અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને શિલાયન્સ કરશે. તદુપરાંત તેઓ સહકારી મહાસંમેલનને પણ સંબોધન કરશે.
ગુજરાતના પ્રવાસે ગૃહમંત્રી : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આજે 17 મે, શનિવારના રોજ પ્રથમ અમિત શાહ ગાંધીનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવતીકાલ 18 મે, રવિવારના રોજ અમિત શાહ અમદાવાદ અને મહેસાણા શહેરમાં હશે.
અમિત શાહનો આજનો કાર્યક્રમ : અમિત શાહ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ તેમનો કાર્યક્રમ ગાંધીનગરમાં શરૂ થશે. અમિત શાહ 17 મેના રોજ સાંજે 4:30 વાગ્યે ગાંધીનગરના વાવોલ ખાતે નવ નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 4:45 વાગ્યે તેઓ સેક્ટર 21 અને 22 ને જોડતા અંડરપાસનું લોકાર્પણ કરશે.

અમિત શાહ સાંજે 5:00 વાગ્યે બીજા પેથાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર પછી 5:20 વાગ્યે તેઓ કોલવડા તળાવનું લોકાર્પણ કરશે. સાંજે 5:30 વાગ્યે અમિત શાહ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટપાલ વિભાગના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાયન્સ કરશે.
અમિત શાહનો આવતીકાલનો કાર્યક્રમ : આવતીકાલ 18 મે, રવિવારના રોજ સવારે 10:00 વાગ્યે અમિત શાહ ગુજરાત સહકારી ફેડરેશન દ્વારા આયોજિત "વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા" વિષય પરના પરિષદમાં હાજરી આપશે. આ પછી તેઓ સવારે 11:45 થી બપોરે 1:00 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં વિવિધ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.

સાંજે 5:30 કલાકે અમિત શાહ અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે અને 5:30 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાયન્સ કરશે. આ સાથે અમિત શાહ KVIC યોજનાના લાભાર્થીઓને સાધન વિતરણ કરશે.
અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ : આ અંગે અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ 18મી તારીખે અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે, તેનાથી શહેરમાં દોઢ લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે. અહીં અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જાહેર સભામાં હાજર રહેશે.
"અમિત શાહની આ મુલાકાત ગુજરાતમાં વિકાસ અને સહકારીતા વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જેનાથી પ્રાદેશિક સ્તરે આરોગ્ય માળખાગત સુવિધાઓ અને ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત બનાવવાની અપેક્ષા છે." -- દેવાંગ દાણી (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, AMC)
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લગભગ 1,692 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. નારણપુરા ખાતે જંગી જાહેર સભાની અંદર 1000 લોકોને સરકારી આવાસની ચાવી આપવામાં આવશે.