બનાસકાંઠા : ઘણા એવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, જે ખરેખર કળિયુગ હોવાની સાબિતી આપે છે. ક્યારેક સંબંધોની પણ હત્યા કરતા લોકો ખચકાતા નથી, આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લામાં બન્યું. વડગામ તાલુકામાં એક પુત્ર જ માતાની હત્યાનો આરોપ છે. જે પુત્રને માતાએ લાડકોડથી ઉછેર્યો તે જ પુત્રએ મોટા થઈ માતાનું જ ઢીમ ઢાળી દીધું.
પુત્ર પર માતાની હત્યાનો આરોપ : આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા (સેભર) ગામની છે. જ્યાં અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલા પુત્ર પરિમલ કટારીયાએ માતા મધુબેન કટારીયાના માથાના ભાગે પાવડાના ઘા માર્યા હતા. જેના કારણે માતા ત્યાં જ ઢળી પડતા આખરે તેનું મોત થયું છે. પુત્ર કયા કારણોસર ઉશ્કેરાયો અને કેમ માતાની હત્યા કરી તે બાબતે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપી પુત્ર ઝડપાયો : માતાની હત્યાના આરોપી પુત્ર પરિમલ કટારીયાને ઝડપી લઈ તેના સામે હત્યાનો ગુનો દાખલ કરી વડગામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે કળિયુગમાં પોતાના સ્વાર્થ ખાતર ક્યારેક પત્ની તો ક્યારેક પતિ તો ક્યારેક પુત્ર પણ પોતાના સંબંધોની હત્યા કરતાં ખચકાતા નથી. કંઈક આવો જ આ કિસ્સો ફરી એકવાર બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી સામે આવ્યો છે.
પોલીસ કાર્યવાહી : હત્યાની ઘટના બાદ વડગામ પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી FSL સહિતની મદદ લઈ સમગ્ર ઘટનામાં તપાસ હાથ કરી છે. હાલમાં ઝડપાયેલા હત્યારા પુત્રને વડગામ પોલીસે જેલ હવાલે કર્યો છે. કહી શકાય કે માતાની હત્યા કરતા પુત્રને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. જ્યારે પિતાનું જીવન એકલવાયુ બની ગયું છે.