જુનાગઢ: વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો વચ્ચે રીતસરનું ઘમાસણ થઈ રહ્યું છે. દરરોજ નતનવા નિવેદનોથી રાજકીય પાર્ટી એકબીજાના ઉમેદવાર પ્રત્યે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી એ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા 10 ગામોને રાજ્યની સરકારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ લેન્ડમાંથી દૂર કર્યા છે.
આ વાતનો ઉલ્લેખ વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિસાવદર ખાતે કર્યો છે. સમગ્ર મામલો હવે રાજકીય રીતે પણ તુલ પકડતો જાય છે, તેમાં આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પત્રકાર પરિષદ યોજીને ભાજપના આ જૂઠાણાને માધ્યમો સમક્ષ મૂક્યું હતું.
વિસાવદરનું પ્રચાર યુદ્ધ વધુ આગળ વધ્યું
પાછલા ચાર દિવસથી વિસાવદર શહેરમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત થયેલા સંમેલનો અને તેમના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી પત્ર રજૂ કરવાથી પ્રસંગોથી રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ગયું છે. આગામી 19 તારીખ સુધી આ જ પ્રકારે વિસાવદરમાં રાજકીય ચહલ-પહલની વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે. તેની વચ્ચે જ્યારે ગઈ કાલે વિસાવદર ખાતે ભાજપ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સભા સ્થળ પરથી ભાજપના જાહેર થયેલા ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા 10 જેટલા ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ લેન્ડ માંથી સરકારે મુક્ત કર્યા છે, આવો સહી વગરનો કાગળ વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા જાહેર કરાયો હતો. જેને લઈને આમ આદમી પાર્ટીએ આજે ભાજપનો આ ખોટા અપ પ્રચારને જનતા સમક્ષ અને માધ્યમોની સામે ખુલ્લો પાડ્યો હતો
કિરીટ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં કર્યો ઉલ્લેખ
વિસાવદર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદર તાલુકાના પિયાવા રાજપરા જાવલડી માણંદીયા દુધાળા મોટા કોટડા શોભાવડલા લશ્કર ઘોડાસણ મુંડિયા રાવણી અને જાંબુડી આ ગામોને રાજ્યની સરકારે પ્રોજેક્ટ ફોરેસ્ટ લેન્ડ માંથી દૂર કર્યાનો સહી વગરનો કાગળ ઉમેદવાર કિરીટ પટેલે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઇને આમ આદમી પાર્ટી એ રાજ્યના મુખ્યપ્રધાન અને ઉમેદવાર કિરીટ પટેલ સામે આક્ષેપો કર્યા છે. કોઈપણ ગામોને દૂર કરવાની સત્તા ફોરેસ્ટ લેન્ડમાંથી દૂર કરવાની સત્તા રાજ્યની સરકાર પાસે નથી તેમ છતાં મતદારોને ગેરમાર્ગે દોરવા અને ચૂટણીના સમયમાં ફાયદો મેળવવા માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આ પ્રકારનું ગતકડું શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. જે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં સભા થઈ હતી જેને કારણે આમ આદમી પાર્ટીએ રાજ્યના મુખ્ય પ્રધાનને પણ આટલા જ કસૂરવાર ગણ્યા છે.