ETV Bharat / business

શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, તો નિફ્ટી 24,000 પાર

અમેરિકા-ઈરાન શાંતિ સોદાને કારણે શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 1,112 પોઈન્ટ અને નિફ્ટી 335 પોઈન્ટ ઉછળ્યો, જ્યારે રૂપિયો 53 પૈસા મજબૂત થઈને 93.65 પર પહોંચ્યો.

શેરબજાર
શેરબજાર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 15, 2026 at 9:43 AM IST

|

Updated : June 15, 2026 at 10:44 AM IST

1 Min Read
Choose ETV Bharat

મુંબઈ: ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે સોમવારે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આજે 15 જૂનના રોજ, વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા.

આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોમાંથી ખૂબ જ સકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારે રેકોર્ડ ઉછાળા સાથે શરૂઆત કરી છે. શરૂઆતના ટ્રેડિંગમાં જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 1,112.70 પોઈન્ટનો જંગી ઉછાળો લઈને 76,648.74ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 335.55 પોઈન્ટના મજબૂત વધારા સાથે 23,956.40 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી હવે તેની 24,000ની ઐતિહાસિક સપાટીને સ્પર્શવાની ખૂબ નજીક છે.

માર્કેટમાં ઉછાળાનું મુખ્ય કારણ છે

આ જંગી તેજીનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલો ઐતિહાસિક કરાર છે. સપ્તાહના અંતે (શનિવાર-રવિવાર) અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને સંપૂર્ણપણે ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચારને કારણે વિશ્વભરના રોકાણકારોનો ડર ખતમ થઈ ગયો છે અને બજારોમાં ઉત્સાહનો માહોલ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, રૂપિયો મજબૂત

અમેરિકા-ઈરાન સમજૂતીની સીધી અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પડી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 90 ડોલરની નીચે આવી ગઈ છે. ભારત તેની જરૂરિયાતના લગભગ 80 થી 85 ટકા ક્રૂડ ઓઈલ અન્ય દેશો પાસેથી ખરીદે છે. સસ્તા તેલને કારણે ભારતનું આયાત બિલ ઘટશે, જેનાથી દેશમાં મોંઘવારી ઘટવાની આશા છે.

મહત્વપૂર્ણ છે કે, સોમવારે ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો 94.68 પર ખુલ્યો, જોકે શુક્રવારે તે 95.11 પર બંધ થયો હતો.

Last Updated : June 15, 2026 at 10:44 AM IST