વલસાડ: નેશનલ હાઇવે નંબર 48 ઉપર અનેક અકસ્માતની ઘટના અગાઉ બની છે. પરંતુ ભાગ્યે જ ક્યારેક એવું બને છે કે જ્યારે અકસ્માતની ઘટના લાઇવ કેમેરામાં કેદ થતી હોય છે. ગત રોજ એક ટ્રક રૂ ની ઘાસડી ભરી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી અને સમગ્ર ઘટના એક કાર ચાલકે તેના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી.
રૂ ની ગાંસડી ભરેલી ટ્રક પલટી:
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે સમગ્ર દિવસ દરમિયાન ભારે વાહનોની અવરજવરથી ભરચક રહે છે. પરિણામે અનેક વાર અકસ્માતોની મોટી ઘટનાઓ બનતી હોય છે. અનેક વખત ભારે વાહનોમાં ઓવરલોડ સામાન ભર્યો હોવાને કારણે વાહન ચાલકો વાહન ઉપરનો કાબુ ગુમાવી દેતા હોય છે, જેના કારણે અનેકવાર ટ્રક ડિવાઈડર તોડી સામેના ભાગે જતી રહે છે. પરિણામે અકસ્માત સર્જાય છે.
ગઈકાલે પણ રૂ ની ગાંસડી ભરીને નીકળેલી એક ટ્રકના ચાલકે ઓવરલોડિંગને કારણે ટ્રક ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ડીવાઇડર સાથે ભટકાઇ પલટી ગઈ હતી અને તેમાં ભરેલી રૂની ગાંસડી રોડ ઉપર ફંગોળાઈ પડી હતી.
સમગ્ર ઘટના થઈ મુસાફરના મોબાઈલ કેમેરામાં કેદ:
હાઈવે ઉપર પસાર થઈ રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં પાછળના ભાગેથી આવી રહેલી ટ્રકનો વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે ટ્રક પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અચાનક એક તરફ વધુ વજનના કારણે પલટી ગઈ હતી. ટ્રક ચાલક હજુ તેને કાબૂમાં કરે તે પહેલા જ ટ્રક ડિવાઈડર સાથે ભટકાઈને પલટી જવા પામી હતી.

આ સમગ્ર ઘટના ટ્રકની આગળ ચાલી રહેલા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો:
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર મુંબઈ તરફના ટ્રેક પર બનેલી આ ઘટનામાં ડિવાઈડર ઉપર પલટી ગયેલી ટ્રકના કારણે તેમજ ટ્રકમાંથી બહાર ફંગોળાઈને પડેલી રૂની ગાંસડીઓને કારણે આવતા જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલું જ નહીં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઇ હતી, જેના કારણે ટ્રાફિક પોલીસ દોડતી થઈ હતી. મુખ્ય હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યાને કારણે પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા દુરસ્ત કરી હતી.

લાઇવ અકસ્માત અંગેનો વિડીયો થયો વાયરલ:
સમગ્ર ઘટના અંગેનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટનામાં અકસ્માત થયેલા ટ્રકની આગળ ચાલતા એક વાહનમાંથી આ વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. આમ, નેશનલ હાઇવે નંબર 48 ઉપર બનેલી આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે અને સમગ્ર ઘટના કેવી રીતે બની એ સંપૂર્ણપણે વીડિયોમાં જોઈ શકાય છે.
આ પણ વાંચો: