શેર બજારમાં રોનક: ઓટો અને મીડિયા શેરોમાં તેજી; સેન્સેક્સમાં 298 પોઈન્ટનો ઉછાળો
વૈશ્વિક બજારોમાં આવેલી તેજી અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે સોમવારે ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા હતા.

Published : October 12, 2026 at 10:51 AM IST
મુંબઈ: વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને પગલે સોમવારે સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે શરૂઆત થઈ હતી. આ પ્રારંભિક તેજીએ રોકાણકારોને થોડી રાહત આપી છે.
શરૂઆતના કારોબારમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક 'નિફ્ટી' (Nifty) 72.75 પોઈન્ટ એટલે કે 0.32 ટકાના વધારા સાથે 22,593.20 પર ખુલ્યો હતો. જ્યારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30-શેરનો સંવેદનાત્મક સૂચકાંક 'સેન્સેક્સ' (Sensex) 298.99 પોઈન્ટ એટલે કે 0.41 ટકાના વધારા સાથે 72,771.32ના સ્તરે ખુલ્યો હતો.
સેક્ટર-વાર કામગીરી: મીડિયા અને ઓટો સેક્ટરમાં મજબૂત ખરીદી
બજાર ખુલ્યા બાદ, મોટાભાગના ક્ષેત્રોના સૂચકાંકોમાં તેજી (ગ્રીન ઝોનમાં કારોબાર) જોવા મળી હતી. સૌથી વધુ વધારો નિફ્ટી મીડિયા, નિફ્ટી ઓટો અને નિફ્ટી કેમિકલ્સના શેરોમાં લગભગ લગભગ 1 ટકા સુધી તેજી જોવા મળી હતી.
અન્ય ક્ષેત્રો: નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ, નિફ્ટી સિમેન્ટ, નિફ્ટી મેટલ અને નિફ્ટી આઈટી (IT)માં 0.64 ટકાથી 0.81 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
દબાણ હેઠળ: શરૂઆતના કારોબારમાં, માત્ર પબ્લિક સેક્ટર બેંક ઈન્ડેક્સ (Nifty PSU Bank)માં 0.01 ટકાનો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારની ગતિવિધિના મુખ્ય પરિબળો
બજારના વિશ્લેષકોના મતે, સ્થાનિક સકારાત્મક સમાચાર કરતાં બાહ્ય પરિબળો હાલમાં ભારતીય શેરબજાર પર વધુ પ્રભાવ પાડી રહ્યા છે.
ક્રૂડ ઓઈલ અને યુએસ બોન્ડ યીલ્ડ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો ભારતીય બજાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
વિદેશી ભંડોળનું વેચાણ: ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) સતત બજારમાંથી ભંડોળ પાછું ખેંચી રહ્યા છે, જોકે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) આ વેચાણના દબાણને સંભાળી રહ્યા છે.
સ્થાનિક આર્થિક પરિબળો: નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.1% રહેવાનો અંદાજ છે, જે બજારને લાંબા ગાળાની મજબૂતી પૂરી પાડે છે.
રોકાણકારો માટે નિષ્ણાતોની સલાહ
બજારના નિષ્ણાતો માને છે કે, મધ્યમથી લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ ધરાવતા રોકાણકારો માટે વર્તમાન બજાર ખરીદીની સારી તક પૂરી પાડે છે. રોકાણકારોએ બજારની અસ્થિરતાથી ગભરાયા વિના સારી ગુણવત્તાવાળી કંપનીઓના શેર ધીમે ધીમે તેમના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઈએ. હાલના બજારમાં ધીરજ રાખવી એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે.
ટેકનિકલ નિષ્ણાતોના મતે, નિફ્ટી (Nifty) માટે 22,575નું સ્તર મહત્વપૂર્ણ છે. જો બજાર આ સ્તરની ઉપર બંધ થવામાં સફળ રહે, તો તે 22,800 થી 23,200ની રેન્જ સુધી આગળ વધી શકે છે. બીજી તરફ, નીચેની તરફ 22,295નું સ્તર એક મજબૂત સપોર્ટનું કામ કરશે.
આ પણ વાંચોઃ
EPF New Rules: PF ઉપાડ પર TDS બચાવવા માટે હવે ફોર્મ 121 ભરવું ફરજિયાત, જાણો ઓનલાઇન પ્રક્રિયા

