ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં UCCની તૈયારી: ઓગસ્ટમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી

ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ હવે પશ્ચિમ બંગાળમાં UCC બિલ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.

ઓગસ્ટમાં વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી
ઓગસ્ટમાં વિધાનસભામાં UCC બિલ રજૂ કરશે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 30, 2026 at 8:48 AM IST

2 Min Read
Choose ETV Bharat

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ઓગસ્ટમાં વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરશે અને તેના માટે ઉચ્ચ સ્તરીય સમિતિને રૂપરેખા નક્કી કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

બંગાળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "હું આ ગૃહને ખાતરી આપું છું કે આ સમિતિને ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. સમિતિની ભલામણો સ્વીકાર્યા પછી અમે ઓગસ્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરીશું. જો તમારી પાસે કંઇ કહેવાનું હોય, તો તમે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઇની આગેવાની હેઠળની સમિતિ સમક્ષ તમારા મંતવ્યો રજૂ કરી શકો છો." વિધાનસભા સત્રના બીજા ભાગમાં ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષી છાવણીઓ વચ્ચે આ બાબતે ગરમાગરમ રાજકીય ચર્ચા જોવા મળી હતી.

બિલ પર સરકારની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતા અધિકારીએ કહ્યું કે સરકાર લોકોને આપેલા પોતાના વચનને પૂર્ણ કરશે. તેમણે કહ્યું, "શ્યામા પ્રસાદ મુખરજીએ હંમેશા 'એક રાષ્ટ્ર, એક નેતા, એક બંધારણ, એક ધ્વજ'ની હિમાયત કરી છે. અમે પણ બંગાળમાં UCC બિલ રજૂ કરીશું."

વિપક્ષને શાંત રહેવાની અપીલ કરતા અધિકારીએ જણાવ્યું કે, તેમને વાંધો ઉઠાવવાની તક મળશે પરંતુ કૃપા કરીને પહેલા બિલની વિગતો સાંભળો. બિલને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે અને ડ્રાફ્ટને મંજૂરી માટે 2 જુલાઇના રોજ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.

રાજકીય જાણકારોએ જણાવ્યું હતું કે સરકારનું આ પગલું ગુજરાત, ઉત્તરાખંડ અને આસામ દ્વારા બિલને લાગુ કરવામાં આવેલા પગલા જેવો જ છે. જોકે, બંગાળની ખાસ સામાજિક અને વસ્તી વિષયક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, સરકાર વાંધાના કોઇપણ કારણને ટાળવા માટે કડક કાનૂની અને પ્રક્રિયાગત માધ્યમો દ્વારા આગળ વધવા માંગે છે.

રાજ્યના કાયદા વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળે છે કે બિલના ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ શરૂ થઇ ગયું છે. 2026ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોમાં મુખ્ય રીતે સામેલ હતું.

ભાજપ બંગાળના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આદિવાસી સમુદાયોને બિલમાંથી બહાર રાખવામાં આવશે, જોકે, ચાર પત્ની અને 14 બાળકોની પ્રથાનો અંત લાવવામાં આવશે.

UCC જ્ઞાતિ, ધર્મ કે પંથના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગો માટે એક સમાન કૌટુંબિક કાયદો લાવશે. આસામમાં આ જોગવાઈ હેઠળ બહુપત્નીત્વ/બહુવિવાહને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એકથી વધુ લગ્ન કરવા પર સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો કે, બિલ રજૂ કરવામાં થયેલા વિલંબ અંગે કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સરકાર આ સંવેદનશીલ મુદ્દે ખૂબ જ સાવચેતી રાખવા માંગે છે જેથી તેમાં કોઈ ખામી કે કસર ન રહી જાય.

આ પણ વાંચો: