રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR નોંધાઈ, દિલ્હી પોલીસે આ મામલે કરી કાર્યવાહી
આકાશવાણીના પરિસરમાં પ્રવેશ્યા બાદ, રાહુલ ગાંધીએ ત્યાંથી બહાર જવાની સ્પષ્ટ ના પાડી દીધી.

Published : October 7, 2026 at 12:13 PM IST
|Updated : October 7, 2026 at 12:22 PM IST
નવી દિલ્હી: દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વરિષ્ઠ નેતાઓ તથા સાંસદો વિરુદ્ધ સંસદ માર્ગ પર આવેલા આકાશવાણી ભવન (પ્રસાર ભારતી) સંકુલમાં અનધિકૃત રીતે પ્રવેશવા, સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા અને પ્રતિબંધાત્મક આદેશો (કલમ 163 BNSS)નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધી છે. આ સમગ્ર મામલો 6 ઓક્ટોબરે ઈન્ડિયા ગઠબંધન દ્વારા સંસદ ભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય સુધી યોજાયેલી વિરોધ કૂચ દરમિયાન બનેલી ઘટનાઓ સાથે સંબંધિત છે.
મંજૂરી વિના રેલી, બેરિકેડ્સ તોડ્યા
દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, તેમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન દ્વારા 6 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 10:30 વાગ્યે સંસદ ભવનથી ચૂંટણી પંચની કચેરી સુધી એક રેલી (માર્ચ) યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્રએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવિત રેલી માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી જિલ્લો)ની કચેરીમાં કોઈ અરજી કરવામાં આવી ન હતી, જેથી આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી ન હતી.
News Alert! FIR registered against Cong's Rahul & Priyanka Gandhi for entering Akashvani Bhawan without permission during oppn protest: Delhi Police. https://t.co/3Ai2jpYbCp
— Press Trust of India (@PTI_News) October 7, 2026
પોલીસે વારંવાર આપી ચેતવણી
કાયદો અને વ્યવસ્થા જાળવવા, ભીડની અવરજવર પર નિયંત્રણ રાખવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે નવી દિલ્હી વિસ્તારમાં 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા હતા. આમ છતાં, પ્રદર્શનકારીઓએ સવારે લગભગ 10:30 વાગ્યે કૂચ શરૂ કરી, પહેલાં તેઓ પોલીસના બેરિકેડને તોડીને નીતિ આયોગ નજીક આવેલા બીજા બેરિકેડ સુધી પહોંચી ગયા. પોલીસે લાઉડસ્પીકર દ્વારા વારંવાર જાહેરાત કરીને BNSSની કલમ 163નો ઉલ્લેખ કર્યો અને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વિખેરાઈ જવા વિનંતી કરી, પરંતુ આ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નહીં.
આકાશવાણી ભવનમાં બળજબરીપૂર્વક પ્રવેશવા બદલ કાર્યવાહી
પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે, પોલીસે 10 સંસદ સભ્યો (MPs) સહિત લગભગ 260 વ્યક્તિઓની અટકાયત કરી. આ વ્યક્તિઓને દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લઈ જવામાં આવ્યા. જોકે, આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા, મનીષ છત્રથ અને લગભગ 50 થી 60 સમર્થકોએ વગર મંજુરીએ આકાશવાણી ભવનના પરિસરમાં પ્રવેશ કર્યો અને ધરણાં શરૂ કર્યા. સુરક્ષા ઘેરાવ તોડવા અને કલમ 163નું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલા આ બળજબરીપૂર્વકના પ્રવેશ અંગેની ફરિયાદના પગલે, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
9 કલાક સુધી ધરણાં, મોડી રાત્રે પોલીસે પરિસર ખાલી કરાવ્યું
આકાશવાણીના પરિસરમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ત્યાંથી બહાર જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે આગ્રહ રાખ્યો હતો કે જ્યાં સુધી વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળને મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાતનો સમય ન મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં. ત્યારબાદ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના અનેક વરિષ્ઠ નેતાઓએ આકાશવાણી સંકુલની અંદર લગભગ નવ કલાક સુધી ધરણાં કર્યા હતા.
મોડી રાત્રે, લગભગ 10 વાગ્યે, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને પરિસરમાંથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કિંગ્સવે કેમ્પ સ્થિત 'ન્યૂ પોલીસ લાઇન્સ'માં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહી કાયદા અનુસાર અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપીને કરવામાં આવી હતી. આ મામલે વધુ કાનૂની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો

