કચ્છ: પૂર્વ કચ્છના ગાંધીધામમાં વૃંદાવનના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાયનું 'પ્યારો વૃંદાવન...' ભજન લોન્ચ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર, ચાર દિવસીય વૃંદાવન રાસ મહોત્સવના આયોજન દરમિયાન આ ભજન લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્દ્રેશજી ઉપાધ્યાય દ્વારા વ્યાસાસનેથી વૃંદાવનના મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું.
આ ભજનમાં વૃંદાવનના 7 ઠાકુરજીના પ્રાગટ્ય અને મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતાચાર્ય દ્વારા જ આ પદનું ગાન કરવામાં આવ્યું છે અને બી. પ્રાગ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. ભજન પ્રસારિત કરવામાં આવ્યું તે સમયે પરિસરમાં અનેરો ભક્તિમય માહોલ સર્જાયો હતો.
પ્યારો વૃંદાવન ભજનનું લોન્ચિંગ: ગાંધીધામમાં વૃંદાવનના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાય દ્વારા ચાર દિવસીય વૃંદાવન રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેના બીજા દિવસે ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાય દ્વારા જ રચાયેલા પદ સાથેના ભજન 'પ્યારો વૃંદાવન..' ભજન આજે ઠાકોરજીના ભક્તોની વિશાળ હાજરીમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું.

બે વર્ષ અગાઉ ગાંધીધામમાં પદની રચના કરી: ગાંધીધામના ટાગોર રોડ ઉપર આવેલા આંબેડકર ભવન ખાતે વૃંદાવન રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃંદાવનના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાયના વ્યાસપીઠ પરથી વૃંદાવનના મહિમા અને ઠાકોરજીની લીલાનું ગાન અને વર્ણન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેમની ગાંધીધામની આ ચોથી વખતની મુલાકાત છે. બે વર્ષ પહેલા જ્યારે તેઓ ગાંધીધામ આવ્યા હતા, ત્યારે તેમણે કથા દરમિયાન 'પ્યારો વૃંદાવન' ભજનના પ્રથમ પદની રચના કરી હતી અને આજે તેમણે સંપૂર્ણ ભજન લોન્ચ કર્યું છે.

વૃંદાવનના 7 ઠાકોરજીના પ્રાગટ્ય અને મહાત્મ્યનું ભજનમાં વર્ણન: ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 'પ્યારો વૃંદાવન' ભજનમાં વૃંદાવનના 7 ઠાકુરજી મદનમોહનજી, ગોવિંદ દેવ, રાધા ગોપીનાથજી, જુગલકિશોરજી, રાધાવલ્લભજી, બાંકેબિહારીજી અને રાધા રમણજીના પ્રાગટ્ય અને તેમના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્યારો વૃંદાવન ભજન ભાગવતાચાર્ય ઇન્દ્રેશજી ઉપાધ્યાય દ્વારા જ ગાવામાં આવ્યું છે અને પ્રખ્યાત મ્યુઝિક કંપોઝર અને સિંગર બી. પ્રાગ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે.

ઠાકોરજીના ભક્તો ભક્તિમાં લીન થઈ ઝૂમી ઊઠ્યા: વૃંદાવન રાસ મહોત્સવમાં આ ભજનને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં પ્રસારિત કરવામાં આવ્યું, તે સમયે પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઠાકોરજીના ભક્તો ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા. ઇન્દ્રેશજી ઉપાધ્યાયે કચ્છના લોકો સરળ હોવાની પણ લાગણી વ્યક્ત કરી હતી. તો આગામી 11 જૂનથી 4 દિવસ માટે વધુ એક વખત ઇન્દ્રેશજી ઉપાધ્યાયના સાનિધ્યમાં ગાંધીધામમાં વૃંદાવન રાસ મહોત્સવ યોજાશે.

લોન્ચિંગ સમયે મહંતો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં: 'પ્યારો વૃંદાવન' ભજનના લોન્ચિંગ સમયે યજમાન કિરણભાઈ આહીર, પ્રેમભાઈ આહીર, અગ્રણી ધવલ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભારાપર જાગીરના મહંત ભારત દાદા, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમ દાસજી મહારાજ, નારાયણ સરોવર જાગીરના મહંત સોનલ લાલજી મહારાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: