ગાંધીનગર : આજે 7 એપ્રિલ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ છે, ત્યારે ગુજરાત રાજ્યની આરોગ્ય સુવિધાઓને યાદ કરવી રહી. રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ નાગરિકો ઉત્તમ આરોગ્ય સેવાઓ મેળવી શકે તે હેતુથી સતત કાર્ય કરી રહી છે. જાણો કેવા આવ્યા રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામ...
આરોગ્ય ક્ષેત્રે અડીખમ ગુજરાત : રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, જેના ફળસ્વરૂપે સમગ્ર દેશમાં ગુજરાત વર્લ્ડ ક્લાસ આરોગ્ય સુવિધાઓ પૂરું પાડતું રાજ્ય બન્યું છે. મહત્તમ નાગરિકો ઉત્તમ આરોગ્ય સેવાઓ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારના બજેટમાં આરોગ્ય વિભાગ માટે ગત વર્ષ કરતા 16.35 ટકા જેટલો વધારો કરીને નાણાકીય વર્ષ 2025-26 માં રૂ. 23,385.33 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
અંતરિયાળ વિસ્તારોમાં પણ આરોગ્ય સેવા : રાજ્યના સામાન્ય નાગરિકો અને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને વિવિધ આરોગ્ય સેવાઓ મેળવવામાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર અનેકવિધ આયોજનબદ્ધ પગલાં લઈ રહી છે. જેના પરિણામે આગામી સમયમાં અમદાવાદ સિવિલ મેડીસીટીમાં મગજ અને નર્વ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર તેમજ સંશોધન માટે ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે.
અત્યાધુનિક તકનીકથી સજ્જ રીસર્ચ સેન્ટર : તદ્પરાંત અમદાવાદમાં સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેન્સરના રોગની સેવાઓ સુદ્રઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજી વિભાગની સેવાઓ તેમજ રાજકોટ અને ભાવનગર ખાતે કાર્ડિયોલોજી સેટેલાઈટ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
સારવારની સાથે સંભાળ માટે ‘પેલિયેટીવ કેર’ વોર્ડ : રાજ્યમાં ગંભીર કે જીવલેણ બીમારીથી પીડાતા દર્દી જ્યારે જિંદગીના અંતિમ તબક્કામાં હોય, ત્યારે તેમને સારવારની સાથે સંભાળ પણ મળે તે માટે એક નવીન અભિગમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 6 સરકારી હોસ્પિટલમાં ‘પેલિયેટીવ કેર’ વોર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ તેમજ M&J ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓફથાલ્મોલોજી અને સ્પાઇન ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે રૂ. 100કરોડના ખર્ચે નવા અત્યાધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે.
‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી : દર વર્ષની જેમ આ વર્ષે 7 એપ્રિલના રોજ “Healthy beginnings, hopeful futures” થીમ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન-WHO દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આજે જ્યારે સમગ્ર વિશ્વ પોતાના નાગરિકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ નાગરિકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ છે.
રક્તપિત્તનો પ્રમાણ દર નહિવત : રાજ્યના કોઈપણ નાગરિક આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે જાન્યુઆરી-2025 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-PHC દ્વારા અંદાજે કુલ 1.44 કરોડથી વધુ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર-CHC દ્વારા કુલ 1.31 કરોડથી વધુ દર્દીઓને OPD થકી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તના દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં રક્તપિત્ત પ્રમાણ દર 0.39 જેટલો જ રહ્યો છે, જે રાજ્ય સરકારની રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમના સફળતાપૂર્વક અમલીકરણ થકી નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ : રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઈલેરીયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતની પ્રવૃત્તિઓનો અસરકારક અમલ કરવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય તેમજ સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ-2024 દરમિયાન રાજ્યના 233 ગામોની અંદાજીત 2.52 લાખ કરતાં વધુ વસ્તીને જંતુનાશક દવા છંટકાવ હેઠળ આવરી લેવામાં આવી છે.
ટીબી મુક્ત ભારત અભિયાન : ટીબી મુક્ત ભારત અભિયાનમાં ટીબીના દર્દીઓને સાર્વત્રિક રીતે સારવાર મળતી થાય તે માટે ગુજરાત સરકાર પણ પ્રતિબદ્ધ છે, જે અન્વયે રાજ્યમાં ટીબીનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 33 જિલ્લા ક્ષય કેન્દ્ર, 7 શહેરી ક્ષય કેન્દ્ર, તમામ તાલુકા અને અર્બન વિસ્તારમાં 308 જેટલા ટીબી યુનિટ તેમજ ગંભીર પ્રકારના દર્દીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી અને 170 નાટ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે. જેના પરિણામે ગુજરાતમાં વર્ષ 2024માં 1.37 લાખ કરતાં વધુ ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવી હતી, જેમની સારવારનો સફળતાનો દર 90 ટકા જેટલો છે.
ટીબીના દર્દીઓને આર્થિક સહાય : વધુમાં ટીબી નિર્મુલન કામગીરી અંતર્ગત રાજ્યમાં ટીબીના દર્દીઓને 3.43 લાખ કરતા વધુ પોષણ કીટ આપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવતી હતી, જેને વધારીને રૂ. 1000 કરવામાં આવી છે. આ યોજના થકી વર્ષ 2018થી અત્યાર સુધીમાં 6.53 લાખ કરતા વધુ ટીબીના દર્દીઓને રૂ. 201 કરોડ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે, આમ ટીબી નિર્મુલન કામગીરીમાં ગુજરાત દેશના તમામ રાજ્યોમાં અગ્રેસર છે.
“PMJY-મા” યોજના : રાજ્ય સરકાર દ્વારા સગર્ભા બહેનોને પૂરતું પોષણ મળે અને માતા-બાળ મૃત્યુદર ઘટાડવા ‘નમોશ્રી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યની 2.77 લાખ કરતાં વધુ સગર્ભા બહેનોએ લાભ લીધો છે. વર્ષ 2021થી રાજ્ય સરકાર દ્વારા ‘મા’, ‘મા વાત્સલ્ય’ અને આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને “PMJY-મા” યોજનાનું સંયુક્ત નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં આ યોજનાની શરૂઆતથી ફેબ્રુઆરી 2025 સુધીમાં કુલ 2.71 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ જેવી પરંપરાગત ઉપચાર પદ્ધતિના સંવર્ધન માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જે અન્વયે આયુષ પદ્ધતિઓનો ગ્રામીણ વિસ્તાર સુધી વ્યાપ વધારવા માટે આયુષગ્રામ પ્રોજેક્ટ, 365 જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર શરૂ કરવામાં આવ્યા છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.