જૂનાગઢ: ઉનાળાની આકરી ગરમી ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. આવા દિવસોમાં લોકો ગરમીથી રાહત મળે અને શરીરને ઠંડક પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રકારના રસ પીતા હોય છે. જોકે ઉનાળામાં શેરડીના રસનું સેવન સૌથી વધારે જોવા મળે છે. ત્યારે ઉનાળા દરમિયાન શેરડીનો રસ કેવા દિવસોમાં અને કેટલો પીવો જોઈએ તેને લઈને આયુર્વેદના તબીબે ખાસ વિગતો આપી છે.
ઉનાળાની ગરમી અને શેરડીનો રસ: ઉનાળાની આકરી ગરમીના દિવસો ધીમે ધીમે વધતાં ગરમીથી રાહત મળે અને શરીરને ઠંડક થાય તે માટે વિવિધ પ્રકારના પીણા અને રસ લેતા હોય છે. ઉનાળાના દિવસો દરમિયાન સૌથી વધારે શેરડીના રસનું સેવન થતું હોય છે, ત્યારે આયુર્વેદમાં શેરડીને પિત્ત શમન કરનાર રસ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો રસ શરીરમાં એકઠા થયેલા પિત્તને દૂર કરવા માટે પણ અક્સિર માનવામાં આવ્યો છે.
પરંતુ શેરડીનો રસ કેવા દિવસો દરમિયાન અને કેટલો પીવો જોઈએ તેને લઈને પણ આયુર્વેદમાં ખાસ દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે. જ્યારે ગરમીનું પ્રચંડ મોજુ હોય દિવસ અને રાત્રિના સમય દરમિયાન એક સરખી ગરમીનો અહેસાસ થાય આવા દિવસો દરમિયાન શેરડીનો રસ અમૃત માનવામાં આવે છે પરંતુ તેનું પ્રમાણ ચોક્કસ જાળવવામાં આવે તો તેના સારા પરિણામો મળતા હોય છે.

શેરડી નો સીધો ઉપયોગ ફાયદાકારક: આયુર્વેદમાં શેરડીને પિત્ત સમન કરનારા રસ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ શેરડીને જો દાંતેથી ચાવીને કે કુદરતી રીતે કોઈપણ વ્યક્તિ તેને ચૂસીને રસ ગ્રહણ કરે તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. મશીનો દ્વારા કાઢવામાં આવેલ રસ કેટલીક સ્થિતિમાં પેટમાં બળતરા કરી શકે છે.

ઉનાળાના દિવસો દરમિયાન લોકો સીધી શેરડીનો ચાવીને કે ચૂસીને ઉપયોગ કરે તો તેનું પરિણામ ખૂબ સારું મળતું હોય છે. ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં પ્રત્યેક લોકોએ કોલ્ડ્રીંક અને ઠંડા પીણાની જગ્યા પર ફળોના રસ અને પ્રાકૃતિક રીતે બનતા વિવિધ રસોને ગ્રહણ કરીને ઉનાળાની આકરી ગરમીમાંથી રાહત મેળવી શકે છે.

આયુર્વેદના તબીબો એ આપ્યા દિશા નિર્દેશ: જૂનાગઢ આયુર્વેદિક કોલેજના અધ્યાપક ડૉ. અંજલી રૂપાણીએ શેરડીના રસના સેવન કરવાને લઈને કેટલાક દિશા નિર્દેશો આપ્યા છે. ઉનાળાના દિવસો દરમિયાન લોકોએ ઠંડા પીણાની જગ્યા પર પ્રાકૃતિક ફળોના રસ પર વધારે નિર્ભર રહેવું જોઈએ, જે શરીરને ગરમીથી બચાવવાની સાથે ઉનાળામાં ઠંડક પણ આપતા હોય છે.

વધુમાં શેરડીના રસમાં આદુ અને લીંબુના રસનું સેવન સાથે કરવાથી પણ ફાયદા થતા હોય છે. આદુને પાચક માનવામાં આવે છે તો લીંબુનો રસ આયુર્વેદની દ્રષ્ટિએ આકરી ગરમીમાંથી શરીરને ઠંડક આપવાની સાથે તે પ્રખર ગરમીના સમયમાં શરીરને લુ લાગવાથી પણ બચાવે છે. જેથી પિત્તનું શમન કરનાર શેરડી પાચક રસ સાથેનો આદુ અને લૂથી બચાવનાર લીંબુના રસનું સેવન ગરમીના દિવસોમાં કરવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો: