રક્ષાબંધન પહેલા જ ભાઈએ બે બહેનોની ગોળી મારીને કરી કરપીણ હત્યા, બનેવી ઈજાગ્રસ્ત
હરિદ્વાર જિલ્લાના રૂડકીમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. એક ભાઈએ તેની બે બહેનોની ગોળી મારીને હત્યા કરી દીધી.

Published : August 26, 2026 at 7:20 AM IST
રૂરકી: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાંથી એક હૃદયદ્વાવક અને ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 25 ઓગસ્ટ, મંગળવારના રોજ મોડી સાંજે રૂડકીમાં બે બહેનોની ઘટનાસ્થળે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર કરનાર બીજો કોઈ નહીં પણ તેમનો જ ભાઈ હોવાનું કહેવાય છે. આરોપીએ તેના બનેવીને પણ ગોળી મારી દીધી હતી, જે હાલમાં ગંભીર હાલતમાં છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
બંને બહેનોની હત્યા કર્યા બાદ, આરોપી ભાઈ ઘટનાસ્થળેથી ભાગી ગયો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલમાં હત્યા પાછળનો કારણ કૌટુંબિક વિવાદ હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે બંને મૃતદેહોને કસ્ટડીમાં લઈ લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સમગ્ર ઘટના રૂડકી ગંગા કેનાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.

અહેવાલો અનુસાર, 25 ઓગસ્ટ, મંગળવારના રોજ મોડી સાંજે રૂડકી ગંગા કેનાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશપુર આઝાદ નગર પાનિયાલા રોડ પર માતા મંદિરની સામે લેન નંબર 5 માં અંધાધૂધ ગોળીબારનો અવાજ સંભળાયો. ગોળીબારના અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.
થોડા સમય બાદ, લોકોને ખબર પડી કે વિકી નામના એક યુવકે પોતાની જ બે સગી બહેનો પર ગોળીઓ ચલાવી. એવું જાણવા મળ્યું છે કે, સૌથી પહેલા ગણેશપુરની રહેવાસી શકુંતલાને ગોળી મારી, ત્યારબાદ આરોપી ભાઈ આઝાદ નગર પહોંચ્યો અને તેની બીજી બહેન પુષ્પા અને બનેવી પર ફાયરિંગ કર્યુ હતું. ગોળીબારને કારણે બંને બહેનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બનેવી ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ, રહેવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. એક જ પરિવારની બે બહેનોની હત્યાની વાત વાયુવેગે ફેલાતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતાં, પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહોને કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેઓ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે અને પ્રત્યક્ષદર્શીઓ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. ઘટના બાદ આરોપી ફરાર હોવાનું કહેવાય છે, અને પોલીસ ટીમો તેને શોધી રહી છે. હત્યા પાછળનો વાસ્તવિક હેતુ હાલમાં સ્પષ્ટ નથી. આ ચકચારી ડબલ મર્ડરથી સમગ્ર રૂડકી વિસ્તારમાં શોક ફેલાયો છે.
ગ્રામ્ય એસપી શેખર ચંદ્ર સુયાલે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે, વિકી નામના યુવકે તેની બે બહેનોની હત્યા કરી છે. માહિતી મળતાં, આખી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાસ્થળે તપાસ કરી. એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. કેસના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો

