ગીર સોમનાથ: સોરઠવાસીઓનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે. સોમનાથને અમદાવાદના સાબરમતી સાથે સાંકળતી વંદે ભારત ટ્રેન આજે દોડતી થઈ છે. ઘણા વર્ષોથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સાળકતી લાંબા અંતરની અને વિશેષ ટ્રેન મળવી જોઈએ તેની લોકમાંગ ઉઠતી આવી છે. આજે વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી જંડી બતાવતા જ રેલવે ટ્રેક પર ટ્રેન દોડતી થઈ, સોરઠવાસીઓનું સપનું પણ સુપરફાસ્ટ ટ્રેનની માફક દોડતું થયું.
પ્રથમ મુસાફરી કરતા પ્રવાસીઓનો અનુભવ: સોમનાથથી પ્રથમ વખત વંદે ભારત ટ્રેન શરૂ થતા જ પ્રથમ દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. ટ્રેનમાં મળી રહેલી સુવિધા અને ખાસ કરીને જે પ્રકારે એક વિમાનમાં સુવિધા હોય બિલકુલ તે જ પ્રકારની સુવિધા સાથેની આધુનિક વંદે ભારત ટ્રેનમાં બેઠેલા મહિલાઓએ 'ભારત માતા કી જય' ના નારા સાથે ટ્રેનની પ્રથમ સફરને આવકારી હતી.
Passengers express joy and excitement while traveling aboard the recently inaugurated Veraval – Sabarmati #VandeBharatExpress#RailInfra4Gujarat pic.twitter.com/FAqk8YcegX
— Western Railway (@WesternRly) May 26, 2025
આધુનિક કોચ સાથે દોડતી વંદે ભારત ટ્રેન: વંદે ભારત ટ્રેનમાં આધુનિક કોચ લગાવવામાં આવ્યા છે, જે પ્રવાસીઓની તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. ખાસ કરીને વયોવૃદ્ધ પ્રવાસીઓ સાથે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાસ ઉત્સુક છે તેવા પ્રવાસીઓ માટે આ ટ્રેન એકદમ આશીર્વાદરૂપ આગામી દિવસોમાં સાબિત થશે. આવતીકાલથી નિયમિત સમયપત્રક મુજબ અમદાવાદથી સોમનાથ અને સોમનાથથી અમદાવાદ વચ્ચે ટ્રેન દોડતી જોવા મળશે.

પ્રથમ દિવસે પ્રથમ મુસાફરી કરી રહેલી મહિલાઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી તમામ બાર જ્યોતિર્લિંગોને વંદે ભારત ટ્રેનથી જોડવાની સૌથી મોટી માંગ પ્રથમ મુસાફરી દરમિયાન કરી દીધી છે. તો કેટલીક મહિલા મુસાફરોએ વંદે ભારત ટ્રેનને દેશની રાજધાનીથી સોમનાથ મહાદેવ સુધી જોડવાની વાત કરી છે. તો અન્ય કેટલીક મહિલાઓ કે જે સોમનાથથી દરેક રાજ્યની રાજધાની સાથે આ જ પ્રકારે સુપરફાસ્ટ વંદે ભારત ટ્રેન ચલાવવી જોઈએ તેવો તેમનો પ્રતિભાવ આપ્યો હતો. પરંતુ જે રીતે પહેલા દિવસે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. તે જોતા એવું લાગી રહ્યું છે કે સોરઠથી શરૂ થયેલી પ્રથમ વંદે ભારત ટ્રેન સફળતાની સીડી પર સડસડાટ દોડતી જોવા મળી શકે છે.

સાબરમતી-વેરાવળ વંદે-ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (૨૬૯૦૧/૨૬૯૦૨) નું ટાઈમટેબલ
- 26 મેના રોજ આ ટ્રેન ઉદ્ધાટન સ્વરૂપે વેરાવળથી સાબરમતી સુધી જશે. (વેરાવળ સ્ટેશનથી સવારે 11.30 કલાકે પ્રસ્થાન કરીને બપોરે 12:35 કલાકે જૂનાગઢ પહોંચશે અને સાંજે 6:25 કલાકે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે.)
- જે બાદ 27 મેથી ટ્રેન રાબેતા મુજબ ગુરુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ બંને તરફથી ચાલશે.
- જે ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટોપ કરશે.
- અમદાવાદ સાબરમતી સ્ટેશનથી વહેલી સવારે 5:25 કલાકે ઉપડશે, સવારે 10:52 કલાકે જૂનાગઢ અને 12:25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
- વળતાં આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી બપોરે 2:40 કલાકે ટ્રેન ઉપડીને, બપોરે 3:35 કલાકે જૂનાગઢ અને રાત્રે 9:35 કલાકે અમદાવાદ સાબરમતી સ્ટેશન પહોંચશે.
- કુલ 438 કિલોમીટરનું અંતર કાપવા સાત કલાક જેવો સમય લેશે, અને તેની અવરેજ ઝડપ 63 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
આ પણ વાંચો:
દાહોદમાં બનેલા D-9 ઈલેક્ટ્રિક રેલવે એન્જિનને એક્સપોર્ટ કરવામાં આવશે: રેલવે મંત્રી