ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી રાજકીય વલણમાં મોટો ફેરફાર લાવ્યો છે. રાજ્યના જાણીતા આદિવાસી નેતા અને BTP (ભારતીય ટ્રાઈબલ પાર્ટી)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા મહેશ વસાવાએ ફેસબુક પોસ્ટ મારફતે પોતાનું રાજીનામું જાહેર કર્યું છે.
માર્ચમાં ભાજપમાં જોડાયા, એપ્રિલમાં રાજીનામું
ગત 11 માર્ચ 2024ના રોજ મહેશ વસાવાએ BTP પાર્ટીમાંથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. ગાંધીનગરના કમલમ્ કાર્યાલય ખાતે તેમના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની ઘોષણા થઈ હતી. આ ઉમદા કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાનો પણ મોટો હાથ રહ્યો હતો.

વિચારધારાની ભિન્નતા મુદ્દે રાજીનામું
રાજીનામું આપતી વખતે મહેશ વસાવાએ જણાવ્યું કે, “RSS અને ભાજપની વિચારધારા મારી સાથે બંધબેસતી નથી. હું બંધારણમાં માનું છું અને દેશ બંધારણના આધારે ચાલવો જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “RSS અને ભાજપની વિચારધારાને સમાપ્ત કરવાની લડાઈ લડાશે.”
કામને ન્યાય ન મળ્યો
મહેશ વસાવાએ આક્ષેપ કર્યો કે, ભાજપમાં જોડાયા બાદ પણ તેમને કામ કરવાની કોઈ યોગ્ય તક આપવામાં આવી નથી. પાર્ટી દ્વારા તેમને કોઈ હોદ્દો અપાયો ન હતો અને અંદરના સ્તરે તેમની અવગણના થઈ રહી હતી. તેમની રાજકીય પ્રતિષ્ઠાને અનુરૂપ સ્થાન મળતું ન હોવાથી તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું.

પ્રદેશ પ્રમુખને સંબોધિત કરીને રાજીનામું
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધિત કરીને મહેશ વસાવાએ પોતાનું રાજીનામું પાઠવ્યું છે. જો કે, આ નિર્ણય તેઓએ તેમના સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ જ લીધો હોવાનું સ્પષ્ટ કરાયું છે.
આગળની રાહ
મહેશ વસાવા હવે ફરીથી BTPમાં સક્રિય બને છે કે કોઈ નવી આદિવાસી સંગઠન ઊભું કરે છે તે અંગે રાજકીય ચર્ચાઓ તીવ્ર બનતી જાય છે. આદિવાસી હિતોને લઈને તેઓ હવે ફરી એકવાર પોતાનું આગવું વલણ ધારણ કરશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: