જુનાગઢ: દિવસેને દિવસે ઉનાળાની ગરમી સતત વધી રહી છે. આવી પરિસ્થિતિમાં પશુ પક્ષીઓ માટે ખૂબ મુશ્કેલીનો સમય શરૂ થતો હોય છે, ત્યારે જુનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા પશુ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને માળાનું વિનામૂલ્ય વિતરણ કરીને ઉનાળાની આ ગરમીમાં પ્રત્યેક જીવનું રક્ષણ થાય તે માટેનુ અભિયાન શરૂ કર્યું છે, જેને જૂનાગઢના લોકોનો સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે.
જૂનાગઢનું ગિરનારી ગ્રુપ પાછલા કેટલાક વર્ષોથી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાઈને પશુ પક્ષી અને માણસોને સહાય અર્થ કામ કરી રહ્યા છે. ઉનાળાના આ દિવસો દરમિયાન ગિરનારી ગ્રુપ દ્વારા ખાસ પશુ પક્ષી અને ચકલીઓને ઉનાળાની આકરી ગરમી માંથી મુક્તિ મળે તે માટે વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લોકોનો ખુબ સારો પ્રતિસાદ સાપડ્યો છે.

આકરી ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે પીવાના પાણી અને માળો બનાવવાની વ્યવસ્થા કુદરતી રીતે ખૂબ ઘટી જતી હોય છે, આવી સ્થિતિમાં પશુ પક્ષીની ચિંતા કરીને ગિરનારી ગ્રુપે માનવતાનું એક સારું ઉદાહરણ પર આપ્યું છે. આ સિવાય ગાય સહિત શ્વાન અને અન્ય મોટા પશુઓ શહેરમાં જોવા મળતા હોય છે, આવા પ્રાણીઓ પાણી પી શકે તે માટે મોટી પાણીની કુંડીનું પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું.

ગિરનારી ગ્રુપ મુખ્યત્વે પાછલા કેટલાક વર્ષોથી રક્તદાન પ્રક્રિયા સાથે જોડાયેલું હતું. થોડા સમયથી ગ્રુપ દ્વારા શહેરની ઝુપડપટ્ટી મા રહેતા નાના બાળકોને ભોજન કરાવવાની એક નવી પરંપરા પણ શરૂ કરી છે, ત્યારે હવે ઉનાળાની ગરમીને ખાસ ધ્યાને રાખીને પશુ પક્ષી માટે પાણીના કુંડા અને પુઠા અને લાકડા માંથી બનેલા માળા નું વિતરણ કરવાનું આયોજન પણ થયું છે.

આ તમામ ચીજો પાછળ થતો ખર્ચ તેમને સંસ્થામાં દાન આપતા દાતાઓ દ્વારા મળી રહે છે, જેથી આ પ્રકારનું વિતરણ કરવામાં ખૂબ સરળતા પડે છે લોકો પણ પાણીના કુંડા અને ચકલીના માળા મેળવીને ખુબ ખુશ થયા અને આ પ્રકારે પર્યાવરણનું જતન તેવો કરશે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: