મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને 13 એપ્રિલ, રવિવારના રોજ ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, અભિનેતા સલમાન ખાનને વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આ ધમકીનો સંદેશો મયંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો હતો. પ્રાથમિક અનુંમાન મુજબ, યુવકે ફોલોવર્સ અને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું વર્તન કર્યું હોવાનું જણાઈ રહ્યું છે.
ઘટનાની ગંભીરતા જોતા મુંબઈ પોલીસ અને વડોદરા પોલીસે આ મામલે તાત્કાલિક દખલ આપી હતી. બંને શહેરોની પોલીસ ટીમોએ મયંક પંડ્યાની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન યુવકનું વર્તન અસામાન્ય જણાતાં, તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મયંક પંડ્યા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અનુમાન છે. તપાસ દરમિયાન તે મનોવિજ્ઞાનિક સારવાર હેઠળ હોવાની માહિતી પણ બહાર આવી છે. મુંબઈ પોલીસે મયંકને તમામ તબીબી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે ફરમાન પણ આપ્યું છે.
વડોદરા એસપી રોહન આનંદે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "આ ઘટના પાછળ યુવકના વ્યક્તિત્વમાં અસ્વસ્થતા અને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રભાવ બનાવવાની માનસિકતા જવાબદાર છે. અમે સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે અને Mumbai પોલીસ સાથે સતત સંપર્કમાં છીએ." આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ મેળવવા માટે યુવાનોની હદે જતા વર્તન પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે.
આ પણ વાંચોઃ