તાપી: જિલ્લાના ડોલવણ તાલુકાના ડાંગ જિલ્લાની બોર્ડરને અડીને આવેલા કેટલાક ગામોમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે, તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે પણ આ અંતરિયાળ ગામોના લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રીતસરના ફાંફા મારવા પડી રહ્યા છે.
તાપી જિલ્લાનો ડોલવણ તાલુકો એ ચેરાપૂંજી તાલુકા તરીકે ઓળખાય છે. અને અહીં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ વરસે છે, પરંતુ અહીં ઉનાળામાં જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જ પાણીની સુવિધાનો અભાવ જોવા મળે છે. અને અહીંયા નદી, નાળા, કુવા અને બોર ઉનાળા દરમિયાન સુકાય જાય છે જેને લઇને અહીંના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
પીવાના પાણી અને પશુપાલન માટે તેમણે કેટલાક કિલોમીટર પગપાળા ચાલીને ગામના એક બોર પર પાણી લેવા જવું પડે છે અને માંડ માંડ પાણી મળતા ખેતી કે પશુપાલનમાં માઠી અસર પડે છે જેથી અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી છે. ગામમાં કેટલીક બહેનો ઉઘાડા પગે ધગધગતા તાપમાં પાણી લેવા માટે પગપાળા જાય છે. તે જોઈ ને ખરેખર સરકાર ના વિકાસના કામો પોકળ છે એમ કહી શકાય.

સરકાર દ્વારા અહીં પાણી માટે પંપ અને ઘરે ઘરે નળ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ આશરે 7 વર્ષ વીતી જતા આજ સુધી પાણીનું એક ટીપું નળમાંથી નથી આવ્યું તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે હજુય કેટલાય ગામો એવા છે, કે જ્યાં પાણીને લઇ પરિસ્થિતિ જેવીને તેવી જ છે, સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ, કર્મચારીઓની અનઆવડતને પગલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને સરકારી તિજોરીઓના કરોડો રૂપિયા ખોટી જગ્યાએ વેડફાઈ જાય છે.

આ વિસ્તારમાં આવેલા ચેકડેમો, હેન્ડ પંપ કે કોઈ પાણી પુરવઠાની તોતિંગ યોજના દ્વારા બનાવવામાં આવેલ સંપ ઉનાળાના આકરા દિવસો પહેલાં સૂકા ભટ્ટ થઈ જાય છે અને હજારો ગામ વાસીઓએ એક બુંદ પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડી રહ્યા છે.

સ્થાનિકોએ જણાવ્યું કે, દર વર્ષે પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમતા આદિવાસી પંથક એવા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આ બાબતથી સ્થાનિક નેતાઓથી લઈને તંત્રના જવાબદારો પણ સારી રીતે વાકેફ છે, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ વિસ્તારના લોકોને દર વર્ષે પાણી વગર ભારે સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. જેને લઇ સરકાર વહેલી તકે પાણી સમસ્યાનો નિકાલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો: