વાપી: વાપી વિસ્તારના સલવાવ અને બલિઠા વિસ્તારના ગેરકાયદેસર ભંગારના 40 ગોડાઉન પર વાપી મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળતા ગેર કાયદેસર ભંગારના ગોદામ ધારકોમાં ફફડાટ પેસી ગયો હતો.
પાલિકા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન
વાપીમાં જીઆઇડીસી વિસ્તાર અને એની આજુબાજુમાં ચારે કોર ગેરકાયદેસર ભંગારના ગોડાઉનનો સામ્રાજ્ય હોય અને વારંવાર અહીં આગ લાગવાના બનાવોની સાથે સાથે ખૂબ જ અનહાઇજેનિક સ્થિતિમાં લોકો કામ કરતા હોય છે. તેઓ પાસે કોઈપણ પ્રકારની પરમિશન ન હોય તેવા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર મહાનગરપાલિકાએ લાલ આંખ કરતા તેઓને નોટિસ પાઠવી હતી અને તેઓને સમય પણ આપ્યો હતો.
3-3 નોટિસો બાદ પણ સ્વેચ્છાએ ગોડાઉન નહીં હટાવ્યા
ત્રણ ત્રણ વાર સલવાવ વિસ્તારના અનેક ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ આપી જરૂરી પરવાનગી માટેના દસ્તાવેજ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેની પાસે કોઈ પરવાનગી નહીં એવા ભંગારના ગોડાઉન સંચાલકોએ સ્વયં સ્વેચ્છાએ ગોડાઉન હટાવી લેવા માટે મહોલત માંગી હતી. જે સમય પણ પૂર્ણ થતાની સાથે જ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કમિશનરે મક્કમ નિર્ધાર સાથે કરી કાર્યવાહી
ત્રણ ત્રણ નોટિસ બજી ગયા પછી પણ બલીઠા વિસ્તારના ભંગારના ગોદામમાં કોઈ જ ફેર પડ્યો નહોતો અને રોજિંદી કાર્યવાહી ચાલુ રહેતા આખરે આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલીસ જેટલા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર વાપી મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ગોદામના સંચાલકો દ્વારા ઘણા રાજનેતિક સંબંધોનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ મક્કમ નિર્ધાર સાથે આજરોજ ડિમોલીશન હાથ ધર્યું હતું.

ભૂતકાળમાં મોટી આગની ઘટનાઓ પણ બની છે
કાર્યવાહી દરમ્યાન કોઈ પણ અધિકારીઓને કોઈના પણ ફોન ન લેવાની સખત સૂચનાઓ આપવામાં આવી હતી. વાપી મહાનગર પાલિકામાં જે ગામોને સમાવવામાં આવ્યા છે એ ગામોમાં ગેરકાયદેસર ભંગારના ગોદામની ભરમાર હોય અને વિવિધ પ્રકારનાના કેમિકલના ભંગારને અહીં લાવવામાં આવે છે, જેને લઈને એના પ્રોસેસ દરમ્યાન ભીષણ આગ લાગવાના બનાવ બનતા હોય છે. તો ઘણી વાર ગેસ લીકેજના પણ બનાવ બનતા હોય છે. ત્યારે ત્યાં કામ કરતા લોકોની હાલતની પણ ચિંતા હોવી જરૂરી હોય આજે વાપી મહાનગર પાલિકાએ નક્કર પગલાં લીધા હતા.

પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી
સલવાવ ખાતે આજે વહેલી સવારથી જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ભારે પોલીસ કાફલા વચ્ચે 40 થી વધુ ગોડાઉનનું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયેલી આ કામગીરી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવી હતી. જે દરમિયાન સલવાવ નજીક આવેલા 40 થી વધુ ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર જેસીબી મશીન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની હાજરી અનિવાર્ય હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો કાપલો રોડ ઉપર જોવા મળ્યો હતો.

'પાલિકા વિસ્તારમાં વ્યવસાય કરવો હોય તો જરૂરી પરવાનગી જોઈશે'
મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સલવાવ ડુંગરા ડુંગરી ફળિયા, ચીરી સહિતના અનેક ગામોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉનનો ધમધમે છે. આ ગોડાઉન સંચાલકો અનેક એવી પ્રવૃત્તિઓ કરે છે જેનાથી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય અને નુકસાન પહોંચે છે અને આગની ઘટના બને છે. ત્યારે જો મહાનગરપાલિકા ક્ષેત્રમાં વ્યવસાય કરવો હોય તો જીપીસીબી ફાયર વિભાગ તેમ જ જરૂરી જણાતાં તમામ વિભાગની પરવાનગીના દસ્તાવેજો ગોડાઉન સંચાલકો પાસે હોવા જોઈએ. જો કે આ પ્રકારના કોઈપણ પરવાનગીના દસ્તાવેજો ગોડાઉન સંચાલકો પાસે ઉપલબ્ધ હોતા નથી. જેના કારણે આ ગેરકાયદેસર ગોડાઉન ઉપર કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: