ભાવનગર: અમેરિકાએ લાદેલ ટેરિફના કારણે ભારતમાં અનેક ઉદ્યોગોને અસરગ્રસ્ત થશે. જેમાં હીરા ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈફોન વગેરે ક્ષેત્રે અસર થવાની સંભાવના દર્શવાઈ રહી છે. પરંતુ ભાવનગરના જે હીરા ઉદ્યોગ પર લાખો લોકો નભે છે, તેના ઉપર મંદી જેવા મહોલના વાદળો વધુ ઘેરા બનશે કે કેમ તેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.
વિશ્વની મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના અનેક દેશો માથે ટેરિફ નાખવામાં આવ્યો છે. ત્યારે ભારત પર પણ ટેરિફ નાખતા કેટલીક ચીજો પર તેની સીધી અસર થવાની છે. અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ નિકાસ થનાર ચીજોમાં ભાવનગર શહેરના હીરા ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના હીરા અને ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં આવતા હીરા બંનેની માંગ અમેરિકામાં રહે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના હીરા ઉદ્યોગમાં આ ટેરિફ વધારે માઠી અસર પહોંચાડી રહ્યો છે. આમ, પહેલા કેટલો ટેરિફ હતો અને હવે લાદેલ ટેરિફની ભાવનગર હીરા ઉદ્યોગ પર કેવી અસર પડી શકે છે તે વિશે ભાવનગર ડાયમંડ એસોસિએશન શું કહે છે, ચાલો જાણીએ.
પહેલાના ટેરિફ અને અત્યારના ટેરિફમાં શું અંતર? અમેરિકાએ હવે ભારતની ચીજો પર 26 ટકા ટેરીફ લાદ્યો છે, ત્યારે તેની અસર ભાવનગરના હીરા ઉદ્યોગ પણ પડી છે. ટેરિફને લઈને ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, ' ટેરિફ વિશે જણાવીએ તો પહેલા હીરા ઉપર ઝીરો ટકા (0%) ટેરિફ હતો અને જ્વેલરીમાં છ ટકા (6%) ટેરિફ હતો, ત્યાં સીધો વધારો થયો છે. ઝીરો ટકા વાળા હીરા ઉપર હવે 26 ટકા ટેરિફ આવી ગયો છે, જ્યારે 6 ટકાવાળા જ્વેલરી સાથેના હીરા ઉપર 32 ટકા ટેરિફ આવ્યો છે. પરિણામે બજારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વેપારીઓએ નવું કામ બંધ કરી દીધું છે. જો આ અસર લાંબી ચાલશે તો હીરા ઉપર તેની માઠી અસર થશે. આ અસર ક્યાં સુધી રહી શકે તે કહી શકાય નહીં અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.'

હીરાના ધંધામાં હજુ ઘટાડો આવશે ? ભાવનગર શહેર અને જિલ્લામાં રત્ન કલાકારોને રોજીરોટી હીરા દ્વારા મળી રહે છે ત્યારે આ મુદ્દે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, 'ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ સુધી અંદાજે બે લાખ જેટલા લોકોને રોજગારી હીરામાંથી મળી રહી છે. જો કે મંદીના કારણે કેટલાક લોકો માઈગ્રેટ જરૂર થયા હશે. અત્યારે હીરાનો ધંધો કોઈ શીખતા નથી એટલે કે નવો હીરા ઘસનાર રત્ન કલાકાર મળી રહ્યો નથી. જો આમને આમ ચાલશે અને ટેરિફના કારણે માંગ નહીં રહે, તો હીરાના ધંધામાં હજુ ઘટાડો આવી શકે છે.'


હીરા ઉદ્યોગકાર અસમંજસમાં મુકાયા: અમેરિકાએ જીકેલા ટેરિફના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં હીરાના વેપારીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે અત્યારે કહેવું યોગ્ય નથી. હજી ટેરિફ આવ્યાને બે દિવસ થયા છે, તેની અસર શું આવે છે તે જોવું રહેશે. હાલમાં તો બધાએ કામ બંધ કર્યું છે, કારણ કે આપણે જે માલ મોકલીએ છીએ તેના પર 25 ટકા ભાવ વધી જવાનો છે. જેથી અમેરિકામાં ખરીદી થાય છે કે કેમ તેના ઉપર આધાર છે. એટલે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે અમેરિકામાં હીરાની માંગ રહે છે કે કેમ ?

આ પણ વાંચો: