જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની રવિવારના રોજ સામાન્ય ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનના આંકડા જાહેર કરાયા છે. તેમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 13 વોર્ડમાં મહિલા મતદારોએ પુરુષ મતદારની સરખામણીમાં મત આપવાને લઈને ઉદાસીન વલણ દાખવ્યું છે. સામાન્ય રીતે મહિલાઓ નગરપાલિકા સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી બાબતો તેમજ પીવાનું પાણી સીધી રીતે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા છે. જેના કારણે મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કરીને મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હશે.
પુરુષ અને મહિલાઓની મતદાનની ટકાવારી: રવિવારના રોજ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સામાન્ય મતદાન પૂરું થયું હતું. ચૂંટણી પંચ દ્વારા મતદાનના આંકડા અને તેની ટકાવારી જાહેર કરાઈ છે. જેમાં પુરુષોની સરખામણીએ મહિલા મતદારોએ મતદાન કરવાને લઈને તેમની ઉદાસીનતા દર્શાવી છે. ચૂંટણી પંચ મુજબ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 1,17,099 જેટલા પુરુષ અને 01,11,948 જેટલી મહિલા મતદારો નોંધાઈ હતી. જે પૈકી 56,400 જેટલા પુરુષ અને 45,123 જેટલી મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં પુરુષની મતદાનની ટકાવારી 48.16 અને મહિલા મતદારોની મતદાનની ટકાવારી 40.31% નો થાય છે. આ બિલકુલ સ્પષ્ટ કરે છે કે, જુનાગઢ મનપાની ચૂંટણીમાં 60% જેટલી નોંધાયેલી મહિલા મતદારોએ પોતાના મત નહીં આપીને મતદાન પ્રક્રિયાથી દૂર રહી છે.

મહિલા મતદારોમાં નારાજગી કેમ?: મહિલાઓ મતદાનથી સ્વયંભૂ વંચિત રહી છે. સામાન્ય રીતે મહિલાઓ સફાઈ, રોડ રસ્તા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને પાયાની તેમજ માળખાકીય બાબતોને લઈને સીધી રીતે મનપા સાથે સંકળાયેલી હોય છે. 5 વર્ષ દરમિયાન મહિલાઓની સમસ્યામાં જે રીતે વધારો થયો છે અથવા તો જે તે વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં મનપાનું તંત્ર સફળ રહ્યું નહીં હોય. જેને કારણે મહિલા મતદારોએ સ્વયં મતદાનથી દૂર રહીને તેમનો રોષ મનપા પ્રત્યે દર્શાવ્યો હશે. તેવું માનવામાં આવે છે.

18 ફેબ્રુઆરીએ મત ગણતરી: કુલ 44.32 ટકા મતદાન થયું છે. જે પણ ખૂબ ઓછું માનવામાં આવે છે. થયેલા મતદાનની સામે ૫૫ ટકા કરતાં વધારે મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો નથી. જેમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. આ મતદારો પણ મનપાની કામગીરીથી સંતોષ નહીં મળ્યો હોય. જેને કારણે તેઓ સ્વયંભુ મતદાનથી વંચિત રહ્યા છે. હવે આવતીકાલે જ્યારે મતોની ગણતરી હાથ ધરાશે. ત્યારે મતદારોનો રોષ કોના તરફથી ઝુકેલો છે, તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: