રાજકોટ: રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંત કબીર રોડના નાલા પાસે વિમલ એંધાણી નામના વ્યક્તિની રાત્રિના સમયે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં વિમલની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે મૃતકના મોટાભાઈ એ રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વિમલ એંધાણી નામના વ્યક્તિને 108 મારફતે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવની જાણ થતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ સ્થળ ખાતે દોડી આવ્યો હતો. તેમજ મૃતકના મોટાભાઈ મુકેશ એંધાણીની ફરિયાદના આધારે સુનિલ તેમજ તપાસમાં ખુલે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ દરમિયાન આરોપીઓને ઝડપી પાડ્યા
તયારે મૃતકના ભાઈ પાસેથી સુનિલ નામના વ્યક્તિનું નામ મળતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ મૃતકના મોબાઈલ ફોનમાંથી સુનિલનો નંબર મળતા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી સુનીલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી ગણતરીની જ કલાકોમાં આજીડેમ પોલીસ દ્વારા સુનિલની રાજકોટ ખાતેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. તો સાથોસાથ હત્યામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓના નામ અંગે પૂછપરછ કરતા તેણે પોતાની સાથે રાજુ અને અરવિંદ નામના વ્યક્તિઓ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રાજુ અને અરવિંદ નામના વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.
સ્ત્રી પાત્રના કારણે યુવાનની હત્યા થઇ હોવાનું ખુલ્યું
પોલીસની તપાસમાં વિમલ અને સુનિલ બંને રાજુની પત્નીને પ્રેમ કરતા હોવાનું સામે આવ્યું છે. વિમલ અગાઉ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હોવાથી તે રાજુના સંપર્કમાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ રાજુના સંપર્કમાં આવવાથી તે રાજુની પત્નીના પણ પરિચયમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો. જોકે ત્યારબાદ રાજુને લીવરની તકલીફ ઊભી થતા તેણે મદદ માટે પોતાના કૌટુંબિક ભત્રીજા સુનિલની મદદ માગી હતી. જેથી સુનિલનો રાજુના ઘરે અવરજવર વધી ગઈ હતી. જેથી સુનિલ પણ રાજુની પત્ની એટલે કે પોતાની કૌટુંબીક કાકીના પ્રેમમાં પડ્યો હતો. રાજુની પત્નીને પણ સુનિલનો પ્રેમ પસંદ પડતા તેણે પોતાના પ્રેમી વિમલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જેથી સુનિલ અને વિમલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ફોન ઉપર તેમજ જ્યારે પણ રૂબરૂ મળતા ત્યારે બોલાચાલી થતી હતી.
બનાવ બાદ આરોપી ગ્રીનલેન્ડ ચોકડીએ ભેગા થયા હતા
રાજુની પત્નીએ વિમલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેમજ છતાં વિમલ રાજુની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી વિમલના દબાણથી કંટાળી જઈ રાજુની પત્નીએ પોતાના પતિ રાજુને તેમજ પોતાના પ્રેમી અને કૌટુંબિક ભત્રીજા સુનિલને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ વિમલને કાયમી માટે દૂર કરી દેવા માટે સુનિલ અને તેના કૌટુંબીક કાકા રાજુ દ્વારા વિમલની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત તેણે પોતાના એક અરવિંદ નામના વ્યક્તિને પણ સાથે લીધો હતો. ત્યારબાદ બનાવનાર દિવસે સૌપ્રથમ ત્રણે વ્યક્તિઓ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે એકઠા થયા હતા. તેમજ ત્યારબાદ વિમલને સંત કબીર રોડના નાલા પાસે મળવા બોલાવી છરી તેમજ અન્ય હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે જીવલેણ હુમલામાં વિમલનું ગણતરીની કલાકોમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.