રાજકોટ : રામનવમીની શોભાયાત્રા તેમજ ઉપલેટાના સંત બ્રહ્મચારી બાપુની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આયોજનના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે મુસ્લિમ સમાજે પણ શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરતા ઉપલેટામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે.
હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક : રાજ્યમાં અને દેશભરમાં જ્યારે હાલ હિંદુ-મુસ્લિમ તેમજ વિવિધ સમાજ વચ્ચે અવારનવાર કોમવાદ જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે, તો ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં વિખવાદો ઊભા થતાં હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં અવાર-નવાર વિવિધ તહેવારોમાં હિંદુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતિક જોવા મળે છે.
ઉપલેટા શહેરમાં ઘણા વર્ષોથી બન્ને સમાજ એક બીજાને માન આપી દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. હાલમાં જ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ અને ઈદ તહેવાર પર હિંદુ આગેવાનો દ્વારા ફુલહાર અને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.
બીજી તરફ ઉપલેટા શહેરમાં બ્રહ્મચારી બાપુની જગ્યામાં ચાલી રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને રામનવમી શોભાયાત્રા જેવા પાવન પર્વ પર હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ પર ઠંડા પીણા, શરબતના સ્ટોલ સહિત બંને કાર્યક્રમોની યાત્રાના રસ્તા પર પ્રસાદી રૂપે ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી.
છાશ અને શરબતનું વિતરણ : આ શોભાયાત્રામાં વિવિધ સમાજની સંસ્થાઓ અને સેવકો દ્વારા લોકો માટે ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપલેટાની એકમાત્ર સુરક્ષિત ગણાતી કટલેરી બજાર એસોસિએશન દ્વારા બંને યાત્રામાં સામેલ લોકો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિશેષ રૂપે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાશને હજારોની સંખ્યામાં જોડાયેલા લોકોને પીવડાવી ઉનાળામાં શીતળતા પૂરી પાડવામાં આવી હતી.

મુસ્લિમ આગેવાનો દ્વારા ફુલહાર : શોભાયાત્રાઓ પર મુસ્લિમ આગેવાનો દ્વારા ફુલહાર કરી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ બ્રહ્મચારી બાપુના જગ્યા પર ચાલી રહેલા ભાગવત સપ્તાહ પર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપી વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળનું શાલ ઓઢાળી વિશેષ સન્માન કરાયું હતું.
બ્રહ્મચારી બાપુની નૂતનમૂર્તિની નગરયાત્રા : બ્રહ્મચારી બાપુની જગ્યા પર ઘણા દિવસથી ચાલી રહેલા આ ભવ્ય કાર્યક્રમમાં રોજના દસથી બાર હજાર શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા આવે છે. છેલ્લા દિવસે કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે શહેરના વિવિધ માર્ગો પર રામનવમી શોભાયાત્રાની સાથે સાથે પૂજ્ય બ્રહ્મચારી બાપુની નૂતન મૂર્તિની નગરીયાત્રાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હિંદુ-મુસ્લિમ બંને સમાજના આગેવાનોએ એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.