'તમે આરામ કરો, અમે દેશ સંભાળી લઈશું,' PM મોદીએ ફોન પર હોસ્પિટલમાં એડમિટ શરદ પવારની ખબર પૂછી
શરદ પવારના સહયોગી વિઠ્ઠલ મણિયારે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ પવારને ફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા અને તેમને થોડો આરામ કરવાની સલાહ આપી.

Published : November 5, 2026 at 7:29 AM IST
મુંબઈ: એનસીપી (SP)ના વડા શરદ પવારને બુધવારે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના થોડા કલાકો પહેલા જ તેમને પુણેની એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યાં તેઓ કેટલાક મેડિકલ ટેસ્ટ માટે દાખલ થયા હતા. પવારના પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમના પિતાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલાં, 85 વર્ષીય વરિષ્ઠ નેતાને પુણેની રૂબી હોલ ક્લિનિકમાંથી રજા આપવામાં આવી હતી. ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને 2 નવેમ્બરે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. રૂબી હોલ ક્લિનિકમાં સારવાર દરમિયાન, સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, તેમના પિતાની તબીબી તપાસ ચાલી રહી છે અને તેમના સ્વાસ્થ્યના તમામ માપદંડો સ્થિર છે.
પવારના એક સહયોગીએ જણાવ્યું હતું કે, જ્યારે આ વરિષ્ઠ નેતાને રૂબી હોલ ક્લિનિકમાંથી રજા આપવામાં આવી રહી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર તેમની સાથે વાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
પવારના સહયોગી વિઠ્ઠલ મણિયારે જણાવ્યું કે, વડાપ્રધાને પવારને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. મણિયારે પત્રકારોને કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પવાર સાહેબને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. તેમણે ખૂબ જ સ્નેહ અને આદર સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ આરામ કરવાની વિનંતી કરી. મોદીએ તેમને કહ્યું કે, સુપ્રિયા (સુલે) હવે (રાજકારણ માટે) તૈયાર છે અને દેશની જવાબદારી તેઓ (મોદી) અને અન્ય લોકો સંભાળી લેશે, તેથી પવાર સાહેબે માત્ર આરામ કરવા પર ધ્યાન આપવું જોઈએ."
મણિયારે વધુમાં જણાવ્યું કે, શરદ પવારે ખબર પૂછવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. મણિયારે કહ્યું, "પવાર સાહેબે વડાપ્રધાનને જણાવ્યું કે તેઓ આરામ કરી રહ્યા છે અને દેશને લઈને તેમને કોઈ ચિંતા નથી, કારણ કે અન્ય લોકો બાબતો સંભાળી લેશે. તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરવા બદલ મોદીનો આભાર માન્યો."
રૂબી હોલ ક્લિનિકના ચીફ કાર્ડિયોલોજિસ્ટ, ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પર્વેઝ કે. ગ્રાન્ટે જણાવ્યું હતું ,કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ પવારને નિયમિત તપાસ અને તબીબી દેખરેખ માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારનો છાતીનો દુખાવો સામાન્ય રીતે શ્વાસ લેતી વખતે, ઉધરસ ખાતી વખતે કે છીંક આવતી વખતે વધી જાય છે.
આ પણ વાંચો:

