સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ વર્તમાન સરકારમાં અન્યાય થતા હોવાના આક્ષેપો કરી અલગથી ભીલ પ્રદેશની માંગ કરી આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી હતી.
દેશમાં એવા ઘણા રાજ્યો છે, જેનું વિભાજન થઈને નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે, ઉત્તર પ્રદેશથી અલગ પડીને ઉત્તરાખંડ બન્યું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ, તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં આવી હતી, તો આંધ્રપ્રદેશથી અલગ પડીને તેલંગાણા ભારતનું 26મું રાજ્ય બન્યું હતું. ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત આ બેઠકમાં ડૉ પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા, દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા. આદિવાસીના હાજર આગેવાને જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો આપ્યા નથી, પેસા એક્ટ અમલમાં નથી આવ્યો. દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે. વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે. જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છીએ. આ બાબતે રણનીતિ ઘડવા માટે નાની નરોલી ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: