નવસારી-ભરૂચ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પરિણામે કાળઝાળ ગરમીનીની ઋતુ પૂર્ણ થતાં પહેલાં જ કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઇ છે. પરિણામે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના દક્ષિણી જિલ્લા નવસારી અને ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી નવસારીમાં વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મેઘરાજાએ મન મૂકીને દસ્તક દીધી હતી, જેને લઈને છેલ્લા કેટલાક દિવસથી બફારાના વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ ઘર બન્યું હતું. પરિણામે નવસારી વાસીઓને બફારા વચ્ચે આંશિક રાહત મળી છે પરંતુ ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય વ્યાપ્યો છે.
નવસારીમાં ખેડૂતો ચિંતિત:
નવસારીમાં મુખ્યત્વે ડાંગર, કેરી અને ચીકુની ખેતી સાથે ખેડૂતો જોડાયેલા છે. હાલ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બનશે. કારણ કે કેરી અને ડાંગના પાક તૈયાર હાલતમાં છે ત્યારે વરસાદના કારણે નુકસાની થવાની ભીતિની શક્યતા સેવાઇ રહી છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થશે કારણ કે, વરસાદના પાણીના કારણે કેરી બગડવાની અને તેની ગુણવત્તા પર અસર થવાની શક્યતા વધુ હોય છે. પરિણામે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ મળવા મુશ્કેલ થઈ જાય છે જેથી ખેડૂતોએ કરેલા ખર્ચા સામે એટલી ઉપજ ન મળતા ખેડૂતો મોટી નુકસાનીમાં મુકાઈ શકે છે.
બીજી બાજુ ભરૂચની વાત કરીએ તો આજે વહેલી સવારે ભરૂચ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે લગભગ 40 કિમીની ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો. ભારે ગરમી વચ્ચે થયેલા આ કમોસમી વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. વહેલી સવારથી પડેલા વરસાદે તાપમાનમાં ઘટાડો કર્યો અને લોકોને થોડી રાહત આપી. પરંતુ, માત્ર રાહત નહીં, પાણી ભરાવાની સમસ્યા પણ સાથે લાવી હતી.
અંકલેશ્વર શહેર અને GIDC વિસ્તારમાં વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં કાપોદ્રા પાટિયાથી સોસાયટી તથા ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોના આવાગમનમાં પણ મુશ્કેલી સર્જાઈ હતી.
ભરૂચમાં વિસ્તાર મુજબનો વરસાદના આંકડા નીચે મુજબ છે:
- અંકલેશ્વર શહેર: 2 ઇંચ
- હાંસોટ: 1 ઇંચ
- ઝઘડિયા: 1 ઇંચ
- ભરૂચ તાલુકો: 0.5 ઇંચ
ભરૂચમાં જગતના તાત નુકસાનના કારણે ચિંતિત:
આ તમામ વચ્ચે કમોસમી વરસાદથી ભરૂચના ખેડૂતોમાં ફરી ચિંતા જોવા મળી રહી છે. "જગતના તાત" તરીકે ઓળખાતા ખેડૂતોના સપનાને વરસાદે ફરી ભીંજવ્યા છે. ભારે વરસાદના કારણે પાકોને ભારે નુકસાન થઈ શકે છે.
ભરૂચ જિલ્લામાં લેવાતા મુખ્ય પાકો અને તેમનું અંદાજિત નુકસાન:
પાક | વિસ્તાર | વરસાદની અસર | વરસાદથી નુકસાન |
કેળા | ઝઘડિયા, અંકલેશ્વર | પવનથી છોડ પડવું | પાણી ભરાવાથી મૂળ નાશ: 25–30% |
ભીંડા, તુરિયા, રીંગણ (શાકભાજી) | હાંસોટ | પાકમાં પાણી જવાથી ભીંજાઇ જવું | પાણી ભરાવાથી ફૂગ/રોટ લાગી શકે 30–40% |
મકાઈ | અંકલેશ્વર | છોડ ઝૂકી જવું | પાંદડા નષ્ટ 15–20% |
જુવાર, બાજરી | ભરૂચ | જમીનમાં ભેજ વધારો | વાવણી મોડું 10–15% |
એરંડા | ઝઘડિયા, અંકલેશ્વર | નેત્રંગ ઊંડા પાણી ભરાવો | વાવણીના સમયમાં વિલંબ 10–20% |
તલ | હાંસોટ | નાની નબળી વાવણીમાં નુકશાન | વાવણીમાં મોડું 15% |
ઘઉં (છેલ્લો પાક, હજુ નિપજ્યો હોય તો) | પાકમાં પાણી જવાથી ભીંજાઇ જવું | ગુણવત્તા ઘટે 10% |
જો ખેડૂતોના અગાઉથી વાવેલા પાક પર થયેલ અસરની વાત કરીએ તો...
- પલળેલી જમીનમાં ભેજ વધારે થઈ જતાં બીજ સડી શકે છે
- જમીન ઉંધાઈ ન થઈ હોય ત્યાં વધુ નુકસાન
- પાણી નિકાસના અભાવે રોપાઓ નાશ પામે છે
વાતાવરણમાં આવેલા આ ફેરફાર બદલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા હજુ પણ છે પરિણામે રાજ્યના ખેડૂતો અને શહેરવાસીઓને તંત્રએ સાવચેત રહેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: