કોમર્શિયલ નાટકો વધારે કર્યા, એટલે કોમેડી એક્ટર તરીકે મારી છાપ વધારે બની ગઈ હતી.

એ દરમિયાન ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ ફિલ્મનું ઓડિશન ચાલી રહ્યું હતું. એ ઓડિશન માટે ડિરેક્ટર અભિષેક શાહનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે ફિલ્મ માટેનું એક ઓડિશન છે, તને ફાવશે તો આવી જજે. પછી મેં ‘કરશનદાસ’ ફિલ્મ માટે ઓડિશન આપ્યું.

આ પાત્ર નેગેટિવ હતું. સામાન્ય રીતે લોકો માનતા કે ચેતનભાઈ કોમેડી એક્ટર છે એટલે કોમેડી જ કરે. પરંતુ મને એવું લાગતું હતું કે જો આ ફિલ્મ મને મળે તો હું મારી ઈમેજ બ્રેક કરી શકું. કલાકાર તરીકે આપણે કેટલા પ્રકારના પાત્રો ભજવી શકીએ છીએ, પરંતુ એ માટે યોગ્ય જગ્યા અને તકની રાહ જોવી પડે છે. એ વખતે એવી જ એક તક મને મળી.

આ પાત્ર માટેનો સૌથી મોટો ચેલેન્જ એ હતો કે એ સમયે મારી ઉંમર માત્ર 33 વર્ષની હતી અને મને 7 દીકરીઓના પિતા તરીકેનું પાત્ર ભજવવાનું હતું.

'કરશનદાસ પે એન્ડ યુઝ' બાદ લોકો કેવી રીતે તમને જોતા થયા?

તેમણે કહ્યુ, કરશનદાસ પે એન્ડ યુઝ બાદ લોકો મારાથી ડરતા હતા. નેગેટિવ કેરેક્ટર, જોરદાર અભિનેતા છે. કહેવાય ને કે અમે તો એને કોમેડી એક્ટર તરીકે જોતા હતા, પણ આ તો અલગ પ્રકારનો એક્ટર છે એમ,ત્યારબાદ ઘણા નેગેટીવ કેરેક્ટર માટે પણ ઓફર થઈ. ‘કરશનદાસ પે એન્ડ યુઝ’ બાદ લોકો મારાથી ડરતા થયા. નેગેટિવ કેરેક્ટર, અભિનેતા તરીકે ઓળખ બનતી ગઈ અને નેગેટિવ રોલની ઓફરો મળવા લાગી.

"જેમ સાઉથની ફિલ્મો બોલીવુડને ટક્કર આપે છે. એમ એક દિવસે ગુજરાતી ફિલ્મોમાં પણ જેમાં નામે ઘણા માઈલસ્ટોન હશે, જે ગુજરાતી સિનેમાના નામે છે. ટેક્નિકલી અને હવે યુવા જનરેશન પણ જોડાઈ છે. નવા વિચારો નવી વાતો એમ ઘણું બદલાઈ રહ્યું છે." - ચેતન દૈયા, અભિનેતા

3 એક્કા, 53મું પાનું, સોરી સાજણા, વેલકમ પૂર્ણિમા, જેવી ફિલ્મો ચેતન દૈયાંએ લખી

તેમણે કહ્યું, નાટકો તો ઘણા બધા કર્યો કોલેજમાં, કોમ્પિટેશનમાં પણ નાટકો કર્યો, કોમર્શિયલ અને મલ્ટીપલ ઓછામાં ઓછા 200થી વધારે નાટકો કર્યા છે. મારા ગમતા નાટકોમાં જય શ્રી કૃષ્ણ ડાર્લીંગ અને બીજું નાટક કહીએ તો ત્રણ ડોબા તોબા તોબા એના પરથી આગળ જતા તે ફિલ્મ પણ બની હતી. એ બે નાટકો મારા માટે યાદગાર છે. બીજા ઘણા નાટકો મેં કર્યા છે, દરેક નાટક હ્રદયની નજીક છે.

'અંતરાલ', 'તાપ', 'એક ટી સૂરજનું', 'ત્રણ ડોબા તોબા તોબા', 'મને મારી બેયરીથી બચાવો', 'તુલસી ક્યારો', 'ધરતીકમ', 'મારો પતિ મલ્ટિપતિ', 'વહુએ કાઢ્યો વરઘોડો' સહિતનાં નાટકો કર્યા છે. ગુજરાતના ગોધરા કાંડ આધારિત 'ક્યા હમ ઝિંદા' નામની હિન્દી ફિલ્મ કરી હતી. ગુજરાતી પહેલી ફિલ્મ 'ત્રણ ડોબા તોબા તોબા' નામની છે. 'નવરી બઝાર', 'કરશનદાસ પે એન્ડ યુઝ', 'બેક બેન્ચર', 'વેન્ટિલેટર બજાબા', 'રઘુ સીએનજી', 'ગુજરાત 11', 'કેમ છો', 'અફરાતફરી', 'ડ્રામેબાજ', 'દીવાસ્વપ્ન' અને 'ધુમ્મ' સહિતની ફિલ્મોમાં પણ ચેતન દૈયાએ કામ કર્યુ છે.

આ પણ વાંચો...

  1. Exclusive ઇન્ટરવ્યૂ: લાલો ફિલ્મ જોઈને ઘણી મહિલાઓ ભાવુક થઈ જાય છે, આ ઘર ઘરની કહાણી- એક્ટ્રેસ રિવા રાછ
  2. 'તારો થયો', આધુનિકતા સાથે સાશ્વત પ્રેમને પ્રતિબિંબ કરવાતી ગુજરાતી ફિલ્મ
Last Updated : January 4, 2026 at 12:36 PM IST