યમુના એક્સપ્રેસવે પર ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ ટ્રક કાર સાથે અથડાઈ, 4 લોકોના મોત
ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી હતી.

Published : August 31, 2026 at 7:49 AM IST
નવી દિલ્હી/ગ્રેટર નોઈડા: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા, નોઈડાથી આગ્રા તરફ જતી એક ટ્રક અનિયંત્રિત થઈને ડિવાઈડર કૂદાવીને અને રેલિંગ તોડીને વિરુદ્ધ લેનમાં ઘૂસી ગઈ અને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ. આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર ચારેય મુસાફરોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.
ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રક ડ્રાઈવરને અટકાયતમાં લીધો હતો. ક્ષતિગ્રસ્ત વાહનોને હાઇવે પરથી હટાવી લેવામાં આવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી.
આ અકસ્માત જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જેમાં નોઈડાથી આગ્રા જઈ રહેલી રાજસ્થાન પાસિંગની નંબર પ્લેટવાળી ટ્રકનો સમાવેશ થાય છે. માહિતી મળતાં, જેવર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ગ્રેટર નોઈડાના ડીસીપી રવિ શંકર નિમે અકસ્માતને લઈને આપી માહિતી
પોલીસે ચારેય મૃતકોના મૃતદેહનો કબજો લીધો છે, અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ તો આ લખાય છે ત્યાં સુધી, મૃતકો પાસેથી કોઈ ઓળખપત્ર ન મળવાના કારણે તેમની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ પોલીસ આસપાસના વિસ્તારો અને એક્સપ્રેસ વે ટોલ રેકોર્ડ તપાસીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ ટ્રકનું નિયંત્રણ ગુમાવવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ટ્રક ચાલકે કેવી રીતે ટ્રક પરથી સંતુલન ગુમાવ્યું તેનું કારણ ડ્રાઈવરને આવેલું ઝોંકુ હતું કે, પછી કોઈ ટેકનીકલ ખામી ? તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. હાલ તો પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી છે અને વિગતવાર તપાસ કરી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો

