વિસાવદર, જુનાગઢ: વિસાવદર વિધાનસભા બેઠક પર 19 જૂનના દિવસે પેટાચૂંટણીનું મતદાન હાથ ધરાશે. ત્યારે ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરતાની સાથે આપવામાં આવેલા સોગંદનામાં જે વિગતો દર્શાવવામાં આવી છે, તેને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં જવાની અને સમગ્ર મામલાને કાયદાકીય રીતે લડવાની તૈયારી શરૂ કરી છે. વધુમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વકીલની સાથે તેમના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા સાથે ડિબેટ કરવાનો પડકાર પણ ફેંક્યો છે
ભાજપ ઉમેદવાર સામે આપ ચૂંટણી પંચમાં જશે
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું ગઈ છે, 19 તારીખે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સાથે અપક્ષ અને કેટલાક નાના પક્ષો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. મતદાન થાય તે પૂર્વે જ હવે રાજકીય પક્ષો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી સંઘર્ષના એંધાણ શરૂ થયા છે.
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા તેમના ઉમેદવારી પત્ર ભરતાની સમયે જે સોગંદનામુ આપવામાં આવ્યું હતું તેમાં દર્શાવેલી વિગતોને લઈને હવે આમ આદમી પાર્ટી સમગ્ર મામલાને ભારતના ન્યાયતંત્ર અને ચૂંટણી પંચમાં પડકારવા જઈ રહી છે, આ અંગેની તૈયારી પાર્ટીનું લીગલ સેલ કરી રહ્યું હોવાની વિગતો પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એ આજે જુનાગઢ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં આપી હતી

કિરીટ પટેલના સોગંદનામાં અનેક વિસંગતતાઓ
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા જે વિગતો સોગંદનામાં દર્શાવવામાં આવી છે, તે મુજબ પાછલા એક વર્ષમાં કિરીટ પટેલની આવક 34 લાખ 74 હજારથી વધીને એક કરોડ 42 લાખ કઈ રીતે થઈ તેના પર પણ સવાલો ઊભા કર્યા છે. ઈશુદાન ગઢવીએ કિરીટ પટેલની આવકમાં થયેલા વધારાના પૈસા ક્યાંથી આવ્યા તેને લઈને કિરીટ પટેલ સામે સવાલો કર્યા છે.
વધુમાં કિરીટ પટેલે તેમના સોગંદનામામા જે ઉલ્લેખ કર્યો છે, તે મુજબ 33 લાખની લોન કિરીટ પટેલે તેની પત્નીને આપી છે. આવી વિગતો સોગંદનામાં છે જેને પણ આમ આદમી પાર્ટી એ બિલકુલ અસહજ ગણીને સમગ્ર મામલામાં CBI, ACB, ED અને ઇન્કમટેક્સની તપાસ થાય તેવી માંગ પણ કરી છે. વધુમાં ઈશુદાન ગઢવીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર મગફળી કૌભાંડમાં તેમની ભાગીદારી હોવાનો પણ સનસનીખેજ આક્ષેપ કરીને સમગ્ર મામલાને ભારતીય ન્યાયતંત્રમાં પડકારવાની તૈયારી દર્શાવી છે.

ગોપાલ ઇટાલીયા સામે ડીબેટ કરવાનો ફેંક્યો પડકાર
પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમના કોઈ વકીલની ટીમ ગોપાલ ઇટાલીયા સામે ડિબેટ કરવા માટે આવી જાય તેવો પડકાર પણ ફેંક્યો છે, વધુમાં ઈશુદાન ગઢવી ચૂંટણી પ્રચારને લઈને ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હજુ સુધી ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો પ્રવેશ થયો નથી, પરંતુ જે રીતે ભાજપ હાર ભાળી ગઈ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે, આવનારા દિવસ માં ભાજપ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો પ્રવેશ કરાવીને મુદ્દાઓથી મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ બિલકુલ કરશે.