સ્કૂલમાં જવા માટે દરરોજ જીવ દાંવ પર લગાવે છે વિદ્યાર્થિનીઓ! હોડી ચલાવીને પહોંચી રહ્યા છે 50 બાળકો
બિહારના નાલંદામાં બાળકોની અંદર અભ્યાસનો એવો જુસ્સો છે કે ખુદ સકરી નદીમાં હોડી ચલાવીને સ્કૂલમાં ભણવા જાય છે.

Published : February 26, 2026 at 8:30 PM IST
રિપોર્ટ: મહમૂદ આલમ
નાલંદા: "રોડ પરથી જઇશું તો 10 કિલોમીટર દૂર જવું પડશે, સવારે 6 વાગ્યે નીકળ્યા તો 12:30 વાગી જશે, માટે નાવમાં સ્કૂલ જવું મજબૂરી છે."- સુધા કુમારી, વિદ્યાર્થિની
"અભ્યાસમાં કોઇ તકલીફ નથી, માત્ર નાવ ચલાવીને આવવું પડે છે. અમે ડૉક્ટર બનવા માંગીએ છીએ. અમારી માંગ છે કે જલ્દી પુલ બને જેથી અમારે જીવ જોખમમાં ના મુકવો પડે."- કરીના કુમારી, વિદ્યાર્થિની
આ તે બાળકીઓ છે જે દરરોજ હોડી ચલાવીને 50 અન્ય બાળકોને શાળાએ લઇ જાય છે...વરસાદમાં નદીનો પ્રવાહ વધુ હોવાને કારણે પોતાના અભ્યાસ પર બ્રેક લગાવવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પોતાના જીવને જોખમમાં મુકવો પડે છે...
બાળકો હાથમાં હલેસા પકડવા લાચાર: સરકાર દ્વારા શિક્ષણને લઇને દાવાઓ અને હકીકત વચ્ચેનું અંતર કેટલું છે તેનું જીવતુ જાગતું ઉદાહરણ નાલંદા જિલ્લાના ગિરિયાક તાલુકાના સકુચિડીહ ગામમાં જોવા મળે છે. અહીંના બાળકોના ખભા પર માત્ર પુસ્તકોનો ભાર નથી પણ તેમના નાના હાથમાં હલેસા પકડવાની લાચારી પણ છે.

બજારમાં પણ હોડીથી જાય છે લોકો
જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર ગાઝીપુર પંચાયતમાં આવેલા સુકુચિડીહ ગામ આજે પણ વિકાસની મુખ્યધારાથી કપાયેલું છે. ગામના બાળકો ભણવા માટે અને ગ્રામીણો રોજબરોજની જરૂરિયાત (બજાર, હોસ્પિટલ) માટે પણ હોડીનો સહારો લેવો પડે છે.
એક હોડીના સહારે આખુ ગામ
બન્ને ગામમાં 1-1 હજારની વસ્તી છે. આટલી મોટી વસ્તી માટે ના તો પુલ છે, ના તો હોડીની સારી વ્યવસ્થા છે અને ના તો હોડી ચલાવવા માટે નાવિક. નદીને પાર કરવા માટે માત્ર એક જ હોડી છે, જેને નાવિક નહીં પણ ગામના બાળકો ચલાવે છે. હોડી ચલાવવું તેમનું કામ નથી પણ તેમની મજબૂરી છે.
96.84 મીટર લાંબા પુલનું નિર્માણ હોવું જરૂરી
ચૂંટણી જાહેરાતમાં પુલ બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, તેમ છતા હજુ સુધી કઇ કામ થયું નથી. સકુચિડીહ અને સકુચીસરાય વચ્ચે સકરી નદી પર મુખ્યંત્રી ગ્રામીણ સેતુ યોજના હેઠળ 96.84 મીટર લાંબા પુલનું નિર્માણ થવાનું છે પણ કામ હજુ સુધી શરૂ થઇ શક્યુ નથી. પુલને બનાવવાનો ખર્ચ 6.20 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
શિલાન્યાસ બાદ કોઇ અધિકારી પણ જોવા નથી મળ્યો
આ પુલનું નિર્માણનું કામ જુલાઇ 2025થી શરૂ થવાનું હતું. શિલાન્યાસ થયે સાત મહિના જેટલો સમય વિતી ગયો છે પણ હજુ સુધી પુલની એક પણ ઇંચ મુકવામાં આવી નથી. ગ્રામીણ મહિલાઓ જણાવે છે કે શિલાન્યાસનું બોર્ડ લગાવ્યા બાદથી ના તો કોઇ ઠેકેદાર જોવા મળ્યો છે અને ના તો કોઇ વિભાગનો અધિકારી જોવા મળ્યો છે.
"ગામમાં ના તો બજાર છે અને ના તો કોઇ દુકાન, નાની થાળી ખરીદવા માટે પણ નદી પાર કઇને સરાય જવું પડે છે. વોટ તો બધા માંગે છે પરંતુ પુલ કોઇ બનાવતું નથી." દૌલતી દેવી, ગ્રામીણ મહિલા

બીજા ગામમાં જવા માટે ચાલતા 10 કિમી લાંબો રસ્તો
સકરી નદી ગાજીપુર પંચાયતને બે ભાગમાં વહેંચે છે. સકુચિડીહ ગામમાં ધોરણ 1થી 5 સુધી જ સ્કૂલ છે. હાઇસ્કૂલ અને પ્લસ ટૂના અભ્યાસ માટે બાળકોએ નદી પાર કરીને સકુચીસરાય જવું પડે છે. જ્યારે નદીમાં પાણી વધારે હોય છે તો હોડી મળતી નથી. માત્ર એક કિલોમીટરનું અંતર કાપવા માટે ગ્રામીણો અને બાળકોએ ગોવર્ધન બિગહા અથવા માનપુરના પુલ પર થઇને 10 કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડે છે, તેનાથીબચવા માટે બાળકો ખુદ હોડી ચલાવીને સ્કૂલમાં જાય છે.
9માં ધોરણની વિદ્યાર્થિનીઓ હલેસો ચલાવે છે: ચોંકાવનારી વાત એ છે કે તંત્રએ નદી પાર કરવા માટે કોઇ સરકારી હોડી કે નાવિક આપ્યો નથી. ગ્રામીણોએ દાન એકઠું કરીનાવનો જુગાડ કર્યો છે. જ્યારે કોઇ નાવિક નથી હોતો ત્યારે કરીના કુમારી, સુધા કુમારી જેવી નવમા ધોરણની વિદ્યાર્થિનીઓ ખુદ હલેસો ચલાવે છે અને પોતાની સાથે 50 અન્ય વિદ્યાર્થિનીઓને નદી પાર કરાવે છે.
"વરસાદના સમયમાં નદીમાં જ્યારે પાણી વધારે રહે છે તો કોઇ ગામનો એક્સપર્ટ નાવિક જેને તરતા આવડે છે તે તેમની સાથે આવે છે, નહીં તો અભ્યાસ છોડવો પડે છે." સુધા કુમારી, વિદ્યાર્થિની.

વિદ્યાર્થિનીઓની એક જ માંગ, પુલનું નિર્માણ જલ્દી થાય: એપ્રિલથી સ્કૂલમાં નવુ સત્ર શરૂ થશે. એવામાં અહીં ભણનારા તમામ વિદ્યાર્થીઓની સરકાર અને તંત્ર પાસે એેક જ માંગ છે કે જલ્દી પુલનું નિર્માણ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ આરામથી થઇ શકે.
સ્કૂલમાં 13-14 ગામના બાળકો આવે છે: ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય સકુચીસરાયના વિજ્ઞાનના શિક્ષક ધર્મેન્દ્ર કુમાર જણઆવે છે કે, તેમની સ્કૂલમાં 13-14 ગામના બાળકો અભ્યાસ માટે આવે છે, જેમાં સકુચિડીહ ગામના જ 40-50 બાળકો છે જેમાં 30 વિદ્યાર્થિનીઓ છે. આ તમામ હોડી ચલાવીને અહીં ભણવા માટે આવે છે.
"અત્યારે હવામાન સારૂ છે પરંતુ વરસાદની સિઝનમાં ગામનો સંપર્ક તૂટી જાય છે, તેમ છતા જે બાળકો અભ્યાસ કરવા માંગે છે તે જીવ જોખમમાં મુકીને પણ અહીં આવે છે. કેટલીક વખત સંતુલન બગડવાનો ડર પણ રહે છે."- ધર્મેન્દ્ર કુમાર, વિજ્ઞાન શિક્ષક, ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય, સકુચિરાય
પુલ બનાવવાની પરવાનગી હજુ સુધી મળી નથી: બે ગામ વચ્ચે પુલ બનાવવામાં થઇ રહેલા વિલંબને લઇને જ્યારે ગ્રામીણ કાર્ય વિભાગ (રાજગીર)ના એક્ઝીક્યૂટીવ એન્જિનિયર મુનિતા કુમારી સાથે વાત કરી તો તેમણે પરવાનગી ના મળવાની વાત કરી હતી. આશા છે કે જલ્દી ફાઇનલ મંજૂરી મળી જશે.
"સકુચિડીહ પાસે સકરી નદી પર પુલનો શિલાન્યાસ થઇ ગયો છે. સીનિયર અધિકારીઓના આદેશ પર DPRને ફરી તપાસ માટે હેડક્વાર્ટર મોકલવામાં આવ્યો છે. હજુ સુધી મંજૂર થઇને તે પરત આવ્યો નથી જેને કારણે કામ શરૂ થયું નથી."- મુનિતા કુમારી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગ્રામીણ કાર્ય વિભાગ
દેશને આઝાદ થયે લગભગ 8 દાયકા જેટલો સમય વિતી ગયો છે. માનવામાં આવે છે કે આટલા વર્ષોમાં દરેક શહેર વિકાસની રાહ પર ચાલશે, પણ શું આવું સાચે જ થઇ રહ્યું છે? સકુચિડીહ ગામ તેના પર કેટલાક સવાલ ઉભા કરે છે. બિહારમાં આજે પણ આવા કેટલાક વિસ્તાર છે જ્યાં વિકાસ પોતાની ધીમી ઝડપથી દોડી રહ્યો છે. અહીં દરેક ગામમાં સ્કૂલ તો છે પણ ત્યા સુધી પહોંચવા માટે ના તો કોઇ રસ્તો છે અને ના તો કોઇ પુલ.
આ પણ વાંચો:

