ETV Bharat / business

RBIની પૉલિસી બાદ શેરબજારમાં સુસ્તી: સેન્સેક્સ 152 પૉઈન્ટ્સ, નિફ્ટી નજીવા વધારા સાથે બંધ

RBI દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખ્યા બાદ સ્થાનિક શેરબજારો નજીવા વધારા સાથે બંધ થયા

RBI દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખ્યા બાદ સ્થાનિક શેરબજારો નજીવા વધારા સાથે બંધ થયા
RBI દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખ્યા બાદ સ્થાનિક શેરબજારો નજીવા વધારા સાથે બંધ થયા (Getty image)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 5, 2026 at 5:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ 5.25 ટકા પર જાળવી રાખ્યા બાદ બુધવારે સ્થાનિક શેરબજારો નજીવા વધારા સાથે બંધ થયા. સેન્ટ્રલ બેંકે પણ બજારની અપેક્ષાઓને અનુરૂપ 'ન્યૂટ્રલ' તરીકે તેનું નીતિગત વલણ જાળવી રાખ્યું. આ નિર્ણય બાદ રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું, જેના કારણે બજારમાં મિશ્ર અસર જોવા મળી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ ડેટા

કારોબારના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 152.05 પોઈન્ટ (0.19%) ના વધારા સાથે 78,581.00 પર બંધ થયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 માત્ર 9.75 પોઈન્ટ (0.04%) ના મામૂલી વધારા સાથે 24,624.65 ના સ્તર પર રહ્યો.

સ્મૉલ અને મીડિયમ કેપ શેરોમાં તેજી

મુખ્ય સૂચકાંકોની તુલનાએ બ્રોડર માર્કેટે વધુ સારું પ્રદર્શન કર્યું. મિડકેપ ઇન્ડેક્સે 0.18 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સે મજબૂત પ્રદર્શન દર્શાવ્યું હતું અને 0.7 ટકા વધ્યો હતો.

સેક્ટરવાર પ્રદર્શન: મેટલમાં ચમક, બેન્કિંગ પર દબાણ. માર્કેટમાં સેક્ટર્સની કામગીરી મિશ્ર રહી હતી. મેટલ સેક્ટરે બજારને સૌથી વધુ ટેકો આપ્યો હતો. આ પછી રિયલ્ટી અને ઓટો સેક્ટરમાં સારી ખરીદી જોવા મળી હતી. તેનાથી વિપરિત આજે બેંકિંગ શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી બેન્ક અને નિફ્ટી પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે, જેના કારણે બજારનો લાભ મર્યાદિત હતો.

ટૉપ ગેઈનર્સ અને લૂઝર્સ

નિફ્ટીના મુખ્ય શેરોમાં, શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને JSW સ્ટીલ આજે ટૉપ ગેઈનર્સ તરીકે ઉભરી આવ્યા. તેનાથી વિપરીત, બેંકિંગ સેક્ટરના શેરોમાં નબળાઈએ સૂચકાંકો પર ઉપરથી દબાણ બનાવી રાખ્યું.

આર્થિક મોરચે RBI ના મુખ્ય અંદાજ

GDP વૃદ્ધિ: કેન્દ્રીય બેંકે ચાલુ નાણાંકીય વર્ષ માટે દેશ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.7 ટકા જાળવી રાખ્યો છે.

ફુગાવાનો દર: થોડી રાહત આપતા, RBI એ છૂટક ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને 5.0 ટકા કર્યો છે.

નિફ્ટી માટે ટેકનિકલ સ્તરો

બજાર વિશ્લેષકોના મતે, 24,600 સ્તર નિફ્ટી માટે એક મજબૂત પ્રતિકાર બિંદુ બનેલું છે, કારણ કે ત્યાં સૌથી વધુ કોલ ઓપન ઇન્ટરેસ્ટ છે. નીચેની તરફ 24,500 તાત્કાલિક સપોર્ટ છે, જ્યારે 24,400–24,300 રેન્જ મજબૂત સપોર્ટ ઝોન તરીકે કામ કરશે.

આ પણ વાંચો: