કેરળમાં રાજ્યવ્યાપી BLO હડતાળ, કાર્યભારના કારણે કર્મચારીના કથીત મૃત્યુથી આક્રોશ
કેરળમાં બુથ લેવલ ઓફિસર (BLO) ના મૃત્યુ બાદ કેરળના BLO દ્વારા રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવી છે.

Published : November 17, 2025 at 2:36 PM IST
કેરળ : કન્નુર જિલ્લાના પય્યાન્નુરમાં બુથ લેવલ ઓફિસર (BLO) અનીશ જ્યોર્જના મૃત્યુ બાદ, સોમવારથી રાજ્યભરમાં BLO એ રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરી હતી. અનીશ જ્યોર્જની આત્મહત્યાથી સરકારી કર્મચારીઓ અને શિક્ષક સંગઠનોમાં વ્યાપક રોષ ફેલાયો છે.
કેરળમાં રાજ્યવ્યાપી BLO હડતાળ
રાજ્ય સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને સેવા સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ કાર્ય પરિષદોના નેતૃત્વમાં, BLO એ સત્તાવાર ફરજોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. તિરુવનંતપુરમમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અને કેરળના જિલ્લા ચૂંટણી કચેરીઓ સુધી વિરોધ કૂચ પણ કાઢવામાં આવી હતી.
કાર્યભારના કારણે કર્મચારીએ કરી આત્મહત્યા
પય્યાન્નુર મતવિસ્તાર નંબર 18 ના BLO અને રમન્થલી સ્કૂલમાં કાર્યરત અનીશ જ્યોર્જે 16 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે આત્મહત્યા કરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, અનીશે વારંવાર ભારે કાર્યભાર વિશે વાત કરી હતી. પરિવારનું કહેવું છે કે કામના દબાણને કારણે અનીશે જીવલેણ પગલું ભર્યું.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવા આરોપોની પુષ્ટિ થઈ છે કે ભારે કામનો બોજ - ખાસ કરીને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સાથે સંકળાયેલી વધારાની ફરજો - આ ઘટનામાં ફાળો આપી શકે છે. રાજ્ય સરકારી કર્મચારી અને શિક્ષક પરિષદે આ દુર્ઘટના માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે.
કર્મચારી નેતાઓની પ્રતિક્રિયા : સંયુક્ત હડતાળ સમિતિના નેતા એમ.વી. શશિધરન અને કે.પી. ગોપાકુમારે વિરોધ કરી રહેલા BLO સાથે એકતા વ્યક્ત કરી હતી. સાથે જ જવાબદારી અને પ્રણાલીગત સુધારાની તેમની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. તેમણે જણાવ્યું હતું કે, BLO પર લાદવામાં આવેલું કામનું ભારણ, ખાસ કરીને ચાલુ સઘન મતદારયાદી સુધારણા પ્રક્રિયાને કારણે, અસહ્ય બની ગયું છે.
કોંગ્રેસે કરી સંપૂર્ણ તપાસની માંગ : કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વી.ડી. સતીસને રાજ્ય સરકાર અને ભારતના ચૂંટણી પંચ બંનેને અનીશના મૃત્યુની આસપાસના સંજોગોની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરતા જણાવ્યું કે, "સરકારે તપાસ કરવી જોઈએ કે શું BLO પર વધુ પડતો બોજ પડી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી SIR પ્રક્રિયા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા કરતાં પણ વધુ વ્યાપક છે. ચૂંટણી પંચે યોગ્ય તપાસ કરવી જોઈએ અને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ."
મુખ્ય ચૂંટણી અધિકારીએ શોક વ્યક્ત કર્યો
કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના કાર્યાલયે અનિશ જ્યોર્જના મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક અધિકારીનું મૃત્યુ સમગ્ર સંસ્થા માટે ખૂબ જ દુઃખની વાત છે.
આ પણ વાંચો...

