સુરત: નર્મદ યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં યોજાયો હતો, ગૌરવ અને સુખદ પ્રસંગે આંખો ભીની કરી દે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ગત સપ્ટેમ્બર માસમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વલસાડ જિલ્લાના અતુલના ૨૩ વર્ષીય જન્નતનશીન થયેલા વિદ્યાર્થી શેખ નકીબ રઝા ઈમ્તિયાઝ નામના વિદ્યાર્થીના પિતા ઈમ્તિયાઝભાઈ શેખને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. નકીબે બી.એસ.સી.(ફિઝીક્સ)માં સૌથી વધુ ૧૦માંથી ૯.૦૪ સી.જી.પી.એ. અંકો મેળવ્યા હતા.
વલસાડના અતુલના પારનેરાના વતની ઈમ્તિયાઝભાઈના એકના એક પુત્ર નકીબ શેખનું ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ માર્ગ અક્સ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. નકીબ વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી.(ફિઝીક્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

હોનહાર અને તેજસ્વી એવો આ વિદ્યાર્થી અભ્યાસ સહિત સ્પોર્ટ્સ, ડ્રોઈંગ જેવી અનેક સ્પર્ધાઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કરતો હતો. તેણે શાળા તેમજ કોલેજ અભ્યાસ દરમિયાન અનેકવિધ મેડલ્સ જીત્યા હતા.
શેખ નકીબ રઝા ઈમ્તિયાઝના પિતા ઈમ્તિયાઝભાઈ વડાપાઉંની લારી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારો પુત્ર પી.એચ.ડી. કરવા ઈચ્છતો હતો, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. તેના સ્વપ્ના અધૂરા રહી ગયા. અમારા લાડકવાયા પુત્રની અંતિમ નિશાની સમાન પદવી સ્વીકારી છે, જે મારા જીવનની દુ:ખદાયી ક્ષણ બની હતી.