વલસાડ : વાપી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો રેલ્વે ફ્લાય ઓવર બ્રિજ તોડી નાખી હાલ નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે જૂના બ્રિજ નીચે જ રાહદારીની સવલત માટે તેમજ રેલવે ક્રોસિંગ ઉપર થતા અકસ્માત રોકવા માટે નવા પેડેસ્ટ્રીયલ બ્રીજનું આજે ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
રેલવે ફ્લાય ઓવર બ્રિજનું પુનઃનિર્માણ : વાપી શહેરને પૂર્વ પશ્ચિમને જોડતા જીવાદોરી સમાન રેલવે ફ્લાય ઓવર બ્રિજની આવરદા પૂર્ણ થઈ જતા, તેને તોડી નાખી નવો બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જેના કારણે પૂર્વથી પશ્ચિમમાં જવા માટે હાલમાં.માત્ર બે જ વિકલ્પ છે. જે વૈકલ્પિક શરૂ કરાયેલ જૂના બસ્ટેન્ડ નજીકનું ફાટક અને જે ટાઈપ પાસે બનેલ રેલવે અંડર બ્રિજ છે.
વાપીનો નવનિર્મિત પેડેસ્ટ્રીયલ બ્રીજ : સીધા બજારમાં જવા માટે પેડેસ્ટ્રીયલ અંડર બ્રિજ આજે શરૂ કરવામાં આવ્યો છે, જે રાહદારીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ગુજરાત સરકારના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 8.15 કરોડના ખર્ચે બનેલા પેડેસ્ટ્રીયલ અંડરબ્રિજનું આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે રીબીન કાપ્યા બાદ પેડેસ્ટ્રીયલ અંડર બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું.
પર્યટન સ્થળના ભીંતચિત્રો આકર્ષણનું કેન્દ્ર : અંદાજે રૂપિયા 8.15 કરોડના ખર્ચે બનેલા આ અંડર ગ્રાઉન્ડ બ્રિજની દીવાલો ઉપર વલસાડ જિલ્લાના મહત્વના પર્યટન સ્થળોની ઝલક માટેના ભીંત ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાર્લેરા ડુંગર, તિથલ દરિયા કિનારો તેમજ ધરમપુરના વિલ્સન હિલ જેવા સ્થળોના ભીંત ચિત્રો તૈયાર કર્યા છે, જે અહીંથી પસાર થનારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.

જકાતનાકા પાસે અંડરબ્રિજ શરૂ થશે : આજે કાર્યક્રમ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના ઉપસ્થિત રહેલા કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, પૂર્વ પશ્ચિમના વાહનોની અવરજવર માટે ટૂંક સમયમાં જકાતનાકા પાસે તૈયાર થઈ રહેલા અંડર બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જેથી પૂર્વ પશ્ચિમમાં આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલીમાંથી છૂટકારો મળી જશે. તેમજ જૂન માસ પહેલા જ ઓવરબ્રિજ પણ શરૂ કરવાની ખાતરી આપી હતી.
ક્યાં સુધીમાં તૈયાર થશે ઓવરબ્રિજ ? નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, વાપીની જનતાને પૂર્વ અને પશ્ચિમમાં આવવા જવા માટે અનેક વૈકલ્પિક પ્રોજેક્ટનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે. હાલમાં લોકોને થોડી તકલીફ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં આ તકલીફો દૂર થઈ જશે. લોકોને કાયમી ધોરણે સમસ્યામાંથી છૂટકારો મળે અને લોકોને વધુ સવલત મળે તે માટેનો અમારો પ્રયાસ છે. આ તમામ પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ છે.
અકસ્માતના કિસ્સા નિવારી શકાશે : સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અગાઉ અહીં બ્રિજ ન હોવાને કારણે લોકો રેલવેના પાટા ક્રોસ કરીને પૂર્વમાંથી પશ્ચિમમાં કે પશ્ચિમથી પૂર્વમાં જતા હતા. ભૂતકાળમાં ટ્રેક ક્રોસ કરવામાં અનેક અકસ્માત થયા છે, જેમાં સ્થળ પર અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. ટ્રેનની નીચે આવી જવાને કારણે અનેક લોકોના મોત થયા છે. પરંતુ હવે પેડેસ્ટ્રીયલ અંડર બ્રિજ બનવાથી આ પ્રકારના તમામ અકસ્માતો નિવારી શકાશે.