ETV Bharat / bharat

Jantar Mantar Protest: અરેસ્ટ નેતાઓને આવતીકાલ સુધી છોડવામાં નહીં આવે તો અનશન પર બેસશે સોનમ વાંગચુક

સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે ભારતમાં 'અઘોષિત કટોકટી' જેવી સ્થિતિ સર્જાઈ છે

સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે ભારતમાં 'અઘોષિત કટોકટી' જેવી સ્થિતિ સર્જાઈ છે
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે ભારતમાં 'અઘોષિત કટોકટી' જેવી સ્થિતિ સર્જાઈ છે (ફાઈલ તસવીર - ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 10, 2026 at 9:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે શનિવારે, 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે ભારતમાં "અઘોષિત કટોકટી" જેવી સ્થિતિ સર્જાઈ છે. જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા અનેક નેતાઓ અને કાર્યકરોની ધરપકડ અંગે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા તેમણે ચેતવણી આપી હતી કે જો રવિવાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ભૂખ હડતાળ અથવા પદયાત્રા શરૂ કરવા અંગે વિચારણા કરવા મજબૂર બનશે.

પોતાની પોસ્ટમાં વાંગચુકે લખ્યું, "ભારત અઘોષિત કટોકટીની સ્થિતિમાં... જ્યારે મેં ગઈકાલે આજના વિરોધ પ્રદર્શન અંગે એકતા અને શાંતિની અપીલ કરતો સંદેશ પોસ્ટ કર્યો હતો, ત્યારે મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તશે. મને આનંદ હતો કે ઘણા નેતાઓ આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ હવે મને જાણવા મળ્યું છે કે તે તમામની ધરપકડ કરવામાં આવી છે. મને આશા છે કે ધરપકડ કરાયેલા લોકોને જલ્દી મુક્ત કરવામાં આવશે. જો આવતીકાલ સુધીમાં તેમને મુક્ત કરવામાં નહીં આવે, તો હું ભૂખ હડતાળ અથવા પદયાત્રા કરવા અંગે વિચારણા કરવા મજબૂર બનીશ."

પહેલા પણ જંતર-મંતરમાં અનશન કરી ચૂક્યા છે સોનમ

જુલાઈ 2026માં જંતર-મંતર ખાતે CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સોનમ વાંગચુક એક મુખ્ય ચહેરો હતા. તે સમયે, NEET-UG પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં અનિયમિતતાઓને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે 20 દિવસ બાદ સમાપ્ત કરવામાં આવી હતી; તે સમયે પોલીસે સ્વાસ્થ્યના કારણોસર તેમને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે આંદોલનના દબાણ હેઠળ, તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું.

વાંગચુકે વિરોધ પ્રદર્શનમાં ભાગ કેમ ન લીધો?

વાંગચુકે એક દિવસ અગાઉ, એટલે કે 9 ઓક્ટોબરે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વખતે દિલ્હી આવી શકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે તેઓ લદ્દાખમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કામમાં વ્યસ્ત હતા. ફૈઝ અહેમદ ફૈઝની પંક્તિઓ ટાંકીને તેમણે કહ્યું હતું કે દુનિયામાં રાજકારણ ઉપરાંત પણ અન્ય દુઃખો છે. તેમણે યુવાનોને અહિંસક રહેવાની અને નેતાઓને એકતા જાળવી રાખવાની અપીલ પણ કરી હતી.

CJPનો વિરોધ અને પોલીસ કાર્યવાહી અંગેની વિગતો

CJPએ 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. પક્ષનો આરોપ છે કે મતદાર યાદીની વિશેષ સઘન પુનરાવર્તન પ્રક્રિયામાં અનિયમિતતાઓ આચરવામાં આવી છે.

દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી ન હતી. રાજધાનીમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, હજારો લોકોની અટકાયત કરવામાં આવી હતી. CJPના સ્થાપક અભિજીત દીપકે અને સહ-સંયોજકો સૌરવ દાસ તથા આશુતોષ રંકા સહિતના અનેક નેતાઓની દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ અટકાયત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ, પિનરાઈ વિજયન, મમતા બેનર્જી, ધ્રુવ રાઠી, યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ જેવા વિપક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: