શાળામાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓને શિક્ષક આપે છે આવી સજા, વાલીઓ કરે છે સરાહના
ગયામાં શિક્ષકની અનોખી પહેલથી ગેરહાજર વિદ્યાર્થીઓ પણ આનંદભેર આવે છે શાળાએ, વિદ્યાર્થીઓની સંખ્યા 40થી વધીને લગભગ 140 સુધી પહોંચી ગઈ

Published : February 28, 2026 at 10:31 AM IST
ગયા: બિહારના ગયા જિલ્લાના કોરમાઠુ ગામમાં આવેલી મહાદલિત ટોલા પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે એક અનોખી 'સજા' છે. આ સજા છે 'Swagat Punishment', જ્યાં વર્ગશિક્ષક ઇમરોઝ અલી વિદ્યાર્થીના ઘરે જઈને સંગીતનાં સાધનો વગાડતા અને ગીત ગાતા તેનું સ્વાગત કરે છે. આ અનોખી પહેલને કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 40થી વધીને લગભગ 140 સુધી પહોંચી ગઈ છે.
શાળાના આચાર્ય સુરેશ ચૌધરી જણાવે છે કે, ઇમરોઝ અલીની આ પદ્ધતિ બાળકો અને તેમના વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાની એક સરળ અને અસરકારક રીત છે. અગાઉ વાલીઓ બાળકોને શાળાએ મોકલવામાં અચકાતા હતા, પરંતુ હવે તેઓ પોતે જ આવીને જણાવે છે કે, "સાહેબ, મારું બાળક આજે શાળાએ નથી આવ્યું?" ત્યારે આચાર્ય હસતાં હસતાં કહે છે, "હું ઇમરોઝ અલી સરને મોકલું છું."
સરકારી શાળાના શિક્ષક ઇમરોઝ અલી, રમઝાનના પવિત્ર મહિનામાં પણ પોતાની પહેલ ચાલુ રાખે છે, બાળકોને શાળામાં હાજરી સુધારવા માટે "સ્કૂલ ચલે હમ" અભિયાન ચલાવે છે. ગામમાં અલી આ અભિયાનનો પ્રચાર કરીને બાળકોને શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમના પ્રયાસોના પરિણામે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી છે.
કોરમાથુની પ્રાથમિક શાળામાં આશરે 138 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 5 શિક્ષકો હોવા છતાં, શાળામાં પહેલા દરરોજ 30 થી 40 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતી હતી. પરંતુ હવે શાળામાં શૈક્ષણિક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.
શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો માને છે કે ઇમરોઝ અલીના પ્રયાસોથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્તનમાં પરિવર્તન આવ્યું છે. "ઇમરોઝ અલીને હાલ રોઝા ચાલે છે છતા પણ તેઓ નિયમિત સવારે શાળાએ આવે છે અને પોતાનું શાળાનું કામ કરે છે. પછી, તે બાળકો પાસેથી રિપોર્ટ લે છે કે કયા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા નથી. પછી તે સંગીતનાં સાધનો તૈયાર કરે છે અને તેમને શાળાએ પાછા લાવવા માટે એક ટીમ સાથે જાય છે. બધા બાળકો અડધા કિલોમીટરની અંદર રહેતા હોવાથી પોતે વિદ્યાર્થીઓના ઘરે જઈને શાળાએ પરત લાવે છે.
વિકાસ કુમાર પાંચમા ધોરણમાં ભણે છે. તે ઇમરોઝ અલી સરની ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય છે. આ ટીમ શાળાએ ન આવતા બાળકોને પાછા લાવવાનું કામ કરે છે. ફેબ્રુઆરી મહિના માટે વિકાસને મોનિટર બનાવવામાં આવ્યો છે. દર મહિને એક નવો મોનિટર નીમવામાં આવે છે. ઇમરોઝ અલી પોતે આ ટીમ સાથે જાય છે અને ગેરહાજર વિદ્યાર્થીઓને શાળાએ લઈ આવે છે.
વિકાસના જીવનમાં ભણતરને કારણે મોટો ફેરફાર આવ્યો છે. તે ગર્વથી કહે છે કે મારા ભણવાને કારણે મારા માતા-પિતાએ દારૂ બનાવવાનું કામ પણ છોડી દીધું છે. હવે તેઓ મારા અભ્યાસ પર વધારે ધ્યાન આપે છે. તે કહે છે, મારો ધ્યેય ભણીને પોલીસ અધિકારી બનવાનો છે. હું એક દિવસ ચોક્કસપણે આ સપનું પૂરું કરીશ. મારા માતા-પિતા અને શિક્ષકોના આશીર્વાદથી હું હંમેશા સખત મહેનત કરતો રહીશ.
વિકાસની આ વાત દર્શાવે છે કે જ્યારે શિક્ષકો પ્રેમ અને સમજણથી બાળકોને ભણાવે છે, ત્યારે તેની અસર માત્ર એક વિદ્યાર્થી પર જ નહીં, પરંતુ આખા પરિવાર પર પડે છે.
રાજેન્દ્ર મંડલ નામના એક વાલી કહે છે કે, "ઇમરોઝ સરની સજા ખરેખર અદ્ભુત છે. તેમનો મુખ્ય સંદેશ એ છે કે બાળકોને ભણાવવા માટે માર મારવો એ જ એકમાત્ર રસ્તો નથી, પરંતુ પ્રેમાળ અને સમજણભર્યો અભિગમ પણ તેમને ભણવા માટે પ્રેરિત કરી શકે છે." જ્યારે ઇમરોઝ અલી ગામની શેરીઓમાંથી પસાર થાય છે, ત્યારે તેમને જોવા માટે પુરુષો અને સ્ત્રીઓની ભીડ એકઠી થાય છે. ઘરોના દરવાજા ખુલે છે અને એક સુંદર દ્રશ્ય જોવા મળે છે: નાના બાળકો જાતે જ શિક્ષક પાસે આવે છે, તેમના પગ સ્પર્શ કરે છે અને શાંતિથી ઊભા રહે છે, ત્યારબાદ ઝાંઝ, મંજીરા, વાંસળી જેવા સંગીતનાં સાધનોથી સજ્જ અન્ય બાળકો વગાડવાનું શરૂ કરી દે છે.
આ ખરેખર એક અનોખું દ્રશ્ય છે, જ્યાં બાળકો પોતાના સાથી વિદ્યાર્થીને ઘરેથી સીધા શાળાએ લઈ જાય છે અને આશ્ચર્યની વાત એ છે કે આમ કરવાથી કોઈને ખરાબ પણ નથી લાગતું, ઊલટાનું બધા જ તેની પ્રશંસા કરે છે. ઇમરોઝ અલીને આ કામમાં મદદ કરવા માટે 15 વિદ્યાર્થીઓની એક ખાસ શાળા ટીમ બનાવવામાં આવી છે. પહેલા તો આ ટીમ પાસે કોઈ સંગીતનાં સાધનો નહોતાં, પરંતુ જ્યારે શિક્ષણ વિભાગ તરફથી શાળાને સંગીતનાં સાધનો મળ્યાં, ત્યારે આ નવા વિચાર હેઠળ બાળકોને પહેલા તે સાધનો વગાડવાની તાલીમ આપવામાં આવી અને પછી ઇમરોઝ સરને મદદ કરવા માટે 'રેઇડિંગ ટીમ' બનાવવામાં આવી.

