US વેપાર સોદો ભારતીય ખેડૂતો માટે 'ડેથ વોરંટ' સમાન: રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ નવા US વેપાર કરારની અસરની તુલના દેશના મૂળને નષ્ટ કરવા માટે JCB નો ઉપયોગ કરવા સાથે કરી.

Published : February 26, 2026 at 5:18 PM IST
કન્નુર (કેરળ): લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સત્તા પક્ષની વર્તમાન નીતિઓ દેશમાં કૃષિ વ્યવસાયને પાંગળો બનાવી રહી છે.
કન્નુરના પેરાવુરમાં ખેડૂત સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના નવા વેપાર કરારને ભારતીય ખેડૂતો માટે "ડેથ વોરંટ" ગણાવ્યો. તેમણે મોટા પાયે, મશીન-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉગાડવામાં આવતા કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલવાના નિર્ણયની ટીકા કરી હતી.
અમેરિકા સાથેના વેપાર કરાર પર બોલતા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના અન્ય કોઈ વડાપ્રધાને ક્યારેય આવો કરાર કરવાની હિંમત પણ કરી નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નેતૃત્વને કથિત રીતે ધમકી આપ્યા બાદ ચાર મહિના વિલંબિત આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે સત્તામાં રહેલા લોકો પોતાની સુરક્ષા માટે ખેડૂતોના હિતોનું બલિદાન આપી રહ્યા છે. તેમણે નવા કરારની અસરની તુલના દેશના મૂળ ઉખેડી નાખવા માટે JCB નો ઉપયોગ કરવા સાથે કરી હતી.
LIVE: Karshaka Sangamam - Farmers Convention | Peravoor, Keralam https://t.co/6rn6125FcD
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2026
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં સંસદીય લોકશાહી અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરતા હતું કે, ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર, વિરોધ પક્ષના નેતાને આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જવાબ આપવાની તક આપવાની મનાઈ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમના ભાષણમાં વિક્ષેપ પાડવામાં આવ્યો હતો કારણ કે સરકારને ડર હતો કે તેઓ "એપ્સ્ટેઇન સિક્રેટ ફાઇલો" જાહેર કરશે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે 3.5 મિલિયન દસ્તાવેજો છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન સાથે વહીવટ અને મોટા ઉદ્યોગો વચ્ચેના જોડાણને લગતા ખૂબ જ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા માગે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણી માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ભાજપ અને વડાપ્રધાન બંને માટે નાણાંનો મુખ્ય સ્ત્રોત છે, જેના કારણે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે અબજોપતિ કથિત રીતે સંવેદનશીલ દસ્તાવેજો જાહેર કરીને વડા પ્રધાનને ધમકી આપી શકે છે.
તેમણે ભાર મૂક્યો કે ભારત ખરેખર વિકસિત દેશ બનવા માટે, ખેડૂતો સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ અને તેમને વાજબી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મળવો જોઈએ.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કેરળના તેમના પ્રવાસના ભાગ રૂપે સવારે 11:00 વાગ્યે મટ્ટાનૂર એરપોર્ટ પર પહોંચ્યા હતા . આ પ્રવાસમાં વાયનાડમાં ભૂસ્ખલન પીડિતો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા બાંધવામાં આવેલા ઘરોનો શિલાન્યાસ પણ સામેલ હતો.
એરપોર્ટથી, તેઓ હેલિકોપ્ટર દ્વારા પેરાવુરમાં સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે જીમી જ્યોર્જ સ્ટેડિયમ ગયા અને પછી થુન્ડીયિલ પેરિશ હોલમાં ભાષણ આપ્યું હતુ. આ દરમિયાન, તેમણે પેરાવુર મતવિસ્તારના ખેડૂતોની ફરિયાદો સાંભળી, જે જંગલી પ્રાણીઓના હુમલાથી ગંભીર રીતે પ્રભાવિત પ્રદેશ છે.
આ વિસ્તારમાં કોટ્ટીયુર અને અરલમ વન્યજીવન અભયારણ્યો પણ આવેલા છે જેની નોંધ લેતા, ગાંધીએ કહ્યું કે પાકનો નાશ અને જંગલી પ્રાણીઓથી જીવને જોખમો એ રોજિંદી ઘટના બની ગઈ છે. તેમણે સમજાવ્યું કે ઓમન ચાંડીની UDF સરકાર દરમિયાન બાંધવામાં આવેલી હાથીની દિવાલો અને ઇલેક્ટ્રિક વાડ હવે અસરકારક નથી, કારણ કે જંગલી પ્રાણીઓ માનવ વસાહતોમાં આવી રહ્યા છે.
ઇરિટ્ટી મ્યુનિસિપાલિટી, અરલમ અને કોટ્ટીયુર સહિત વિવિધ પંચાયતોના રબર, કાજુ અને નારિયેળ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે ગહન ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ માનવ-પ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે આધુનિક ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે કોંગ્રેસના નેતાઓને યાદ અપાવ્યું કે, જો કેરળમાં UDF સરકાર સત્તામાં આવે છે, તો ખેડૂતોની ફરિયાદો માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. ચર્ચામાં તાજેતરમાં અરલમને પતંગિયા અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાંના લોકોને સામનો કરવો પડી રહેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોતાના વચનને યાદ કરતા, રાહુલ ગાંધીએ તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા ખેડૂત સમુદાયના ચાલી રહેલા સંઘર્ષોને કોંગ્રેસ પાર્ટીના સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો:

