સુભાષ ચન્દ્રાના 6.25 કરોડના રિપેમેન્ટ પ્લાનને પડકારશે કેનેરા બેંક, યુનિયન બેંક અને LIC હાઉસિંગ; NCLATમાં જશે
કેનેરા બેંક, યુનિયન બેંક અને LIC હાઉસિંગ સુભાષ ચંદ્રાના ₹6 કરોડના ચુકવણી યોજના અંગેના NCLTના આદેશને NCLATમાં પડકારશે

Published : August 29, 2026 at 7:56 PM IST
નવી દિલ્હી: એસ્સેલ ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રાની દેવાના રિપેમેન્ટ પ્લાન અંગે બેંકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે કાનૂની લડાઈ વધુ તીવ્ર બની છે. કેનેરા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડ અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) ના ચુકાદાને પડકારશે જેમાં સુભાષ ચંદ્રાની માત્ર ₹6.25 કરોડની ચુકવણી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ જાહેર ક્ષેત્રની બેંકો હવે આ નિર્ણય સામે નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) માં અપીલ દાખલ કરશે.
શું છે સમગ્ર મામલો?
25 ઓગસ્ટના રોજ, NCLT એ સુભાષ ચંદ્રાના એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી જેના હેઠળ તેમણે ₹22,006.57 કરોડના કુલ દાવા સામે લેણદારોને માત્ર ₹6.25 કરોડ ચૂકવવા પડશે. વધુમાં, નાદારી પ્રક્રિયાના ખર્ચ માટે રૂપિયા 25 લાખ ચૂકવવાના રહેશે. આનો સીધો અર્થ એ છે કે બેંકો તેમના સંપૂર્ણ રૂપિયા મળશે નહીં અને તેમને લગભગ 99.97% નું નુકસાન સહન કરવું પડશે.
આ સમગ્ર મામલો એસ્સેલ ગ્રુપ કંપનીઓ માટે લોન સુરક્ષિત કરતી વખતે સુભાષ ચંદ્રા દ્વારા બેંકોને આપવામાં આવેલી વ્યક્તિગત ગેરંટી સાથે સંબંધિત છે.
બેંકોએ શા માટે વાંધો ઉઠાવ્યો?
કેનેરા બેંક, જેના પાસે આ મામલે 1.60% મતદાન હિસ્સો છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, તેણે યોજના વિરુદ્ધ મતદાન કર્યું છે. બેંકે સમગ્ર કેસનું ફૉરેન્સિક ઑડિટ કરાવવાની પણ માંગ કરી હતી, પરંતુ તેના ઓછા વોટિંગ શેરને કારણે વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.
હકીકતમાં, આ રિપેમેન્ટ પ્લાનને અન્ય નાણાંકીય લેણદારોનો ટેકો મળ્યો હતો, જેમના સંયુક્ત મતદાન હિસ્સામાં 80.81% હિસ્સો હતો, જેના કારણે NCLTએ તેને કાયદેસર મંજૂરી આપી હતી. જોકે, કેનેરા બેંક, યુનિયન બેંક અને LIC હાઉસિંગ ફાઇનાન્સ જેવી નાની હિસ્સેદાર બેંકો આ નિર્ણયથી ખુશ નથી અને સંયુક્ત રીતે તેનો કાયદેસર રીતે સામનો કરવાનો ઇરાદો ધરાવે છે.
સુભાષ ચંદ્રા શું કહે છે?
દરમિયાન, સુભાષ ચંદ્રાએ ₹22,000 કરોડના આંકડાને સ્પષ્ટ કરતું જાહેર નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, મીડિયા પરિસ્થિતિને એવી રીતે રજૂ કરી રહ્યું છે કે જાણે તેમણે આ ફંડ પોતાના માટે ઉધાર લીધું હતું, જે ખોટું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ રકમ ખરેખર એસ્સેલ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન માટેની ગેરંટી છે.
ચંદ્રાના મતે, પ્લાનનો વિરોધ કરતી બેંકોનો વાસ્તવિક દાવો ₹22,000 કરોડ નહીં પણ ₹3,992 કરોડની આસપાસનો છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું ગ્રૂપ હંમેશા બાકી લેણાંની પતાવટ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, NCLAT આ ભારે ભરખમ રાહતવાળા પ્લાન પર શું નિર્ણય સંભળાવે છે.
આ પણ વાંચો:

