રાજકોટઃ રાજકોટ SOG દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર નંબર C 404માં થતા ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કારસ્તાનને ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. સરોજ ડોડીયા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. તેમજ તેના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, રાજકોટના સહકાર મેઇન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી સરોજ નામની મહિલા જે હોમકેર નર્સિંગની સારવાર સાથે સંકળાયેલી છે. તે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાઈન્ટના ઘરે જઈ કરી આપે છે. તે બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતા. તેમજ ત્યાર બાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા સરોજ ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા. જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તો સાથો સાથ 4,00,000 રૂ.ની કિંમતનું સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સરોજ ધોરણ 12 પાસ અને નર્સિંગનો કોર્સ કરેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ 10 વર્ષ કરતાં પણ વધુ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તેમજ ગેર કાયદેસર ગર્ભ પરીક્ષણ માટે 20,000 રૂપિયા જેટલી માતબર રકમ લેતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ગર્ભ પરીક્ષણનું મશીન એક નર્સિંગ હોમ કેરના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા પાસે કેવી રીતે આવ્યું તે બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે સમગ્ર ઘટનામાં કોઈ ગાયનેકોલોજિસ્ટનો રોલ પણ આગામી દિવસમાં સામે આવી શકે છે.