સુરતઃ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીના એક ચોંકાવનારા કેસમાં સારોલી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મુખ્ય આરોપી એક કોલેજનો વિદ્યાર્થી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજથી નીકળેલા બે શંકાસ્પદ વ્યક્તિઓને સારોલી-નિયોલ ચોકી પાસેથી ઝડપી લેવામાં આવ્યા.ઝડપાયેલા યુવકો પાસેથી 18.177 કિલોગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાન નામના બે યુવકોનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી બિકાસ પાડી ઓડિશાની RCM કોલેજમાં T.Y. B.Comનો વિદ્યાર્થી છે. તે અગાઉ પોતાના પરિવાર સાથે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો હતો. હાલમાં તેનો મોટો ભાઈ અમરોલી વિસ્તારમાં રહે છે.

બીજો આરોપી ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઓડિશાના પતન ખાતે ખેતી કરે છે. બંને આરોપીઓ બે વર્ષ પહેલા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ત્યાં તેમની મિત્રતા થઈ હતી. બાદમાં બંનેએ ગાંજાની હેરાફેરી કરી પૈસા કમાવાનું આયોજન કર્યું હતું. જો કે, તેઓ પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલાં જ પોલીસે તેમને પકડી પાડ્યા.ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લાની સચિન ગામની રહેવાસી ભુઆ પાંડી દ્વારા મોકલવામાં આવ્યો હતો.

જ્યાં કાના પરીડા નામના શખસે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તેણે જ બિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને સુરત ખાતે ડિલિવરી માટે ગાંજાનો જથ્થો અપાવ્યો હતો અને ગ્રાહકોની વ્યવસ્થા પણ કરી આપવાની હતી. તેના બદલામાં બંને આરોપીઓને કમિશન મળવાનું હતું.સારોલી પોલીસે વધુ તપાસ દરમિયાન નશાની આ ચેઇનમાં જોડાયેલા આરોપી ભુઆ પાંડી અને કાના પરીડાને વોન્ટેડ જાહેર કર્યા છે. બંનેની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.