ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: 293 બેઠક પર મતગણતરી, એક બેઠક પર 21મેએ મતદાન; કાઉન્ટિંગ સેન્ટર પર કડક સુરક્ષા

બંગાળ ચૂંટણી: મતગણતરી પહેલા તૃણમૂલ કોંગ્રેસને 200થી વધુ બેઠકો પર જીતનો વિશ્વાસ, એજન્ટને સાવચેત રહેવાના આદેશ.

બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર સુરક્ષા કર્મી
બંગાળમાં સ્ટ્રોંગ રૂમ બહાર સુરક્ષા કર્મી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2026 at 4:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

કોલકાતા: રાજ્યના 77 કેન્દ્રો પર મતગણતરી યોજાશે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને તણાવપૂર્ણ રાજકીય માહોલને કારણે 294 બેઠક ધરાવતી વિધાનસભામાંથી 293 બેઠકના પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠકમાં મતદાન રદ કરી દીધુ છે જેનું કારણ મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર મતદાન દરમિયાન ગંભીર ચૂંટણી ગુના અને લોકશાહીની પ્રક્રિયાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે. આ બેઠક પર નવેસરથી 21 મેએ મતદાન અને 24 મેએ મતગણતરી હાથ ધરાશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ 294માંથી 200થી વધુ બેઠક જીતવાનો દાવો કર્યો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે આ વખતે તેમની સરકાર બનવાની પુરી આશા છે.

TMC અને ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચાએ મળીને ચૂંટણી લડી છે. TMCએ 291 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ત્રણ બેઠક પર BJPMએ ઉમેદવાર ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાયું હતું. એક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળને લઇને વહેંચાયેલા જોવા મળ્યા હતા. કેટલાકે ભાજપની જીત તો કેટલાકે TMCની જીતનો દાવો કર્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે 2021 અને 2024ના એક્ઝિટ પોલ પણ વાસ્તવિક પરિણામોથી ઘણા અલગ રહ્યા હતા અને મોટાભાગના આવા સર્વે શેર બજારને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. મમતા બેનરજીએ કહ્યું કે, જો કોઇ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર 200-300 મતના અંતરથી હારે છે તો મતગણતરી એજન્ટ રિકાઉન્ટિંગની જરૂર માંગ કરે. મમતા બેનરજીએ આદેશ આપ્યો છે કે, કોઇ પણ એજન્ટ મતગણતરી પ્રક્રિયા પુરી થયા પહેલા કેન્દ્ર ના છોડે.

અભિષેક બેનરજીએ મતગણતરી એજન્ટોને 2021માં નંદીગ્રામ મતગણતરી કેન્દ્ર પર અચાનક વીજળી ગુલ થવાની ઘટના યાદ અપાવતા જણાવ્યું, "તે (એજન્ટ) મતગણતરી કેન્દ્રની અંતર કોઇ પણ અસામાન્ય ગતિવિધિની તરત જ પાર્ટી નેતૃત્ત્વને જાણ કરે."

ચૂંટણી દેખરેખ એજન્સી અનુસાર, રાજ્યમાં સ્વતંત્રતા પછી સૌથી વધુ 92.47 ટકા મતદાન નોંધાયું હતું.

કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે, ચૂંટણી હિંસા ઓછામાં ઓછી થઇ હતી અને તાજેતરના દાયકાઓમાં રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મોત થયું નથી. આ 20 વર્ષમાં રાજ્યમાં આયોજિત પ્રથમ ચૂંટણી હતી જેમાં મોટા પાયે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 90 લાખ કરતા વધુ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો તમામ પક્ષના ચૂંટણી ભવિષ્ય પર શું પ્રભાવ પડશે, તેની ચર્ચા હજુ બાકી છે. ચૂંટણી વિશ્લેષક મતદારોની સંભવિત પસંદને સમજવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે અને જનતા પરિણામના દિવસે આવતા નિર્ણયને લઇને ઘણી ઉત્સાહિત છે.

ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ તમામ 294 બેઠક પર ચૂંટણી પ્રચાર કર્યો હતો જ્યારે હુમાયું કબીરની AJUP અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવી પાર્ટીઓ પણ મહત્ત્વની બેઠક પર પોતાનું નસીબ અજમાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી અને નિશિત પ્રમાણિક જેવા ભાજપના નેતા ચૂંટણી મેદાનમાં છે જ્યારે TMCના મુખ્ય ઉમેદવારોમાં ફિરહાદ હકીમ, કુણાલ ઘોષ, મદન મિત્રા અને ઉદયયન ગુહા સામેલ છે.

ચૂંટણી પંચે કડક પ્રવેશ નિયંત્રણના પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં ફક્ત ECINET સિસ્ટમ દ્વારા જારી કરાયેલા QR કોડ-આધારિત ફોટો ઓળખ કાર્ડ દ્વારા પ્રવેશ જરૂરી છે. મતગણતરી હોલમાં રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો સિવાય અન્ય માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ છે.મતગણતરી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ માળખા હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

કોલકાતામાં 11 વિધાનસભા બેઠક માટે મતગણતરી પાંચ સ્થળોએ કરવામાં આવશે જેમાં બલ્લીગંજ ગવર્મેન્ટ હાઇસ્કૂલ, બાબાસાહેબ આંબેડકર શિક્ષણ યૂનિવર્સિટી, શાખાવત મેમોરિયલ સ્કૂલ, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ અને સેન્ટ થોમસ બોય્ઝ સ્કૂલલ. ભવાનીપુર બેઠક માટે મતગણતરી જેનું પ્રતીકાત્મક મહત્ત્વ સૌથી વધારે માનવામાં આવે છે જ્યાં મમતા બેનરજી પોતાના ગૃહ વિસ્તારમાં સીનિયર ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને ટક્કર આપી રહ્યા છે, તેની મતગણતરી શાખાવત મેમોરિયલ કેન્દ્રમાં થશે.

આ પણ વાંચો: