ETV Bharat / state

વકફ સંપત્તિની નોંધણી માટે 'UMEED સેન્ટ્રલ પોર્ટલ' લોન્ચ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રજીસ્ટ્રેશન પ્રક્રિયા

UMEED પોર્ટલ પર વકફ સંપત્તિના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય, જમાત-એ-ઈસ્લામી હિંદ ગુજરાત દ્વારા આપવામાં આવી સમગ્ર માહિતી...

UMEED સેન્ટ્રલ પોર્ટલ
UMEED સેન્ટ્રલ પોર્ટલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 13, 2025 at 12:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ : જમાત-એ-ઈસ્લામી હિંદ, ગુજરાત દ્વારા 'વકફ જાગૃતિ અને ડોક્યુમેન્ટેશન' વિષય પર તાલીમ આપવામાં આવી હતી. તે દરમિયાન “વકફ એક્ટ, 2025” હેઠળના નવીન નિયમો, 'UMEED' પોર્ટલ પર વકફ સંપત્તિના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ દ્વારા વકફ સંપત્તિના હક અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ, તેમજ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા મળતી માર્ગદર્શિકા જેવી વિવિધ બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, વકફ સંસ્થાઓને કાયદાકીય સહાય અને જરૂરી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા કેવી રીતે સરળ બનાવી શકાય તેના વિષય પર સમજણ આપવામાં આવી હતી.

UMEED સેન્ટ્રલ પોર્ટલ પર વકફ સંપત્તિની નોંધણી

આ પોર્ટલ વિશે માહિતી આપતા મોહમ્મદ શફી મદનીએ જણાવ્યું કે, વકફ એક્ટ-2025 હેઠળ નવીન નિયમો બનાવવામાં આવ્યા છે. હાલમાં જ UMEED પોર્ટલ લોન્ચ કરી વકફ સંપત્તિના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તમામ વકફ મિલકતોનું રજીસ્ટ્રેશન આ પોર્ટલ પર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ તો આની મૂળ જવાબદારી સરકારની હતી, જેને હવે ટ્રસ્ટીઓ અને વક્ફને સોંપવામાં આવી છે. જેના કારણે લોકોમાં ઘણી બધી મૂંઝવણ અને સમસ્યા છે.

વકફ સંપત્તિની નોંધણી માટે 'UMEED સેન્ટ્રલ પોર્ટલ' (ETV Bharat Gujarat)

મોહમ્મદ શફી મદનીએ જણાવ્યું કે, UMEED પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે એક આખી પ્રક્રિયા છે, અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા ઓછો સમય આપવામાં આવ્યો છે. હવે નોંધણી કરવાની મુદત વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર, 2025 સુધી છે. આટલા ઓછા સમયમાં તમામ રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શકે તે શક્ય નથી.

'UMEED સેન્ટ્રલ પોર્ટલ'

ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયે તાજેતરમાં વકફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વ્યવસ્થાપન માટે UMEED પોર્ટલ (Unified Waqf Management, Empowerment, Efficiency and Development) શરૂ કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં તમામ વકફ મિલકતોની નોંધણી આ પોર્ટલ પર કરાવવી ફરજિયાત છે. નોંધણી પ્રક્રિયા 6 જૂન, 2025 થી શરૂ થઈ ગઈ છે, અને તે છ મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.

નોંધણી પ્રક્રિયાની મુખ્ય લાક્ષણિકતા

ત્રિ-સ્તરીય ચકાસણી : પોર્ટલ પર દાખલ થયેલી માહિતીની ત્રણ સ્તરે ચકાસણી કરવામાં આવશે.

  • મેકર (Maker) : મુતવલ્લી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા ડેટા એન્ટ્રી
  • ચેકર (Checker) : જિલ્લા કક્ષાના અધિકારી દ્વારા ડેટાની ચકાસણી
  • એપ્રૂવર (Approver) : રાજ્ય વકફ બોર્ડના CEO અથવા અધિકૃત અધિકારી દ્વારા અંતિમ મંજૂરી

સ્ટેપ-બાય-સ્ટેપ રજીસ્ટ્રેશન પ્રોસેસ

વકફ સંપત્તિની નોંધણી માટે ઓફિશિયલ વેબસાઈટ umeed.minorityaffairs.gov.in તપાસો.

સૌપ્રથમ વેબસાઈટ પર જઈ મુતવલ્લી (વહીવટકર્તા)નું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર અને ઈ-મેઇલ ID પર OTP આવશે, તેનું વેરિફિકેશન કરવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજો અને માહિતી અપલોડ કરવાના રહેશે, જેનાથી UMEED પોર્ટલ ID બની જશે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો અને માહિતી :

  • મુતવલ્લી (વહીવટકર્તા) ની વિગત
  • મુતવલ્લીનું પૂરું નામ અને સરનામું
  • ઓળખનો પુરાવો (PDF ફોર્મેટમાં આધાર કાર્ડ)
  • સરનામાંનો પુરાવો (PDF ફોર્મેટમાં ચૂંટણી કાર્ડ)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો. (JPEG/PNG/JPG ફોર્મેટમાં)
  • સંપર્ક માટે મોબાઈલ નંબર અને ઈ-મેઇલ ID

UMEED પોર્ટલ ID બની ગયા પછી લોગીન કરવાનું રહેશે. લોગીન કરવા માટે કોઈ એક પાસવર્ડ રહેશે નહીં, દરેક વખતે લોગીન કરવા માટે OTP આવશે અને દરેક વખતે OTP પ્રક્રિયા મારફતે લોગીન થશે. લોગીન કર્યા પછી જે તે વકફ સંસ્થાની સંપૂર્ણ વિગતો અને માહિતી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

સંપત્તિની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો અને માહિતી :

નીચે મુજબના દસ્તાવેજો મૂળ પ્રતમાંથી સ્કેન કરી એક ફોલ્ડરમાં યોગ્ય નામ સાથે સેવ કરી રાખવા. (દરેક PDF ની સાઈઝ 10 MB કરતા નાની હોવી જોઈએ અને JPG ફાઈલની સાઇઝ 2 MB કરતા નાની હોવી જોઈએ.)

  • PTR નકલ અને નોંધણીનો દાખલો વકફ બોર્ડમાંથી મેળવવાની રહેશે
  • Waqt Deed (જેમાં વકફ કરનાર (વાકિફ) દ્વારા મિલકતને વકફ તરીકે સમર્પિત કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ હોય)
  • માલિકીના પુરાવા (Ownership Documents) વેચાણ દસ્તાવેજ, દાનપત્ર
  • મિલકતનું સંપૂર્ણ વર્ણન : મિલકતની લંબાઈ અને પહોળાઈ (વિસ્તાર)
  • મિલકતનું ચોક્કસ સરનામું અને ફોટોગ્રાફ
  • મિલકતનો પ્રકાર (ખેતીની જમીન, રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક સ્થળ વગેરે)

મિલકતના મહેસૂલી રેકોર્ડ (Revenue Records) :

  • જમીનનો 7/12 અને 8અ નો ઉતારો
  • પ્રોપર્ટી કાર્ડ (જો લાગુ પડતું હોય તો)
  • સિટી સર્વે નંબર અને અન્ય સંબંધિત મહેસૂલી દસ્તાવેજ
  • મહેસૂલ ભર્યાની પાવતી
  • ભાડુઆતની વિગત અને ભાડા કરાર
  • ઓડીટ રીપોર્ટ
  • મ્યુનિસિપલ ટેક્સની નોટિસ અને નાણાં ભર્યાની રસીદ/પહોંચ
  • લાઈટ બિલ-ગેસ બિલ
  • મિલકત પર દબાણ બાબતના કાગળો કે દસ્તાવેજો
  • મિલકત પર ચાલતા કોઈપણ પ્રકારના કેસ, લીટીગેશન કે તકરાર સંબંધી કાગળો તેમજ પુરાવા

આ તમામ વિગતો અપલોડ થયા પછી તેની ચકાસણી કરવામાં આવશે, અને ત્યારબાદ દરેક નોંધાયેલ વકફ મિલકતને એક વિશિષ્ટ 17-અંકનો ઓળખ નંબર (Unique Identification Number) આપવામાં આવશે.

ખાસ નોંધ : આ અંગે વધુ અને વિસ્તૃત માહિતી/જાણકારી માટે કેન્દ્ર સરકાર દ્વારા અંગ્રેજી ભાષામાં એક 56 પાનાની વિસ્તૃત માર્ગદર્શિકા પણ પ્રકાશિત કરવામાં આવી છે, જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જો કોઈ વકફ મિલકત પાસે ઉપરોક્ત દસ્તાવેજો સંપૂર્ણ ન હોય અથવા કોઈ વિવાદ હોય, તો તેવા કિસ્સામાં વકફ ટ્રિબ્યુનલમાં અરજી કરીને તેની ચકાસણી કરાવવી પડશે.

આ પણ વાંચો...