કોણ છે તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનને હરાવનાર TVK ઉમેદવાર વી.એસ.બાબુ ?
તમિલનાડુમાં આવું બીજી વખત થયું છે, જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય. અગાઉ, જયલલિતા હારી ગયા હતા.

Published : May 5, 2026 at 1:02 PM IST
ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને હરાવીને ટીવીકેના ઉમેદવાર વી.એસ. બાબુએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) અસંખ્ય બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. પરંતુ સૌ કોઈના મનમાં એક પ્રશ્ન છે કે, આખરે તે કોણ ઉમેદવાર છે જેણે મુખ્યમંત્રી સ્ટાલિનને હરાવ્યા ?
એક સમયે DMKનો ગઢ હતી કોલાથુર બેઠક
2011 થી, એમ.કે. સ્ટાલિન સતત કોલાથુર બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા અને સતત જીતતા આવ્યા. કોલાથુર મતવિસ્તારને 'વીઆઈપી'નો દરજ્જો ફક્ત એટલા માટે મળ્યો કારણ કે એમ.કે. સ્ટાલિને ત્યાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. સતત ત્રણ ટર્મ સુધી સફળતાપૂર્વક આ બેઠક જાળવી રાખ્યા બાદ, ચોથી ટર્મ માટે તેઓ ફરી એક વખત અહીંથી મેદાનમાં ઉતર્યા.
#WAYCJ | TVK leader VS Babu defeats Tamil Nadu CM MK Stalin to win the Kolathur constituency seat in the state assembly elections 2026. pic.twitter.com/BM7HkFHURd
— ANI (@ANI) May 4, 2026
આ બેઠકને કે જેને લાંબા સમયથી ડીએમકેનો ગઢ માનવામાં આવતો હતો ત્યાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ચોથી વખત જીત મેળવવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડાઈમાં ઉતર્યા અને તેમને પડકારવા માટે, ટીવીકે નેતૃત્વએ વી.એસ. બાબુને મેદાનમાં ઉતાર્યા.
કોલાથુર મતવિસ્તાર - જેને મોટાભાગે ડીએમકેનો ગઢ માનવામાં આવે છે - ત્યાં કુલ 207,251 મતદારો છે. તેમાંથી 85.91 ટકા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં વી.એસ. બાબુને 82,997 મત મળ્યા. જ્યારે ડીએમકે ઉમેદવાર, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને 74,202 મત મળ્યા. એઆઈએડીએમકે ઉમેદવાર, પી. સંથાના કૃષ્ણનને 18,430 મત મળ્યા. પરિણામે, વી.એસ. બાબુ 8,795 મતોના માર્જિનથી વિજયી બન્યા.

કોણ છે વી.એસ. બાબુ ?
75 વર્ષના વી.એસ. બાબુ, અગાઉ ડીએમકેના સભ્ય હતા. નોંધનીય છે કે, તેમણે ઉત્તર ચેન્નાઈ જિલ્લા સચિવ તરીકે પણ સેવા આપી હતી, અને પક્ષ સંગઠન પર મજબૂત પકડ જાળવી રાખી હતી. 2006ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ પુરાસાવલકમ મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. મતવિસ્તારોના સીમાંકન બાદ, પુરસાવલકમ મતવિસ્તારનું વિસર્જન કરવામાં આવ્યું, જેનાથી કોલાથુર મતવિસ્તારની રચનાનો માર્ગ મોકળો થયો.
2011ની વિધાનસભા ચૂંટણીમાં, વી.એસ. બાબુને ચૂંટણી લડવા માટે પાર્ટીની ટિકિટ મળી ન હતી, કારણ કે મુખ્યમંત્રી સ્ટાલિન પોતે કોલાથુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમ છતાં, કોલાથુર મતવિસ્તારના ચૂંટણી પ્રભારી તરીકે વી.એસ. બાબુએ મુખ્યમંત્રી સ્ટાલિનને જીતાડવા માટે અથાક મહેનત કરી. જોકે, ડીએમકે નેતૃત્વ તેમનાથી નારાજ હતું કારણ કે આ જીત ખૂબ જ ઓછા મતોના માર્જિનથી મળી હતી.
આ દરમિયાન, સેકર બાબુ - જેમને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ AIDMK માંથી બરતરફ કરવામાં આવ્યા હતા તેઓ DMKમાં જોડાઈ ગયા અને મુખ્યમંત્રી સ્ટાલિનની નજીક આવી ગયા. ત્યારબાદ, જ્યારે ઉત્તર ચેન્નાઈ જિલ્લા સચિવની જવાબદારી સેકર બાબુને સોંપવામાં આવી, ત્યારે નારાજ વી.એસ. બાબુ DMK છોડીને AIDMKમાં જોડાઈ ગયા.
બાદમાં, 2017માં વી.એસ.બાબૂ અને બીજા અન્ય લોકોને આર.કે.નગર પેટાચૂંટણી દરમિયાન ટીટીવી દિનાકરણનું સમર્થન કરવાના આરોપમાં AIDMK માંથી બરતરફ કરવામાં આવ્યાં. ત્યારબાદ, એડપ્પાદી પલાનીસ્વામીએ AIDMKના મહાસચિવનું પદ સંભાળ્યા બાદ, વી.એસ. બાબુ પાર્ટીમાં પરત ફર્યા અને તેમને ઉત્તર ચેન્નાઈ પશ્ચિમ જિલ્લાના સચિવ બનાવવામાં આવ્યાં.
જોકે, AIDMKમાં તેમનું મહત્વ ઘટવા લાગ્યું, જેના કારણે તેઓ અસંતુષ્ટ થયા. પરિણામે, ગત ફેબ્રુઆરીમાં, વી.એસ. બાબુ ટીવીકે નેતા વિજયને મળ્યા અને સત્તાવાર રીતે ટીવીકે પાર્ટીમાં જોડાયા. ટીવીકે નેતૃત્વએ તેમને કોલાથુર મતવિસ્તાર માટે તેમના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા - એક એવો વિસ્તાર જેનાથી તેઓ સારી રીતે પરિચિત હતા.
તેઓ કુલ 82,997 મતો મેળવીને તે મતવિસ્તારમાં વિજયી બન્યા. જ્યાં સુધી તમિલનાડુનો સંબંધ છે, આ ફક્ત બીજી ઘટના છે જેમાં કોઈ મુખ્યમંત્રીને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા, 1996ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, જયલલિતાને બરગુર મતવિસ્તારમાં ડીએમકે ઉમેદવારે હરાવ્યા હતા. ત્યાર બાદ વી.એસ. બાબુએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને હરાવ્યા છે.

