કુહાડીનો ઘા, કૌટુંબિક દુર્ઘટના અને 46 વર્ષ સુધી રાહ: J&K હાઇકોર્ટે 70 વર્ષની દોષિત મહિલા પ્રત્યે દયા બતાવી
જસ્ટિસ સંજય પરિહારે 16 વર્ષ કરતા જૂના કેસ પર ચુકાદો સંભળાવતા કહ્યું કે આ કેસ પોતે જ "ફોજદારી કેસોના નિકાલમાં સિસ્ટમના વિલંબનો પુરાવો છે.

Published : December 31, 2025 at 2:25 PM IST
શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે 1979માં શરૂ થયેલા એક કેસનો અંત લાવી દીધો છે. એક વૃદ્ધ મહિલાની સજા લગભગ પાંચ દાયકાના કાનૂની અવરોધ પછી પહેલાથી જ પૂર્ણ થઇ ગઇ છે.
જસ્ટિસ સંજય પરિહારે 16 વર્ષ કરતા જૂના કેસ પર ચુકાદો સંભળાવતા કહ્યું કે આ કેસ પોતે જ "ફોજદારી કેસોના નિકાલમાં સિસ્ટમના વિલંબનો પુરાવો છે." અપીલ કરનાર શમીમા બેગમને 2009માં રણબીર પીનલ કોડ (RPC)ની કલમ 304-II હેઠળ, ઉત્તર કાશ્મીરના ઉરી વિસ્તારમાં 46 વર્ષ જૂના ઘરેલુ વિવાદને લગતા ગુનાહિત મનુષ્યવધ માટે દોષિત ઠેરવવામાં આવી હતી.
આ ઘટના 10 જુલાઇ, 1979ની છે જ્યારે પરિવારમાં મકાઇના ખેતરમાં સિંચાઇ કરવા અંગેનો ઝઘડો હિંસામાં પરિણમ્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલા અને હાઇકોર્ટ દ્વારા કન્ફર્મ કરાયેલા તારણો અનુસાર, શમીમા બેગમે ઝઘડા દરમિયાન તેની સાસુ પર કુહાડીથી હુમલો કર્યો હતો. જ્યારે તેના પતિની વૃદ્ધ દાદીએ દરમિયાનગીરી કરી ત્યારે તેના માથા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ચાર દિવસ બાદ ઇજાને કારણે તેણીનું મોત થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે આ કૃત્ય પૂર્વયોજિત નહોતુ અને ગુસ્સામાં થયુ હતું.
શરૂઆતમાં, બિજમા પોલીસે કલમ 326 અને 324 RPC હેઠળ FIR નોંધી હતી. પીડિતાના મોત બાદ, ગુનાને કલમ 302 હેઠળ હત્યામાં ફેરવી દેવામાં આવી હતી. જોકે, ત્રણ દાયકા કરતા વધુ ચાલેલી ટ્રાયલ બાદ, ટ્રાયલ કોર્ટે શમીમા બેગમને માત્ર સેક્શન 304-II અને RPCની કલમ 324 હેઠળ દોષિત ઠેરવી હતી. 2009માં તેને પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી હતી અને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તે સજા વિરૂદ્ધ અપીલ 16 વર્ષ સુધી પેન્ડિંગ રહી હતી.
જ્યારે હાઇકોર્ટે આખરે આ કેસની સુનાવણી કરી ત્યારે અપીલ કરનાર 79 વર્ષથી વધુ ઉંમરના હતા, તેઓ ગંભીર વય-સંબંધિત બીમારીઓથી પીડાતા હતા, જેમાં દ્રષ્ટિની ગંભીર નબળાઇનો સમાવેશ થતો હતો. તેમના વકીલે નાજુક સ્વાસ્થ્ય, સાધારણ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ અને તે ઉરીના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હતા તે હકીકત પર ભાર મુક્યો હતો, જેમના માટે ખુદ કેસ લડવો લગભગ મુશ્કેલ હતો.
જસ્ટિસ પરિહારે તેમના 5 પાનાના ચુકાદામાં આ સંજોગોની નોંધ લીધી અને કહ્યું કે અપીલકર્તા "દાયકાઓથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ફસાયેલા છે." સ્થાયી બંધારણીય સિદ્ધાંતોને ટાંકીને, કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે "ઝડપી ટ્રાયલનો અધિકાર ભારતના બંધારણની કલમ 21 હેઠળ એક અધિકાર છે જેને છીનવી શકાતો નથી અને આ માત્ર ટ્રાયલ જ નહીં પરંતુ અપીલ કાર્યવાહી સુધી પણ વિસ્તરે છે.
કોર્ટે આ વાત પર ભાર મૂક્યો કે સજા મેકેનિકલ ન હોઇ શકે. જજે કહ્યું, સજા સંભળાવતા સમયે નિવારણ, અસમર્થતા અને પુનર્વસન વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આમાંથી કોઇપણ તત્ત્વોની ગેરહાજરી ન્યાયના હેતુને નિષ્ફળ બનાવે છે.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, કોર્ટે નોંધ્યું હતું કે બીજમા પોલીસ સ્ટેશન દ્વારા રિપ્રેઝન્ટ કરાયેલા રાજ્યએ કલમ 302 RPC હેઠળ અપીલકર્તાના નિર્દોષ છૂટકારાને પડકાર્યો પણ નહતો અને સજા વધારવા અપીલ પણ કરી નહતી. સુનાવણી દરમિયાન પ્રતિવાદી વતી કોઇ પ્રતિનિધિત્ત્વ પણ કરવામાં આવ્યું નહતું.
જસ્ટિસ પરિહારે અવલોકન કર્યું કે જ્યારે ફક્ત વિલંબથી ગુનેગારને આપમેળે ફાયદો થઇ શકતો નથી, ત્યારે અદાલતો લાંબા સમય સુધી ચાલતા કેસોની માનવીય વાસ્તવિકતાને અવગણી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું કે, "વર્તમાન સ્થિતિમાં સજા સંભળાવતા સમયે સુધારા અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, જેથી ગુનેગારને કરેલા ખોટા કામનો અહેસાસ થાય."
અપીલ કર્તા પહેલાથી જ વિવિધ તબક્કામાં જેલમાં બંધ હતા અને 46 વર્ષથી વધુ સમય સુધી ફોજદારી કાર્યવાહીના પડછાયા હેઠળ રહ્યા હતા તે ધ્યાનમાં લેતા કોર્ટે તારણ કાઢ્યું કે, મૂળભૂત સજા જાળવી રાખવાથી કોઇ ઉપયોગી હેતુ પૂર્ણ નહીં થાય.
કલમ 304-II RPC હેઠળ કોઇ લઘુતમ સજા નક્કી નથી, હાઇકોર્ટે સજાને પહેલાથી જ ભોગવી ચૂકેલી ગણવાનો આદેશ આપ્યો, અને દંડ વધારીને 5000 કર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં, અપીલકર્તાને ત્રણ મહિનાની સાદી કેદની સજા ભોગવવી પડશે.
આ પણ વાંચો:

